Sunday 22 March 2020

નવનીત સમર્પણના ફેબ્રુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે


નવનીત સમર્પણના  ફેબ્રુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે (૬૦૨ શબ્દો)

પડોશણ (પ્રવીણસિંહ ચાવડા) :

એક સ્ત્રીની પીડાની વાત. કથકની નોકરી બદલીપાત્ર છે. સ્વાભાવિકપણે રહેઠાણ પણ બદલાયાં કરે છે. જે ઠેકાણે હાલમાં એ રહેવા ગયો છે ત્યાં પડોશના એક મોટા બંગલામાં રહેતી એક પાડોશણ વિષે પત્ની, ઘરનોકર અને અન્ય એક પાડોશણ એમ ત્રણ સ્ત્રોત દ્વારા કથકને જાણવા મળે છે કે એ પાડોશણ અત્યંત રૂપવાન છે, દુખિયારી છે, નિ:સંતાન છે અને શિક્ષિત ડોક્ટર પતિ દ્વારા વારંવાર ઘરેલુ હિંસાનો શિકાર બને છે. સંયોગવશાત એક દિવસ એ સ્ત્રીના કંઠે ગવાતું એક કરુણ ગાયન કથક સાંભળે છે. એ ઘટનાના બે-ત્રણ દિવસમાં જ એને બદલીનો ઓફિસમાંથી બદલીનો હુકમ મળે છે.

અભિધાના સ્તરે ઘટતી આ ઘટનાની વ્યંજના જોઇએ. બદલી કોણે કરાવી? પેલી સ્ત્રીના પતિએ? કે કથકે પોતે? કથકનું પાત્રાલેખન એવું થયું છે કે વ્યવહારુ આદમી છે, કોઇની અંગત જિંદગીમાં રસ લેવાનું કે ચંચૂપાત કરવાનું ટાળે છે. બીજી તરફ વાર્તામાં એવા સંકેતો પણ અપાયાં છે કે કથક જ એ પાડોશણનો પૂર્વપ્રેમી હતો અને એ બે પ્રેમીઓ એક થઇ શક્યા ન હોય. પછી પેલી સ્ત્રીને શિક્ષિત પણ જંગલી પ્રાણી જેવો પતિ મળ્યો હોય. એવું પણ બની શકે કે બંને પાત્રોનો એવો કોઇ ઈતિહાસ ન હતો પણ પાડોશણનો પતિ જ  શંકાશીલ સ્વભાવનો હતો અને પત્નીને ધીબેડવાનું કાયમ બહાનું શોધ્યા કરતો હતો.

કોઇ પણ સંજોગોમાં એટલું ખરું કે વાર્તામાં આપણી આસપાસ જીવતાં કેટલાંક પાત્રોનું વાસ્તવિક આલેખન થયું છે. પાડોશીઓ વિષે જાણકારી મેળવવાનો સ્ત્રીસહજ સ્વભાવ (કથકની પત્ની, એક પાડોશી વિદ્યાબહેન), આવાં કામ માટે હાથવગાં ઘરનોકરોનું એક પ્રતિનિધિ પાત્ર અહીં છે (ભીમજીભાઈ).  ભારતીય સમાજમાં પુરુષ શિક્ષિત હોય પણ છેક હ્ર્દયહીન હોય એ સામાન્ય વાત છે. એનું ઉદાહરણ એટલે પેલી પાડોશણનો ડોક્ટર પતિ.

કેટલીક સુંદર અભિવ્યક્તિ: # કિલ્લો ઇંટ-પથ્થરનો હોય કે માનસિકતાનો, અમુક આંદોલનો બહાર ફેલાયા વિના રહેતાં નથી. # સ્ત્રી અન્ય કોઇ સ્ત્રીના રૂપની પ્રસંશા કરે! પત્ની જોડે ફરીથી પ્રેમમાં પડી જવાય એવી ક્ષણ હતી. # નોકરો તો ફર્નિચર જેવા, ભીંત પર દોરેલા ચિત્ર જેવા.

સારી વાર્તા.          

ડિવોર્સીનો પત્ર (સતીશ વૈષ્ણવ) :

શીર્ષકમાં સૂચવાયું છે એમ કથક એક યુગ્મમાંથી જુદી પડેલી સ્ત્રી છે, એનો આ પત્ર છે. શીર્ષકમાં અભિપ્રેત છે એમ એક ભગ્ન પ્રેમસંબંધની વાત છે, એનો ઈતિહાસ છે, એની ચર્ચા છે. વાર્તા ઉલ્લેખનીય બની છે એની રજૂઆતના કારણે, એની ભાષાસમૃદ્ધિને કારણે.

પતિ-પત્ની બંને એક જ ક્ષેત્રમાં કાર્યરત છે, બંને ઉચ્ચશિક્ષિત છે, બંને કોલેજમાં અધ્યાપન કરે છે.  કાળક્રમે પત્ની (કથક) નોકરીમાં પદોન્નતિ મેળવે છે અને એનો પતિ પાછળ પડી જાય છે. એનો પુરુષસહજ અહંકાર ઘવાય છે અને પત્નીથી (ક્થકથી) છૂટો પડે છે. નાયિકા પ્રસ્તુત પત્રમાં કેટલીક જૂની યાદો મમળાવે છે, એનું પૃથક્કરણ કરે છે, બંનેના ભવિષ્ય માટે એ આશાવાદી છે. વાર્તાનો અંત હકારાત્મક છે.

નોંધનીય અભિવ્યક્તિ:

# સંબંધોને કાટ લાગવાનું ચોક્કસ કેલેન્ડર નથી. # સાથે રહીને સમજવાના પ્રયાસો ટૂંકા પડ્યા હતા. # પા પા પગલી માંડીને વાંચતાં, બોલતાં, લખતાં શીખતાં પ્રેમના ધન્ય સમયને ભડભડ સળગતો આપણે જોઇ રહ્યાં હતાં. # નારીસ્પર્શે જીવંત થયેલી માછલીની કથા યાદ આવતાં મને મારી આંગળીઓ પર ઘૃણા જન્મી હતી.
ભાષા માટે આ વાર્તાને દસમાંથી દસ ગુણ. ક્યા બાત!  

હીરજી પ્રેમજીની વાડો (માવજી મહેશ્વરી) :

સમયની સાથે સંબંધોના બદલાતાં સમીકરણોની વાત છે. વાર્તાનો નાયક શામજી એક સમયે કુટુંબનો કર્તાહર્તા હતો પણ હવે ઉતરતી ઉંમરે હાંસિયામાં ધકેલાઈ ગયો છે. જે છોકરો ભણવામાં ઢ હતો એ મોટો થઇને બદલાતાં સમય સાથે વેપારીકરણનાં યુગમાં હોંશિયાર બની ગયો છે. બાપીકી જમીનના સોદા કરી રાજાપાઠમાં આવી ગયો છે. વધતી ઉંમરના કારણે શામજીને ભાગે જીવનના બદલાતાં રંગો હવે કેવળ સાક્ષીભાવે જોવાનું બાકી રહ્યું છે. એવે સમયે દીકરાની ખોટકાઇ ગયેલી કારના કારણે તકલીફમાં મૂકાયેલા દીકરાને જોઇ શામજીને જીવનમાં આનંદ માણવાની સોનેરી તક સાંપડે છે.  “કાં, ખોટવાઇ ગઇ ને?” એવું પૂછીને દીકરાની કફોડી સ્થિતિ પર હસવાનો એને અલભ્ય લાભ મળે છે.

હળવી શૈલીમાં લખાયેલી આ વાર્તા વાચકની સામે આજના સમયની એક તસ્વીર મૂકી આપે છે, સંબધોનું ઓડિટ કોઇએ કરવું હોય તો કરી શકે.       

-કિશોર પટેલ, શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020; 2:04 ઉત્તર મધ્યાહ્ન.   


No comments: