Saturday 18 February 2023

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધામાં રજૂ થયેલાં નાટકો વિષે નોંધ (ભાગ ૨)












 

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધામાં રજૂ થયેલાં નાટકો વિષે નોંધ (ભાગ ૨)   

(૪૭૬ શબ્દો)

પ્રસ્તુતિ: ગુરુવાર,  ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે

એક્સપ્રેશન ગ્રુપ સુરત પ્રસ્તુત નાટક:

ધ ડોલ

ક્રોએશિયન નાટયકાર મિરો ગારવાન લિખિત નાટક “ધ ડોલ” નું RJ મિહિર પાઠક દ્વારા થયેલું નાટયરૂપાંતર.  

ફેન્ટેસી. નેહા સાથેના સંબંધોમાં રુદ્રનું બ્રેકઅપ થઈ ગયું છે જેનાં પરિણામે એ એકલતા અનુભવી રહ્યો છે. એક સર્વિસ પ્રોવાઈડર કંપની પાસેથી એ ભાડા પર એક એવી ઢીંગલી મંગાવે છે જે જીવતાજાગતા માણસ જેવું વર્તન કરે છે. બોલે, ચાલે, હસે,  ગુસ્સો કરે, બધું જ. આ ઢીંગલી કેવળ છ મહિના માટે એને સાથ આપવાની છે. ગ્રાહકની સૂચના મુજબ એ ઘરનાં બધાં જ કામ કરી શકે છે. પણ એ હાઉસ હેલ્પર નથી, સાથીદાર છે, ગ્રાહકે પણ સરખા ભાગે ઘરનાં કામ કરવાનાં હોય છે. ગ્રાહક એની સાથે વાણી અને વર્તનથી  જેવો વ્યવહાર કરે એનું એ પૃથક્કરણ કરે અને એ પ્રમાણે એને પ્રતિસાદ આપે. છ મહિને કંપનીના માલિકો એ ડોલને જયારે પાછી હસ્તગત કરે ત્યારે ગ્રાહકની વર્તુણક વિષે બધો જ ડેટા કંપનીને મળી જાય એવી ગોઠવણ એમાં છે.

ડોલનો ઈતિહાસ જાણ્યા પછી એટલે કે ડોલની બનાવટની પ્રક્રિયા દરમિયાન એ અન્ય પાંચ પુરુષો જોડે સંપર્કમાં આવી છે એવું જાણ્યા પછી રૂદ્રે આપેલો પ્રતિભાવ આપણા સરેરાશ ભારતીય પુરુષો જેવો જ છે. આમ નાટયલેખક અહીં પુરુષપ્રધાન માનસિકતા વિષે એક અગત્યનું વિધાન કરે છે.

રુદ્ર અને ડોલ વચ્ચે સંબંધો કેવી રીતે વિકસે છે? ડોલનો સાથ મળ્યા પછી પણ રુદ્ર નેહાને સતત યાદ કરતો રહ્યો છે. ડોલ પણ એને નેહા જોડે સંબંધો પુનર્સ્થાપિત કરવા માટે ઉત્તેજન આપે છે. રુદ્ર શું કરે છે? ડોલની સલાહ માનીને શું એ નેહાનો સંપર્ક કરે છે? નેહાનો પ્રતિભાવ શું છે?  અનેક વળ અને વળાંકો પછી રુદ્રની સફર ક્યાં સુધી પહોંચે છે એ જોવા-માણવાનું રસપ્રદ બન્યું છે.

રસપ્રદ અને મજેદાર રજૂઆત.

બોક્સમાંથી બેઠી થતી ડોલનું દ્રશ્ય કલ્પનાશીલ બન્યું છે. પહેલાં સ્ત્રીના પગ બહાર આવે. ધીમે ધીમે ડોલ બહાર આવે, સંગીત અને પ્રકાશયોજનાના સથવારે આખું દ્રશ્ય પ્રભાવક બન્યું છે. એ જ રીતે અંત તરફ જતાં એક વાર ડોલની બેટરી લો થઈ જાય છે ત્યારે ડોલનું વાંકા વાળીને મુડદાલ જેવી સ્થિતિમાં ચાલી જવાનું દ્રશ્ય ખૂબ જીવંત અને પ્રભાવી બન્યું છે. 

નાટક દ્વિપાત્રી છે. રુદ્ર અને ડોલ. જ્યાં અને જયારે ત્રીજા પાત્રની એટલે કે નેહાની જરૂર પડી છે ત્યાં ડોલ પોતે નેહા બની જાય છે. આ ગોઠવણ તદ્દન સહજ અને સરળ છે, પ્રેક્ષકોને ક્યાંય ગૂંચવાડો થતો નથી.

અભિનયની વાત કરીએ તો ડોલની દેહભાષાનું આલેખન જુહી પાઠકના અભિનયમાં પ્રભાવક થયું છે. ચાલવું, બોલવું, ડોક હલાવવી આંખો પટપટાવવી વગેરે સરસ. જયારે પણ જરૂર પડી છે ત્યારે નેહાની ભૂમિકામાં પ્રવેશી જવાનું જુહીના અભિનયમાં સરળ અને સહજ થયું છે. રુદ્રની ભૂમિકામાં એનું મનોમંથન પ્રગટ કરવામાં RJ મિહિર પાઠક સફળ રહ્યા છે. દ્વિપાત્રી નાટક કરવું એક રીતે જોખમી અને સાહસિક પ્રયોગ કહેવાય પણ આ નાટકના કલાકાર-કસબીઓએ આ આહ્વાન સફળતાપૂર્વક ઝીલ્યું છે.

નાટકનું દિગ્દર્શન વત્સલ શેઠ અને RJ મિહિર પાઠક બંનેએ જોડીમાં કર્યું છે. પ્રકાશ યોજના: મિતુલ લુહાર, સંગીત: વૈભવ દેસાઈ, સંગીત સંચાલન: નિશાંત રુદ્ર, નેપથ્ય: કિરણ પટેલ, સપના શેઠ અને મિરા પાઠક.

--કિશોર પટેલ; 18-02-23;14:10    

###

 

પોસ્ટ કર્યું: 18-02-23; 14:16

No comments: