Thursday 23 February 2023

પગલા ઘોડા

 



પગલા ઘોડા

(૬૩૫ શબ્દો)

મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક કાર્ય સંચનાલય આયોજિત ૬૧ મી મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી નાટયસ્પર્ધા ૨૦૨૨-૨૩ ના અંતિમ ચરણમાં દામોદર નાટ્યગૃહ, પરેલ, મુંબઈ ખાતે બુધવાર, તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે “પગલા ઘોડા” નો પ્રયોગ જોયો.

બાદલ સરકાર દ્વારા મૂળ બંગાળી ભાષામાં લખાયેલા આ નાટકનો હિન્દી અનુવાદ પ્રતિભા અગ્રવાલે કર્યો છે. દિગ્દર્શન: સચીન બેલીડગે. રજૂઆત: બેસ્ટ કલા અને ક્રીડા વિભાગ, મુંબઈ.

મોડી રાત્રે સ્મશાનઘાટનું દ્રશ્ય. આત્મહત્યા કરીને મૃત્યુ પામેલી એક યુવતીના મૃતદેહને અગ્નિ અપાયો છે. રાતના આછા પ્રકાશમાં ચિતાનો ધુમાડો પ્રસરતો રહે છે અને ડાઘુઓ તરીકે આવેલા ચાર પુરુષો સમય પસાર કરવા ગપ્પાં મારતાં બેઠા છે.

એક ઠેકેદાર છે, બીજો કાર્તિક કમ્પાઉન્ડર છે, ત્રીજો શિક્ષક છે, ચોથો પોસ્ટમાસ્તર છે. ગામના એક શ્રીમંત મલિકબાબુએ આ લોકો માટે વિદેશી શરાબની બોટલ મોકલાવી છે.   

પહેલાં તો આ ચારે જણા શરાબ પીતાં, પત્તાં રમતાં અને ફાલતુ ગપ્પાં મારતાં સમય પસાર કરે છે. દરમિયાન અચાનક સફેદ વસ્ત્રોમાં એક સ્ત્રી મંચ પર ધસી આવે છે અને આ ચારમાંથી એક જણને કંઇક પૂછે છે. જેને પ્રશ્ન પૂછાયો છે તે એ સ્ત્રી તરફ ધ્યાન આપતો નથી. બાકીના ત્રણેમાંથી પણ કોઈ કશું જોતું કે સાંભળતું નથી. જાણે એ સ્ત્રી ત્યાં હોય જ નહીં!

એ પેલી મૃત્યુ પામેલી સ્ત્રીનો આત્મા છે. આ ઘટના પછી ચારેની વાતોમાં વળાંક આવે છે. પેલી સ્ત્રીનો આત્મા વારંવાર આવ-જા કરે છે. દરેકની સાથે એ સવાલજવાબ કરે છે.

આ ચારે પુરુષોની જુદી જુદી કહાણી છે. બધી કહાણીઓનો સાર એક જ છે, ચારેએ પોતપોતાના જીવનમાં આવેલી સ્ત્રી જોડે વિશ્વાસઘાત કર્યો છે. ચારે સ્ત્રીઓ આત્મહત્યા કરીને મૃત્યુ પામી છે. જે ચિતા સળગી રહી છે એ ચોથી સ્ત્રીની છે. એક રીતે આ ચારે પુરુષો હત્યારા છે.

નાટકનો ધ્વનિ એ છે કે  પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીને હંમેશા અન્યાય થતો આવ્યો છે. આર્થિક કે શૈક્ષણિક રીતે પુરુષ કોઈ પણ વર્ગનો હોય, માનસિકતા એની એ જ રહે છે. સ્ત્રી, પ્રેમ અને ઉન્માદ,  બધી જ બાબતોમાં પુરુષ હંમેશા બેદરકાર અને અણઘડ રહ્યો છે.      

નાટકમાં એક બાળગીત વારંવાર સંભળાય છે:

આમ કા પત્તા જોડા જોડા

આમ કા પત્તા જોડા જોડા

મારા ચાબુક દૌડા ઘોડા

જોર રાસ્તે ખડી હૈ બિલ્લી

આતા હૈ યેહ પગલા ઘોડા

આતા હૈ યેહ પગલા ઘોડા

પટનાસ્થિત નાટયકર્મી અને નાટયવિવેચક સુનીતા ભારતીના અર્થઘટન મુજબ આ નાટકમાં ઘોડો સ્ત્રીના પુરુષ પ્રતિ પ્રેમનું પ્રતિક છે જેની લગામ સ્ત્રીના હાથમાં નહીં પણ પુરુષના હાથમાં છે.  નાટકમાં આ ગીત ફરી ફરી સંભળાય છે, સ્ત્રીને વારંવાર ચેતવણી અપાય છે કે પાગલ ઘોડાના માર્ગમાં એ ના આવે.

નાટકમાં સ્ત્રી છેવટે કહે છે: મુઝે જીના હૈ! મૈ જીના ચાહતી હું!

ઉપસંહાર કરતાં સુનીતા ભારતી કહે છે કે સ્ત્રીએ જીવતા રહેવાનું છે, સમય જતાં બધી સમસ્યાઓ ઉકેલી શકાય છે. પ્રેમ જો પાગલ ઘોડો છે તો એની લગામ કોઈ એક જણના હાથમાં નહીં પણ જોડીમાંના બંને જણાનાં હાથમાં હોવી જોઈએ.

(સુનીતા ભારતીએ ૨૦૨૦ માં પટનામાં થયેલી એક ભજવણીમાં સક્રિય ભાગ લીધો હતો.એમની યુ ટ્યુબ પરની વિડીયો ક્લિપ પહેલી કમેન્ટમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી જોઈ શકાશે.)

#

બેસ્ટ કલા અને ક્રીડા વિભાગ, મુંબઈની આ પ્રસ્તુતિમાં સ્મશાનઘાટનો સંનિવેશ વાસ્તવિક બન્યો હતો. પ્રકાશઆયોજન અદભુત રહ્યું. મૃતાત્માના પ્રવેશ, ફ્લેશબેકના પ્રસંગો બધું પ્રકાશરચનાના કારણે સ્પષ્ટ થતું હતું અને કશો ગૂંચવાડો થતો ન હતો.  સર્વે કલાકારોનો અભિનય પાત્રોચિત રહ્યો. સરસ નાટયાનુભૂતિ.

બાદલ સરકાર ભારતીય રંગભૂમિનું એક મોટું નામ છે. હિન્દી રંગભૂમિ પર સત્યદેવ દુબેએ આ નાટકની પ્રસ્તુતિ કરી છે. વર્ષો પહેલાં મરાઠી રંગભૂમિ પર અમોલ પાલેકરે આ નાટકના પ્રયોગો કર્યાનું યાદ આવે છે.  ૧૯૮૬ ની આસપાસ IPCL, વડોદરા કંપનીએ જાણીતા નાટયકાર વિહંગ મહેતાના દિગ્દર્શનમાં ઓલ ઇન્ડિયા પબ્લિક સેક્ટર ડ્રામા કોમ્પીટીશનમાં આ નાટકની રજૂઆત હિન્દી ભાષામાં કરી હતી અને અભિનય-દિગ્દર્શનનાં એકથી વધુ ઇનામો મેળવ્યાં હતાં.  જાણવા મળે છે કે એ પછી બે-ત્રણ સ્પર્ધાઓમાં આ નાટકની ગુજરાતી ભાષામાં પણ ભજવણી થઈ હતી. અન્ય ભાષાઓમાં પણ આ નાટક જરૂર ભજવાયું હશે.

--કિશોર પટેલ, 24-02-23; 09:14 

(છબીસૌજન્ય: Google Images. સંલગ્ન છબી નાટક “પગલા ઘોડા” ના એક દ્રશ્યની છે પણ આ ભજવણીની નથી, ભૂતકાળમાં અન્ય કોઈક જૂથ દ્વારા થયેલા પ્રયોગની છે જેને નેટ પરથી લેવામાં આવી છે.)     

###  

 ૨૦૨૦ માં પટનામાં થયેલી એક ભજવણીમાં જેમણે સક્રિય ભાગ લીધો હતો એવા નાટય કલાકાર અને નાટય વિવેચક સુનીતા ભારતીની યુ ટ્યુબ પરની વિડીયો જોવા માટેની લિંક:

https://www.youtube.com/watch?v=CfNL3taDtPc...

 

###


    

    


No comments: