Sunday 19 February 2023

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધાનાં નાટકો વિષે નોંધ (ભાગ ૪)



















 

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધાનાં નાટકો વિષે નોંધ (ભાગ ૪)

(૩૬૪ શબ્દો)

શનિવાર ૧૧  ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે એસ જે ઈવેન્ટ્સ, સુરત પ્રસ્તુત નાટક:

મનુષ્ય નામે મહાભારત

પ્રવીણ સોલંકી લિખિત અને સ્તવન જરીવાલા દિગ્દર્શિત આ નાટક શિક્ષણક્ષેત્રે વ્યાપેલા ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડે છે.

કોલેજના પ્રેસિડેન્ટનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતાં પકડાય છે. એની વિરુદ્ધ પગલાં ના લેવા માટે કોલેજના પ્રાધ્યાપક અમર ઉપર પ્રેસિડેન્ટનું દબાણ આવે છે. આચાર્ય તરીકે બઢતીનું પ્રલોભન સ્વીકારી લઈને અમર પ્રેસિડેન્ટના પુત્ર વિરુદ્ધ પગલાં નથી લેતો. આર્થિક લાભ મેળવીને અમર ભ્રષ્ટાચારના લપસણા માર્ગે ચઢી જાય છે.

પછાત વર્ગના એક વિદ્યાર્થી મિહિરને એમના આંદોલનમાં સાથ આપવાનો વાયદો કર્યા પછી અમર સ્થાપિત હિતોની તરફેણમાં એને દગો કરે છે. મિત્ર નાથાલાલની દીકરી જોડે દુષ્કર્મ થાય છે ત્યારે સત્ય જાણવા છતાં અમર એમની મદદ ન કરીને એમને દગો કરે છે.   

સાંપ્રત સમયની ઘટનાઓની સમાંતરે નાટકમાં મહાભારતના સમયની ઘટનાઓનું આલેખન થયું છે, ખાસ કરીને દ્રોણાચાર્ય અને એકલવ્ય વચ્ચે બનેલી મહત્વની ઘટનાઓ. એ સમયે જેમ દ્રોણાચાર્ય કૌરવોના આશ્રિત બન્યા પછી પછાત જાતિના એકલવ્ય જોડે અન્યાય કરે છે એમ સાંપ્રત કાળમાં અમર કોલેજના પ્રેસિડેન્ટનો આશ્રિત બનીને પછાત વર્ગના નેતા મિહિરને અને પોતાના મિત્ર નાથાલાલની દીકરીને અન્યાય કરે છે.             

રજૂઆતની વાત કરીએ તો મહાભારત કાળની ઘટનાઓના આલેખનમાં પાત્રોની વેશભૂષામાં અને ધનુષ્યબાણ જેવી પ્રોપર્ટી ઈત્યાદી પરિબળો નાટકની પ્રોડક્શન વેલ્યુ વધારવામાં ફાળો  આપે છે.

અમર અને દ્રોણાચાર્ય એમ બે ભૂમિકાઓમાં દેવાંગ જાગીરદાર, અમરની પત્ની નીલાની ભૂમિકામાં કિન્નરી ભટ્ટ, અમરના મિત્ર નાથાલાલ અને ભીષ્મ એમ બે ભૂમિકાઓમાં હિરલ નવસારીવાલા, નાથાલાલની દીકરી અનુરાધાની ભૂમિકામાં ખ્યાતિ કંથારિયા, યશવંતની ભૂમિકામાં પ્રતીક દેસાઈ, મિહિરની ભૂમિકામાં સ્તવન જરીવાળા, જગમોહન (પ્રેસિડેન્ટ) અને વિમલેન્દુની ભૂમિકામાં જયદીપ ગાંગાણી, કૃપી અને પબ્લિક પ્રોસીક્યુટર એમ બે ભૂમિકાઓમાં સુહાની જાગીરદાર, એકલવ્ય અને વકીલ એમ બે ભૂમિકાઓમાં પલાશ આઠવલે, અર્જુનની ભૂમિકામાં પ્રદીપ હરસોરા અને અશ્વત્થામાની ભૂમિકામાં દેવ આઠવલે સહુ પાત્રોચિત અભિનય કરે છે.

તાંત્રિક વિભાગોમાં નેપથ્યમાં જય ભટ્ટ, ધ્રુમિલ નાણાવટી, શ્યામ ગઢિયા, વિનીત દાવડે અને હસિત ભટ્ટ. સંગીત: દર્શન ઝવેરી, પ્રકાશ આયોજન: દેવાંગ જાગીરદાર, કલાદિગ્દર્શન: સ્તવન જરીવાળા, વેશભૂષા: મેઘા સીયારામ, ગીત: રઇશ મણિયાર, દૃષ્યપરિકપલના: સ્તવન જરીવાળા, સંગીત સંચાલન: ઉત્સવ ભટ્ટ, પ્રકાશ સંચાલન:મિતુલ હરીશ લુહાર.

આ નાટકને બાર કેટેગરીમાંથી શ્રેષ્ઠ નાટક સહિત કુલ પાંચ કેટેગરીમાં નોમીનેશન મળ્યાં છે.

આ નાટક હિન્દી ભાષાના અગ્રણી નાટયકાર શંકર શેષ લિખિત નાટક “એક ઔર દ્રોણાચાર્ય” ના આધારે લખાયેલું છે એટલે નાટકની જાહેરાત સમયે નાટયકારશ્રી  શંકર શેષનો ઋણસ્વીકાર કરવામાં આવ્યો હતો.

--કિશોર પટેલ, 19-02-23; 21:08

No comments: