Sunday 19 February 2023

ભવન્સની નાટયસ્પર્ધાના નાટકોની નોંધ (ભાગ ૩)

 








ભવન્સની નાટયસ્પર્ધાના નાટકોની નોંધ (ભાગ ૩) 

(૪૦૭ શબ્દો)

શુક્રવાર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે રજૂ થયું શ્રીકૃષ્ણ પ્રોડક્શન, સુરત પ્રસ્તુત નાટક:

રિવા    

લેખક: નમન મુનશી, દિગ્દર્શક: કૃણાલ પારેખ અને યોગી ઉપાધ્યાય

નાટકનો પ્રારંભ થતાં જ પ્રેક્ષકોને ઈશારો મળી જાય છે કે નાયિકા રિવાના જીવનની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, એ કોઈક અસાધ્ય રોગથી પીડાઈ રહી છે અને ગમે ત્યારે મૃત્યુ પામશે.

રિવાએ પિતાની ઈચ્છાવિરુદ્ધ પોતાના પ્રેમી અમિત  જોડે લગ્ન કર્યા હોવાથી એના પિતા દીકરીથી નારાજ હતા. એમને લાગતું હતું કે દીકરીની પસંદગી ખોટી છે. એમની નજરમાં રિવા માટે અમિત યોગ્ય ન હતો. 

રિવાની ઉત્તરક્રિયાના ટાણે અમિત અને એના સસરા પુરુષોત્તમ પસ્તાકિયા વચ્ચે ઝઘડો થઈ જાય છે. રિવાના અકાળ મૃત્યુ બદલ બંને એકબીજા પર દોષારોપણ કરે છે એ સમયે રિવાના વકીલ મિસ્ટર દારૂવાલા આવીને રિવાએ કરેલું વસિયતનામું વાંચી સંભળાવે છે.

પોતાના મૃત્યુ બાદ ત્રણસો કરોડની રોકડ સંપત્તિ માટે રિવાએ લખાણ કર્યું છે કે એ નાણાં એના પિતા અને પતિ બંનેને સરખે ભાગે મળે જો તેઓ એક છત નીચે પંદર દિવસ એકબીજા જોડે રહે તો. આ સમય દરમિયાન જો બેમાંથી એકનું મૃત્યુ થઈ જાય તો તમામ સંપત્તિ દાન કરી દેવી એવી એક રાઈડર એણે મૂકી છે.

હડકાયાં કૂતરાંની જેમ હરહંમેશ એકબીજા જોડે લડતાં-ઝઘડતાં સસરા-જમાઈ શું પંદર દિવસ સાથે રહી શકે છે? સંપત્તિ આખરે કોને મળે છે?

ભારે નાટ્યાત્મક સ્થિતિમાં મૂકાયેલા બંને પાત્રો વચ્ચે જે કંઈ બને છે એ જોવા-માણવાલાયક છે. આ બે પાત્રો વચ્ચેના સંઘર્ષ ઉપરાંત એક વધારાનો વળાંક આપતું પાત્ર છે: સીમી. 

સિમી આમ તો અમિતના ઘરની કેરટેકર છે. પણ બને છે એવું કે અમિત અને સિમી ભાવનાત્મક રીતે એકબીજાની નજીક આવી જાય છે. આવા વળાંકથી શું રિવાના વસિયતનામાની કોઈ શરતનો ભંગ થાય છે? જો હા, તો? તો શું?

સંઘર્ષ નાટકનો પ્રાણ છે અને આ નાટકનો વિષય-વસ્તુ જ મૂળે નાટયપૂર્ણ છે. કલાકારોની સંપૂર્ણ ટીમની રજૂઆત પણ શ્વાસ અધ્ધર રાખે એવી જ થઈ છે. પસ્તાકિયાને હ્રદયરોગનો હુમલો આવે છે તે દ્રશ્ય તણાવ સર્જવામાં સફળ થયું છે.        

રિવાની ભૂમિકામાં મીનલ સેલર, અમિતનું ભૂમિકામાં કૃણાલ પારેખ અને રિવાના પિતા ઉધોગપતિ પસ્તાકિયાની ભૂમિકામાં જય દીક્ષિત ત્રણે પાત્રોચિત અભિનય કરે છે. સિમી તરીકે દેવાંગી ભટ્ટ જાણીતા નવલકથાકાર અને અભિનેત્રી નહીં, એ અલગ), વકીલ દારૂવાલા તરીકે મયુર ઠાકોર, બેંક ઓફિસર તરીકે યોગી ઉપાધ્યાય અને અન્ય સહાયક ભૂમિકાઓમાં મીત, રાહુલ પરમાર, નવ્યનાંદી શાહ સહુ સારો સાથ નિભાવે છે.    

નાટકના તાંત્રિક વિભાગોની કામગીરી આ પ્રમાણે:

સંગીત: વૈભવ મુકેશ દેસાઈ, પ્રકાશ: મિતુલ લુહાર, સંગીત સંચાલન: યશ ઉપાધ્યાય, રંગભૂષા: અર્ચા સોમૈયા, દ્રશ્ય પરિકલ્પના: કેતન રાઠોડ અને સેટ: મિતલ ચોક્સી.

નાટકનું કથાબીજ અંગત મિત્ર અને સુરતના જાણીતા નાટયકર્મી સ્વ. શમીન દિવાન પાસેથી મળ્યું હોવાનો લેખક શ્રી નમન મુનશીએ ઋણસ્વીકાર કર્યો હતો.   

--કિશોર પટેલ, 19-02-23; 10:58

###



No comments: