Thursday 26 March 2020

પરબનાં નવેમ્બર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધીના પાંચ અંકોની વાર્તાઓ વિષે: (૧૩૨૯ શબ્દો)


પરબનાં  નવેમ્બર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધીના પાંચ અંકોની વાર્તાઓ વિષે:

(૧૩૨૯ શબ્દો)

આ પાંચ અંકોની કુલ સાતમાંથી પાંચ સારી વાર્તાઓ છે; પાંચે વાર્તામાં વિષયવૈવિધ્ય છે. ભ્રૂણહત્યા, અપરિણીત સ્ત્રીની પીડા, નિષ્ફળ  પ્રેમલગ્ન, પુરુષનું જાતીય શોષણ, એક આદમીની રહસ્યમય જીવનશૈલી જેવાં વિષયો પર કામ થયું છે. ત્રણ વાર્તાઓ સ્ત્રીપ્રધાન છે, બે વાર્તાઓ પુરુષપ્રધાન છે, બે વાર્તાઓ નબળી છે.   

૧. સંધ્યાપૂજા (હિમાંશી શેલત) :

મનના ગૂંચવાયેલા તાણાવાણાની સરસ વાર્તા.
સાઠની વય વટાવી ચૂકેલો જયાનંદ રોજ સાંજે દોઢ કલાક માટે ક્યાંક જાય છે. પણ ક્યાં જાય છે એની ઘરમાં કોઇને ખબર નથી. એમના માટે તો આ મોટું રહસ્ય છે કે કોઇ પણ ઋતુમાં આ માણસ નિયમિતપણે ક્યાં જતો હશે?  

આપણા સમાજમાં વરસોના લગ્નજીવન પછી પણ પતિ-પત્ની એકબીજા સાથે નિખાલસ થઇ શકતાં નથી. મનના એક  ખૂણે શંકા, અવિશ્વાસ રહી જાય છે.  એક પક્ષ કહે છે: આ માણસ રોજ સાંજના પાંચના ટકોરે જાય છે ક્યાં? બીજો પક્ષ કહે છે: સાચું કહી દઉં તો આ લોકો મને બરાબર સમજશે? કે ગાંડો ગણી કાઢશે?
વાત એમ છે કે જયાનંદ રોજ સાંજે પોતાની માતાની વયની એક વૃધ્ધાની જોડે થોડોક સમય વીતાવે છે. શા માટે જયાનંદ ઘરમાં સાચી વાત કહી શકતો નથી? પેલી વૃધ્ધા આ ઘરના કોઇથી અપરિચિત નથી. ને એટલે જ જયાનંદનું સત્ય ના કહેવાનું રહસ્ય વધુ ઘૂંટાય છે.

અંતમાં લેખકે એક ચાવી આપી છે, એ ચાવીથી જ રહસ્ય પરનું તાળું ખૂલે છે અને/અથવા રહસ્ય વધુ ઘેરું બંને છે. સમસ્યા શું છે? વાર્તા પૂરી થયા પછી ભાવકના મનમાં અનેક તર્કવિતર્ક લડાવવા માટે; એક નવી જ વાર્તા ભાવકના મનમાં રચવા માટે લેખકે જબરી ચાવી મૂકી છે અંતમાં. સુંદર વાર્તા. (નવેમ્બર ૨૦૧૯)        

૨. વાત જાણે એમ સે ને (હર્ષદ ત્રિવેદી):

હ્રદયસ્પર્શી વાર્તા.

એક પુરુષના જાતીય શોષણની વાત. એક તદ્દન અછૂતા વિષયની સંવેદનશીલ વાર્તા. આપણા ગુજરાતી સાહિત્યમાં વિરલ કહી શકાય એવા વિષયની વાર્તા. વાર્તાનું સ્વરૂપ પારંપારિક છે પણ રજૂઆત અત્યંત પ્રવાહી છે.

નવયુવાન કથકની તલાટી તરીકે એક ગામડે નિમણુંક થાય છે. અહીં કચેરીમાં મોડાભાઇ નામનો એક જૂનો ચપરાસી છે. કથકની પહેલાં આ ગામડે આવી ગયેલાં સહુ તલાટીઓમાંથી કોઇ એકે આ મોડાનું શારીરિક શોષણ કર્યું હશે અને પછી બદલી વેળાએ નવા તલાટીને ચાર્જ આપતી વેળા મોડાની “વિશિષ્ટ સેવા” લેવાની ભલામણ પણ કરી હશે. એ સિલસિલો પછીના દરેક તલાટીઓએ ચાલુ રાખીને મોડાનો ગેરલાભ લીધો હતો. કથકને પણ મોડાનો ચાર્જ એવી જ ભલામણ જોડે મળે છે.

કથક અને મોડાનો સંબંધ કેવો આકાર લે છે? કેવા સંજોગોમાં આ બંને નિકટ આવે છે? એ સંબંધ કેવું રૂપ ધારણ કરે છે? મામલતદાર તરીકે બઢતી મેળવી કથક ગામ છોડીને જાય છે ત્યારે વિદાયવેળાએ આ બંને પાત્રોની સ્થિતિ કેવી હોય છે?

નોંધનીય અભિવ્યક્તિ: ૧. નિશાળે રેકોર્ડમાં ‘મોડો’ તરીકે નોંધાયેલું નામ બદલાવવામાં “મારા બાપા મોડા પડ્યા!” ૨. “...હઉ તલાટીશ્યાહેબોએ મને રોટલાની જેમ બેય કોરથી ફાવે એમ શેક્યો...૩. “...રોજ રાત પડી નથી કે ભૂખ્યા વરુના સપનાં આયવાં નથી...”       (ડિસેમ્બર ૨૦૧૯)

૩. હોળી (પન્ના ત્રિવેદી) :

મોટી ઉંમરે અપરિણીત રહી ગયેલી યુવતીની પીડાની વાત. નાયિકાના મનોભાવોનું યથાર્થ આલેખન. આપણા સમાજની સંકુચિત માનસિકતાનું આબેહુબ ચિત્રણ.

લેખકની કારીગીરી પાત્રાલેખનમાં ઝળકે છે. નાયિકા ઉપરાંતનું દરેક પાત્ર સમાજમાં જોવા મળતાં અલગ અલગ કિસમની વ્યક્તિઓનું પ્રતિનિધિ છે.  ૧. નાયિકા અવંતી: એ કહે છે: “ગમે ત્યાં હા પાડી ના દેવાય, વેવલેન્થ પણ મળવી જોઇએ.” આ અને આવાં કેટલાંક કારણોથી ઘણી કન્યાઓ બસ ચૂકી જાય છે.  ૨. નાયિકાની માતા: “આમ જ કાઢવી છે આખી જિંદગી? કંઇ નહીં તો નાની બેનનો તો વિચાર કર!” આવું કહીને દીકરીઓનું ભાવનાત્મક શોષણ કરતાં માવતરોનું પ્રતિનિધિ પાત્ર. ૩. સહકર્મી સંજય મોરી: સાડત્રીસની વયે પણ લગ્ન થયું ન હતું ત્યારે લોકોના મહેણાં સાંભળી રડતો હતો અને પરણી ગયાં પછી નાયિકાને “તમારા જીવનમાં પણ હોળીના રંગો આવે અને સુખનું સરનામું લાવે.” એવા શુભેચ્છાસંદેશા મોકલીને યાદ અપાવે છે કે તમે હજી સિંગલ છો! હલકી મનોવૃત્તિના માણસોનું પ્રતિનિધિ પાત્ર. ૪. નયના: એને કોઢ થયો છે એટલે લગ્ન થતાં નથી. આપણા સમાજમાં આવી ખોડખાંપણવાળી કેટલી કન્યાઓ અપરિણીત રહી જતી હશે! આ નયના અન્યોની ગોસિપ કરીને ચપટી સુખ મેળવી લે છે. ૫. ત્રિભુવન માસ્તર: પોતાના પુત્રની બીમારી છુપાવીને કોઇની દીકરી સાથે પરણાવી દઇને છેતરપીંડી કરતાં અને ઘરમાં/મિલકતમાં ભાગ ના પડે એમ કરીને પોતાના જ દીકરાને વિધવા મોટી વહુ જોડે પરણાવી દેનારાં સ્વાર્થી માણસોનું પ્રતિનિધિ પાત્ર. ૬. અનિલ: “આપણામાં કંઇ ખોટ છે કે છાપેલાં કાટલાં લઇએ?” એવું કહેનાર યુવકે છેવટે વિધવા ભાભી જોડે લગ્ન કરીને મન મનાવવું પડે છે.         

નોંધનીય અભિવ્યક્તિ: ૧. “કોઇએ લીટી દોરેલો કે કશુંક લખીને છેકી નાંખેલો કાગળ હું શું કામ લઉં?” ૨. ગાયના માથા પર આખલાનાં શિંગડા હતાં કે શું?  (જાન્યુઆરી ૨૦૨૦)

૪. બાયોમેડિકલ વેસ્ટ (ઇલા આરબ મહેતા) : 

માતાના પેટમાં લાતમલાત કરતું બાળક સાતમે મહિને એકાદ કલાકમાં જ બાયોમેડિકલ વેસ્ટ બની જાય ત્યારે?
આપણા દેશમાં જન્મપ્રમાણના આંકડાઓ જોઇએ તો છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટતી ચાલી છે. ગર્ભપરીક્ષણ ગેરકાયદે હોવા છતાં કેટલાંક લાલચુ તબીબો આવાં પરીક્ષણો ખાનગીમાં કરે છે અને પૈસા મળતાં હોય તો ભ્રૂણહત્યા કરતાં પણ અચકાતાં નથી. આ સમસ્યા પર લેખકે વાર્તામાં પ્રકાશ પાડ્યો છે.

સોહમ શાસ્ત્રી અર્થશાસ્ત્ર અને સંસ્કૃત એમ બબ્બે શાખાનો જાણકાર છે એ જાણીને એની પત્ની અપર્ણા એક વાર કહે છે: “વાહ, ડો જેકિલ અને મિ.હાઇડ!”  

આ સોહમના ખરેખર બે ચહેરા હતા એની અપર્ણાને ખબર ન હતી. ગર્ભમાં ઉછરતાં બાળકને યોગ્ય સંસ્કાર મળે એ માટે સોહમ નિયમિત રીતે સિતારવાદન કરે છે, ગર્ભસંસ્કારની વિધિઓ કરે છે. એ જ સોહમ ગર્ભમાં છોકરી છે એવું જાણ્યા બાદ ભ્રૂણહત્યા કરાવે છે. દીકરીને લક્ષ્મીનો અવતાર ગણતી અપર્ણાની સાસુ પણ આ કાળા કામમાં સાથ આપે છે. એક છોકરી પર બીજી છોકરીને આવકારવા આ બંને તૈયાર નથી.  

અંતમાં ક્લિનિક પરથી ઘેર જતી વખતે કારમાં બેસવા પત્નીને ટેકો આપતાં સોહમના હાથ ખરડાયેલાં જોઇને અપર્ણા કહે છે: “હાથ કાળા છે.” એટલું જ નહીં, સોહમનો હાથ તરછોડીને “...અપર્ણા એકલી જ ગાડી તરફ ચાલવા લાગી.” એવું કહીને લેખકે અંત બોલકો બનાવી દીધો છે. આજની સ્ત્રી જાણે પુરુષને કહેતી હોય કે:  
“મને તારી મદદની જરૂર નથી, મારી કાળજી લેવા હું એકલી સક્ષમ છું.”   

કચરાપેટીમાં ફેંકી દેવાયેલાં માનવઅંગોને બિલાડો ખેંચી કાઢે છે એ દ્રશ્યમાં બીભત્સ રસનું આલેખન થયું છે. પ્રારંભમાં સ્ત્રીઓની કિટી પાર્ટીના દ્રશ્ય વડે સ્થાપિત થઇ જાય છે કે શ્રીમંત અથવા ઉચ્ચ મધ્યમવર્ગની આ વાત છે. ગરીબ અને મધ્યમ વર્ગના માણસો ભ્રૂણહત્યા કરતાં-કરાવતાં નથી.

પાણીમાંથી પોરાં કાઢું? સોહમની માતાનો ઉલ્લેખ એક વાર ‘નિર્મળાબેન’ અને પછીથી ‘નીલમબેન’ તરીકે થાય છે. માન્યું કે લેખકની સરતચૂક થઇ ગઇ, પણ તંત્રીના પણ ધ્યાન બહાર રહી ગયું?

સાંપ્રત, બળકટ અને સરસ વાર્તા. (માર્ચ ૨૦૨૦)

૫. એસ્કેલેટર (દક્ષા પટેલ) :   

એક નિષ્ફળ લગ્નજીવનની વાત. 

વાર્તામાં નાયિકા અમિતાનું એક દઢ મનોબળવાળી સ્ત્રી તરીકે અસરકારક નિરૂપણ થયું છે.

અમિતા પોતાના પુત્ર જોડે વિમાનમાં સવાર થઇને કોઈ બીમાર વ્યક્તિને જોવા જાય છે ત્યાંથી વાર્તા શરુ થાય છે, મા-દીકરો પ્રવાસના અંતે વિદેશસ્થિત હોસ્પિટલમાં પહોંચે, એ વ્યક્તિ એટલે અમિતાનો પતિ વાસુ જે વર્ષો પહેલાં જ પત્ની-પુત્રને છોડી દૂર ચાલી ગયો હતો. પરિવારનું મિલન થાય અને વાસુ દમ તોડી દે છે. આટલી જ ઘટના છે.   

વાર્તાની રચનારીતિ ઉલ્લેખનીય છે. આ નાનકડી ઘટનામાં સમાંતરે નાયિકાનો ભૂતકાળ ઉઘડતો જાય છે અને પાત્રની ઝીણીઝીણી લાક્ષણિકતાઓનું ચિત્રણ થતું જાય છે. દા.ત. ૧. બંધાવવાની વાત એને નાનપણથી ગમતી નહીં. ૨. તેના વાળ લાંબા હતાં. ૩. તેને ઝડપ ગમતી. જયારે ઘટનામાં ક્રિયાનું વર્ણન આવે છે ત્યારે સમાંતરે ભૂતકાળનો સંદર્ભ જોડાય છે. વિમાનની ઝડપ અસાધારણ રીતે વધી ત્યારે અમિતાને વાસુની ઘાંટાઘાટ યાદ આવે છે, એના તરફથી પડનારી થપ્પડની એ રાહુ જુએ છે. અહીં સૂચવાય છે કે ટૂંકા લગ્નજીવનમાં એ ઘરેલુ હિંસાની નિયમિતપણે શિકાર બનતી હતી.    

વાસુનું પાત્રાલેખન એક સંપૂર્ણ ખલનાયક તરીકે નહીં પણ સારાં અને ખરાબ લક્ષણોના મિશ્રણ તરીકે વ્યવસ્થિત થયું છે. દા. ત. વાસુ નવા નવા સ્થળો જોવા-જાણવા હંમેશા ઉત્સુક હતો. નવા શહેરમાં એ બદલી માંગીને લેતો.

ઓછાં શબ્દોમાં પુત્ર શ્યામનું પાત્રાલેખન પણ સારું થયું છે. નવા નવા મિત્રો બનાવવા, ફરવાનો શોખીન વગેરે.

વાર્તાનો અંત સૂચક છે. વાસુના પાકિટમાં એક લાંબા વાળવાળી સ્ત્રીનો ફોટો જોઇને શ્યામ પૂછે કે “આ કોનો ફોટો છે?” અમિતા કહે છે, “ખબર નથી.”  આમ કહીને અમિતા પોતાના જીવનમાંથી વાસુને કાયમની વિદાય આપી દે છે.

વાર્તાનું શીર્ષક એસ્કેલેટર સૂચક છે. નિષ્ફળ લગ્નજીવનમાંથી નાયિકા એસ્કેલેટરની ઝડપે બહાર આવી ગયેલી છે. (માર્ચ ૨૦૨૦)

૬. પરદેશી (પ્રવીણ ગઢવી) :

સરકારી કામ અંગે મિઝોરામ ગયેલો નાયક ત્યાંની લોજની સ્ત્રી-મેનેજર જોડે એક સાંજે અંગત ક્ષણો માણે છે. જસ્ટ એમ જ.

અહેવાલાત્મક લાંબુ લખાણ. પ્રવાસવર્ણન જેવું કંઇક. વચ્ચે જ કવિતાઓ. ના આરોહ ના અવરોહ. ના વળ  ના વળાંક. આ કૃતિને વાર્તા કઇ રીતે કહેવી?   (નવેમ્બર ૨૦૧૯)

૭. વેઇટિંગ રૂમ (બહાદુરભાઇ વાંક) :

આ વાર્તા નથી, એક કલાકારની રોજનીશીનું પાનું છે. વળી જે અનુભવ વિષે લખાયું છે એમાં નવું કંઇ નથી. આવું લખાણ પરબ જેવા સામયિકમાં સ્થાન કઇ રીતે પામ્યું હશે? (ફેબ્રુઆરી ૨૦૨૦)   

-કિશોર પટેલ; ગુરુવાર, 26 માર્ચ 2020; 9:00 ઉત્તર મધ્યાહ્ન.

###       

No comments: