Tuesday 24 March 2020

‘જલારામદીપ’ના વસંત અંકની વાર્તાઓ વિષે:


‘જલારામદીપ’ના વસંત અંકની વાર્તાઓ વિષે:
(૭૯૬ શબ્દો)

‘જલારામદીપ’ ના ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦ સંયુક્ત અંક (વસંત અંક) માં એક અનુવાદિત વાર્તાને બાદ કરતાં કુલ સોળ વાર્તાઓ છે જેમાંથી વિશિષ્ઠ વિષયવસ્તુના કારણે પાંચેક વાર્તાઓ નોખી તરી આવે છે. સાતેક વાર્તાઓ સરેરાશ છે જેમાં સ્ત્રીઓની સમસ્યાને લગતી એક, પૌરાણિક કથાસ્વરૂપમાં બે, હળવી શૈલીમાં એક, ગ્રામ્યપરિવેશમાં દલિતો પરના અન્યાયની બે વાર્તાઓ અને વરિષ્ઠ નાગરિકોની સમસ્યાની એક વાર્તાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર વાર્તાઓ સામાન્ય છે.

વિશિષ્ઠ વિષયવસ્તુ ધરાવતી પાંચ નોંધનીય વાર્તાઓ:       

૧. આંસુ (અર્જુનસિંહ રાઉલજી) :

પાડોશના કુટુંબનો મોભી લાંબી યાત્રાએ નીકળી  ગયેલો છે. એના એકના એક પુત્રનું લગ્ન લેવાય છે અને કથક જુએ છે કે કોઇ વરરાજાના પિતાને યાદ કરતું નથી!

અંતની ચમત્કૃતિ જબરી. અંતનું એ વાક્ય એક સાદી સરળ વાર્તાને અસામાન્ય બનાવી દે છે. લેખકની કારીગીરી એ છે કે આવી શક્યતા હોવા છતાં વાચકને ક્યાંય શંકા આવવા દીધી નથી. વાહ! સરસ વાર્તા.

૨. નવા ઉઘાડની ઓળખાણ (સ્વાતિ મેઢ) :

આ વાર્તા મહત્વની બની છે એના વિષયના કારણે. કિશોરાવસ્થામાં પ્રવેશતી એક કન્યાના દેહમાં આવતાં સૂક્ષ્મ પરિવર્તનની વાત છે. સુમીના વર્તનમાં આવેલા બાહ્ય પરિવર્તનને એના બાળપણનો ભેરુ કિરીટ સમજી શકતો નથી અને મૂંઝાય છે. સુમીના મનોવ્યાપારનું ચિત્રણ સારું થયું છે. અંતમાં ફકરામાં લેખક પોતે પ્રગટ થવાનો મોહ ટાળી શક્યા નહીં એટલે એક સરસ વાર્તા જાણે પાટા પરથી ઊતરી ગઇ. જાણે સોનાની થાળીમાં લોઢાનો મેખ. સુમીના સમવયસ્ક મિત્ર કિરીટમાં એવું પરિવર્તન હવે પછી આવશે કારણ કે એ પુરુષ છે એવું ચિત્ર અંતમાં દોરવાની જરૂર ન હતી.  એક કાંકરે બે પક્ષી મારવા જતાં વાત બગડી ગઇ.

૩. પોટલી (પારુલ ખખ્ખર) :

સ્ત્રી સશક્તિકરણની વાત. આ વાર્તામાં આજની સ્ત્રીના બદલાયેલા તેવર નજરે પડે છે. એક નવોઢા મધુરજનીની રાતે પરણ્યાને આપવા માટેની ભેટ એક પોટલીમાં બાંધીને તૈયાર રાખે છે. રાત્રે બંને છે કંઇક એવું કે નવોઢાની પોટલી બાજુએ રહી જાય છે અને પતિએ પોતાના માટે લાવેલી ‘પોટલી’ નવોઢા પોતે જ એકલી ગટગટાવી જાય છે.     

એક કરુણ ઘટનાની રજૂઆત લેખકે હળવી શૈલીમાં કરી છે. મધુરજનીની રાતે પતિનું શરાબ પીને આવવું આપણા દેશમાં અસહજ નથી; આવે પ્રસંગે પતિને ઊંચકીને રિંગની બહાર ફેંકી દેવો અસહજ તો છે જ પણ સાથે સાથે એવા પતિ માટે યોગ્ય પાઠ પણ છે. 

૪. દૂઝતા ઘાવ (કનુ આચાર્ય ) :

ગરીબી કેવળ આર્થિક જ નહીં, માનસિક અને વૈચારિક પણ હોય છે; એમાંય વળી આપણા દેશમાં આવી ગરીબી મોટા પ્રમાણમાં છે. નાનાં શહેરમાં મહિનાનાં બે છેડા માંડ માંડ ભેગાં કરતાં કુટુંબની એક વડીલ સ્ત્રીને કહેવાય નહીં અને સહેવાય નહીં એવી થયેલી શારીરિક વ્યાધિની વાત. નાયિકાને ડગલે ને પગલે ભોંઠામણ અનુભવવી પડે છે. સ્ત્રીઓની આવી પીડા વિષેની વાર્તાઓ આપણે ત્યાં નહીંવત લખાય છે; આ જ કારણથી આ વાર્તા મહત્વની બને છે.

૫. આમલેટ (કેશુભાઇ દેસાઈ) :

મોટી ઉંમરના એક વિધુર શિક્ષક અને એમની એક યુવાન ત્યકતા વિદ્યાર્થીની વચ્ચેના પ્રેમસંબંધની વાત. વિશ્વ કેટલું પણ આગળ વધી ગયું હોય, આપણો સમાજ આવા સંબંધોને હજી તંદુરસ્ત નજરે જોતો નથી.  પોતપોતાની વિવિધ જવાબદારીઓ વચ્ચેથી મહિને-બે મહિને આ બંને જણા માંડ નજીક આવતાં હોય ત્યારે જે વિઘ્નો નડે છે એની હળવી શૈલીમાં રજૂઆત. વિશિષ્ઠ વિષયવસ્તુને કારણે વાર્તા નોંધનીય બની છે. (એક ખુફિયા બાતમી: આ વાર્તા ‘મમતા વાર્તામાસિક’ના ફેબ્રુઆરી ૨૦૨૦ ના અંકમાં પ્રસિદ્ધ થઇ ચૂકી છે.)

ગ્રામ્ય પરિવેશની દલિતો જોડે અન્યાયની બે વાર્તાઓ:

૧. ચીહ (પ્રભુદાસ પટેલ) : ગામડાંમાં ખેતીકામના કોન્ટ્રાક્ટરો દ્વારા આદિવાસી કન્યાઓ/સ્ત્રીઓનાં થતાં શારીરિક શોષણ સામે એક સ્ત્રીના વિદ્રોહની વાસ્તવવાદી વાર્તા. ઉત્તર ગુજરાતની ગ્રામ્યબોલીનો સરસ પ્રયોગ. લેખકે આ પ્રકારની વાર્તાઓ ઘણી આપી છે; પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર આવીને હવે તેઓ  કંઇક નવું આપે એવી અપેક્ષા છે.      

૨. ફોર એકઝામ્પલ-બેડ એકઝામ્પલ (ધરમાભાઇ શ્રીમાળી) : ગુજરાતના એક ગામમાં બનેલી જાતિભેદની ઘટનાની પાર્શ્વભૂમિમાં બીજી એક સકારાત્મક ઘટના.

બે પૌરાણિક વાર્તાઓ:

૧. આંસુનો અભિષેક (પિનાકિન દવે) : જરાસંઘના ત્રાસથી શ્રીકૃષ્ણ યાદવોને દ્વારકામાં વસાવવાની તૈયારી કરે છે  એની વાત.

૨. ચાંડાલ ભોજન (પ્રવીણ ગઢવી) :  વર્ણભેદની સમસ્યા પ્રસંગે વચલો રસ્તો કાઢતાં ડાહ્યા માણસોની વાત. સંસ્કૃત શબ્દોનો સારો ઉપયોગ.

આ ઉપરાંત થોડીક સરેરાશ અને થોડીક સામાન્ય વાર્તાઓ:

ચાઇમ્સ એન્ડ ધ સ્કાય (કુમાર જૈમિની શાસ્ત્રી) : સંસ્કૃત ભાષાની ફ્લેવર અને થોડીક હળવી શૈલીમાં અનેક વાર કહેવાઇ ચૂકેલી એક વાર્તા. વાર્તામાં બે માન્યતાઓ પ્રતિપાદિત થાય છે: ૧. માણસ નામનું પ્રાણી કુદરતી રીતે એક કરતાં વધુ સાથી પ્રતિ આકર્ષિત થાય છે. ૨. પ્રેમલગ્નોમાં મહદ અંશે લગ્ન પછી પ્રેમની બાદબાકી થઇ જતી હોય છે.   

હું તો છું તારી પાસે (બકુલ દવે) : મોટી ઉંમરે જીવનસાથીના મૃત્યુ પછી એકલાં પડી જતાં વરિષ્ઠ નાગરિકોની સમસ્યાની વાત. મુખ્ય પાત્રનું પાત્રાલેખન સારું.

ઇંટનો જવાબ પથ્થર (વિરંચિ ત્રિવેદી) : સ્ત્રી સશક્તિકરણની એક વાર્તા. આજની સ્ત્રી સ્વાર્થી પતિ જોડે રહેવાને બદલે પોતાના પગ પર ઊભી તૈયાર છે. નાની  પણ સારી વાર્તા.

મશારો  (ગોરધન ભેસાણિયા) : ‘કરમની ગતિ બહુ ન્યારી છે.’ ઉક્તિને ચરિતાર્થ કરતી વાર્તા. એક કમનસીબ યુવાને ફળની આશા કર્યા વિના બીજાની જમીનમાં મજૂરી કરી ને અંતે લાડી અને વાડી બંનેનો હકદાર બન્યો. ગામડાના માણસોની સારી-ખરાબ વૃત્તિઓનું ચિત્રણ. સામાન્ય વાર્તા.

ઉપવાસ ફળ્યો (હરીશ પંડ્યા) : ઉપવાસ કરવા માટે કટિબદ્ધ થયેલા નાયકની થયેલી કફોડી હાલતની સામાન્ય હાસ્યકથા.   

વિસ્મૃતિનું વરદાન (જગદીશ ઉપાધ્યાય) : ભૂલી જવાની ટેવના લીધે ઘટતી કરુણ-રમુજી બીના. સામાન્ય હાસ્યકથા.

મેડમનું ડોગી (રમણ મેકવાન) : વિગતોનો ખડકલો, બિનજરૂરી વિવરણ, વારંવાર વિષયાંતર. નબળી વાર્તા.

###

કિશોર પટેલ ;મંગળવાર, 24 માર્ચ 2020; 8:39 ઉત્તર મધ્યાહ્ન. 

No comments: