Sunday 5 February 2023

નવચેતન જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવચેતન જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૯૯ શબ્દો)

પિયરઘર (કિશોર વ્યાસ):

લગ્ન પછી પિયરને છેક જ ભૂલી જવા બદલ અપરાધભાવ અનુભવતી નાયિકા પિયરમાં જઈને પ્રાયશ્ચિત કરે છે. નાયિકાના પરિવારમાં પતિ, પત્ની, પિયરીયાં, સાસરિયાં,  જમાઈ, સસરા, સહુ એકબીજાનું ધ્યાન રાખે છે, માન રાખે છે, આદર કરે છે.    

ચિઠ્ઠી (જિગિષા પાઠક):

મૈત્રીસંબંધની વાત.

બાળપણની મૈત્રી યુવાવસ્થામાં એક ચોક્કસ કારણથી તૂટી ગઈ. વર્ષો પછી છેક વૃદ્ધાવસ્થામાં બંને એકબીજાની સામસામે થઈ જાય છે. મૈત્રી તોડનારા મિત્રે હજી આટલાં વર્ષે પણ મનમાં ગુસ્સો ભરી રાખ્યો છે! વળી એ મિત્ર હજી નારાજ છે એવું જાણીને નાયકને અફસોસ થાય છે!

આ વાત જ અપનેઆપમાં અજબ છે. વળી જે કારણથી મૈત્રી તૂટી ગઈ એ કારણ પણ તદ્દન બાલીશ હતું. વિનયને મનીષની બહેન પ્રતિ આકર્ષણ થાય છે, પ્રેમની ભાવના જાગે છે, ફક્ત આટલી વાતથી મનીષ મૈત્રી તોડી નાખે છે! મિત્રને ધમકી આપે છે! ચાલો, એ સમયે એણે એવો પ્રતિભાવ આપ્યો હશે, બહેન પ્રતિ માલિકીભાવ, બહેનની સુરક્ષાની જવાબદારી વગેરે ખ્યાલો એ સમયે એના હશે એ સમજી શકાય એવું છે પણ અમુક ઉંમરે પહોંચ્યા પછી તો માણસમાં ડહાપણ આવે કે નહીં?

વિનયભાઈની માનસિક સ્થિતિનું આલેખન સારું થયું છે પણ કાર્યકારણ અતાર્કિક હોવાના લીધે વાર્તા પ્રતીતિજનક બનતી નથી.      

સફેદ ડર (તન્મય તિમિર):

માણસનું મન ઘણું જ વિચિત્ર છે. વિજ્ઞાનની આટઆટલી પ્રગતિ પછી પણ વૈજ્ઞાનિકો હજી માણસના મનનો તાગ પૂર્ણપણે મેળવી શક્યા નથી.

પ્રસ્તુત વાર્તામાં નાયક એક રાત્રે વિચિત્ર અનુભવ કરે છે. હકીકતમાં એ જે કંઈ અનુભવ કરે છે એ બધું એના મનનો જ ખેલ છે. એ પોતાનું જ મૃત્યુ થતું નિહાળે છે. એની જોડે પરાલૌકિક અનુભવ થાય છે.

એક વેગળી પ્રસ્તુતિ.

સગવડિયાં લગ્ન (સમરસેટ મોમની મૂળ અંગ્રેજી વાર્તા, રૂપાંતર: હીરાલાલ શાહ):

કેવળ એક નોકરી મેળવવા નાયકે લગ્ન કરવા જરૂરી છે.  લગ્નની વય વટાવી ચૂકેલો નાયક લગ્નોત્સુક કન્યાની શોધમાં નીકળી પડે છે. એ પોતાનાં લગ્ન કેવી રીતે ગોઠવી કાઢે છે એની રસપ્રદ કહાણી. વિખ્યાત લેખકની અંગ્રેજી વાર્તાનું આપણી ભાષામાં સરસ રૂપાંતર.

--કિશોર પટેલ; 06-02-23; 08:42

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: