Sunday 22 March 2020

નવનીત સમર્પણ માર્ચ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે


નવનીત સમર્પણ માર્ચ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે
(૨૯૮ શબ્દો):

આ અંકની ત્રણે વાર્તાઓમાં માનવીય સંબંધોની આંટીઘૂંટીનું સરસ આલેખન થયું છે. ત્રણે વાર્તાઓની પ્રવાહી રજૂઆત.

૧. સાતમું સ્ટોપ (વીનેશ અંતાણી) :

આજના સમયમાં મહાનગરોમાં વરિષ્ઠ નાગરિકો એકલાં પડી જવાની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે.  એક સંસ્થા દ્વારા યોજાતાં અઠવાડિક પ્રવાસો દરમિયાન ઇન્દ્રવદન અને રેવા એકબીજાના પરિચયમાં આવે છે. ઇન્દ્રવદન વિધુર છે અને રેવાને એનો પતિ છોડીને જતો રહ્યો છે. બંનેના સંતાનો દૂર દેશાવરમાં પોતપોતાની જિંદગી જીવી રહ્યાં છે. એકલાં પડી ગયેલાં આ બંને પાત્રો શેષ જિંદગી એક થઇને ગુજારે એવા સંયોગ ઊભાં થાય છે પણ તેમ થઇ શકતું નથી. બંનેના પોતપોતાના ગમા-અણગમા છે, સ્વભાવની મર્યાદાઓ છે. વધતી ઉંમરને નકારતાં અનેક પુરુષો અને  સંતાનોની સુખસગવડ માટે પોતાની ખુશીની કુરબાની આપતી અગણિત સ્ત્રીઓ આપણી આસપાસ છે. આજના વિષયની સંવેદનશીલ રજૂઆત.       

૨. દાસમ્મા (ગિરીશ ભટ્ટ) :

બહુખ્યાત અરુણા શાનબાગના કેસની યાદ અપાવે એવી પાર્શ્વભૂમિમાં આ વાર્તા આકાર લે છે. અમૃતા નામની એક સુખી સંપન્ન પરિવારની દેખાવડી પરિણીત સ્ત્રી કોઈકની ખબર લેવા એક હોસ્પિટલમાં જાય છે. ત્યાં એની પર એક યુવાન દ્વારા બળાત્કાર થાય છે. આ દુર્ઘટનાના પરિણામે અમૃતા કોમામાં ચાલી જાય છે. દાસમ્મા નામની એક સારા ઘરની સ્ત્રી પોતાના પરિવારની નામરજીની ઉપરવટ લાંબો સમય સુધી પથારીવશ અમૃતાની દેખભાળ કર્યા કરે છે. ગુનો કોણે કર્યો અને પ્રાયશ્ચિત કોણ કરી રહ્યું છે? હ્રદયસ્પર્શી વાર્તા. 

૩. નર્મદાકિનારે (અમૃત બારોટ) :

સહિતો અને રહિતોની સમસ્યાઓ અને તેમનો સામનો કરવાની એમની સજ્જતાનો સમાંતર અભ્યાસ આ વાર્તામાં સરસ રીતે થયો છે. નાની નાની વાતોમાં ઘરના સભ્યો જોડે વાંકુ પડતાં ગૃહત્યાગ કરી ચાલી નીકળેલી દિવ્યા નામની એક સારા ઘરની શિક્ષિત અને આર્થિક રીતે સ્વતંત્ર પ્રૌઢા જુએ છે કે  ગરીબ અને કહેવાતા અભણ માણસો કેટલી જિંદાદિલીથી મોટા મોટા દુ:ખોનો હસતાં મોંએ સામનો કરે છે. દૂરના અંતરની ટ્રેનના વાતાવરણનું ચિત્રણ સરસ. એક પાત્ર માટે મારવાડી બોલીનો અચ્છો પ્રયોગ. ઓછાં શબ્દોમાં દિવ્યાની પુત્રવધુ ગ્રીષ્માનું અને દિવ્યાના પતિ વિમલનું એમ બંનેનું પાત્રાલેખન સશક્ત.       

-કિશોર પટેલ, ગુરુવાર, 05 માર્ચ 2020. 12:02 ઉત્તર મધ્યાહ્ન.

###


No comments: