Sunday 22 March 2020

જલારામદીપ જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે


જલારામદીપ જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે
(૭૦૬ શબ્દો) :

આપણા સમાજમાં સંયુક્ત કુટુંબમાં એકાંતના અભાવે નવપરિણીત યુગલ સંવાદની પોતીકી સાંકેતિક ભાષા વિકસાવી લેતું હોય છે.  આવી એક ભાષા વિષે પ્રકાશ પાડે છે અંકની પહેલી વાર્તા “ઢેબર”.

૧. ઢેબર (બ્રીજેશ પંચાલ):

વાર્તાનો નાયક એક પત્રકાર છે. એક લેખ માટે એ બંગડીની ભાષાનો અભ્યાસ કરે છે. વાર્તામાં એક યુવાન દંપતિનો વર્તમાનકાળ અને એક ડોસીમાનો ભૂતકાળ સમાંતરે ચાલે છે. સંવાદ માટે બંગડીની ભાષા એટલે વાર્તામાં એક નાવીન્ય. વાર્તાના અંતમાં આવતી ચમત્કૃતિ આંચકો આપે છે. પતંગ ઉડાવવાની રમતમાં રહેલા ભયસ્થાન અંગે લેખક એક સ્ટેટમેન્ટ કરે છે: રસ્તા પર કોઇ વૃક્ષ કે વીજળીના તાર પરથી કપાયેલી પતંગનાં લટકતા નધણિયાતા દોરાના કારણે ગંભીર દુર્ઘટના થઇ શકે છે. સારી, વાચનક્ષમ વાર્તા.  

### આ અંકમાં ત્રણ વાર્તાઓ નાયિકાપ્રધાન છે અને ત્રણેની પાર્શ્વભૂમિમાં નિષ્ફળ લગ્નજીવન છે. 

૨. છેલ્લું ટીપું (દક્ષા પટેલ) :

આપણી સમાજવ્યવસ્થા અને લગ્નસંસ્થા કોઇ કોડભરી કન્યાનું જીવન કેવું યાતનામય બનાવી દઇ શકે છે તેનું એક ઉદાહરણ. બાળપણમાં નાયિકાના પિતા અને લગ્ન પછી સાસરે પતિ એમ બંનેની એકસમાન નિષ્ઠુરતાનું નિરૂપણ વાર્તામાં થયું છે. શીર્ષક ‘છેલ્લું ટીપું’ સૂચક છે. મરણપથારીએ પડેલા પતિને ચડાવતાં પ્રવાહી ઔષધના છેલ્લાં ટીપાંની વાત નથી; હ્રદયહીન પતિ માટે એની પીડિતા પત્નીના આંસુનું એ છેલ્લું ટીપું છે. વાર્તાનો વિષય જૂનો છે પણ આલેખન પ્રવાહી અને રજૂઆત પઠનીય છે.

અર્થપૂર્ણ અભિવ્યક્તિ: “એક રાતમાં ટ્રેન રોકેટ બનીને તેને પરગ્રહમાં મૂકી આવી.”

૩. કોફી (લતા હીરાણી) :

પહેલી વાર પતિ દ્વારા અને પછી બીજી વાર પુત્ર દ્વારા એમ બબ્બે વાર હ્રદયભંગનો સામનો કરતી એક સ્ત્રીના જીવનની કરુણતાની વાત. સર્વસ્વનો ત્યાગ કરી જેની સાથે પ્રેમલગ્ન કર્યા એ પતિ નાયિકાને એક પુત્રની ભેટ આપીને વિદેશ જતો રહે છે, વર્ષો પછી પુત્રને પોતાની પાસે બોલાવી લે છે. એકલે હાથે જેને ઉછેર્યો અને ભણાવ્યો એ પુત્ર પણ માતાના પડખે ઊભો રહેવા તૈયાર નથી. નાયિકાનું મનોબળ એને ટકાવી રાખે છે. એક સશક્ત સ્ત્રી તરીકે નાયિકા ઉપસી આવે એવું એનું પાત્રાલેખન થયું છે.

વાર્તાની રજૂઆત માટે નાયિકાની એક સખીને કથક બનાવાઇ છે. પણ આમ કરવાથી કંઇ વિશેષ સાધ્ય થતું નથી. આ સખી ના હોય તો પણ વાર્તામાં કંઇ ફરક પડતો નથી. સીધેસીધી  ત્રીજા પુરુષ એકવચનમાં પણ આ વાર્તા કહી શકાઈ હોત.

અર્થપૂર્ણ અભિવ્યક્તિ: “મને જાતે બેઠું થતાં આવડી ગયું છે અને મારે ફરી એક વાર એની સાબિતી આપવાની છે.”

૪. બે આંખો (ગિરિમા ઘારેખાન) :

નાયિકા વિદેશના મુક્ત વાતાવરણમાં ઉછરેલી છે. નાયિકાને વેદાંતની માંજરી આંખોનું પ્રચંડ આકર્ષણ થયું. માત્ર એ આંખોથી આકર્ષાઈને માવતરની મરજી વિરુદ્ધ એણે એની જોડે લગ્ન કર્યા. વેદાંતની  સંકુચિત માનસિકતાને કારણે એ ભારે દુ:ખી થાય છે. ટૂંકા ગાળામાં વેદાંત મૃત્યુ પામે છે. વેદાંતની આંખોનું દાન એક પરિચિત અપરિણીત અંધ યુવાનને અપાવી નાયિકા તેની સામે નોકરીનો પ્રસ્તાવ મૂકે છે. પોતાનો પ્રેમ કાયમ રાખવા કે બદલો લેવા? અંત ખુલ્લો રાખીને લેખકે કારીગીરી કરી છે.   

આ વાર્તા કેટલાંક ગંભીર પ્રશ્નો ઊભાં કરે છે. ૧. માણસની આંખો શું છે: એક ઉપયોગી અવયવ છે કે પછી એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે? શું આંખોની પોતાની ઓળખ હોઇ શકે? ૨. અવયવનું દાન કર્યા પછી તે કોને મળ્યું છે તેની માહિતી ગુપ્ત રાખવામાં આવતી નથી?      

ઇચ્છિત વ્યક્તિને ચક્ષુદાન કરી શકાય કે નહીં એ પ્રશ્નનો ઉત્તર લેખકે વાર્તામાં પાત્ર (જે આંખોનો ડોક્ટર છે) પાસે અપાવ્યો છે એટલે એ પ્રશ્ન રહેતો નથી; પણ આ સિવાયના પ્રશ્નોનું શું?

### બે વાર્તાઓ  પિતા-પુત્ર સંબંધની છે, બંને વાર્તાઓમાં પિતા પોતાના પુત્ર જોડે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા ઈચ્છે છે.

૫. એક વગડાઉ માણસ બનવાની મઝા (યોગેશ પંડ્યા) :

જીવંત માણસ યંત્રની જેમ કેટલુક કેટલુંક દોડે?  નિશાળમાં ભણતા દીકરાની ફરિયાદ એના પિતા પાસે આવે છે કે એનું ભણવામાં ધ્યાન નથી. પિતા તપાસ કરે છે તો માલુમ પડે છે કે છોકરો નિશાળે ના જતાં જંગલમાં ઝાડ-પાન સાથે વાતો કરે છે, પશુપંખીઓ સાથે રમે છે. પુત્રને ઠપકો આપવાને બદલે રવિવારની સવારે પિતાપુત્ર બંને જંગલ ખૂંદવા નીકળી પડે છે.

વાર્તા સારી છે પણ આ કૃતિ વરસોથી ઇન્ટરનેટ પર ફરતી એક નનામી વાર્તાની યાદ આપે છે.

૬. સૌથી ઝડપે દોડતું પ્રાણી (કિરણ વી. મહેતા) :

નિશાળના ભણતરના બોજા હેઠળ પુત્ર પોતાનું બાળપણ માણી શકતો નથી એવું પિતાને લાગે છે. રજાના દિવસે પુત્રને એ જંગલની મુલાકાતે લઇ જાય છે. આવું સરસ વાતાવરણ રચ્યા પછી જીવનદર્શનની ઉક્તિ મૂકીને લેખક વાર્તાની હત્યા કરી નાખે છે. જો કે શીર્ષક પરથી લાગે છે કે લેખકની યોજના જ મૂળે એવી હતી.       

### આ ઉપરાંત અંકમાં અન્ય ત્રણ સરેરાશ વાર્તાઓ છે.

૭. વહેમવાળું મકાન (સુમંત રાવલ) : સમાજના ઈર્ષાળુ માણસો વિષે ટીકા.
૮. લીવ ઇન રીલેશન (નટવર હેડાઉ) : લગ્નસંસ્થા અને લીવ-ઇન-રીલેશનશીપનો સમાંતર અભ્યાસ.
૯. કાંટો (અનિલ વાઘેલા) : જીવનમાં સુખશાંતિ માટે સંપત્તિ નહીં પણ સંતોષ જરૂરી છે એવો સંદેશ.

-કિશોર પટેલ (રવિવાર, 22 માર્ચ 2020; 5:55 ઉત્તર મધ્યાહ્ન)

તા.ક. જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓની નોંધ લેતાં મને મોડું થયું છે, પણ better late than never.
* * *

No comments: