Monday 13 January 2020

શબ્દસૃષ્ટિના જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ


શબ્દસૃષ્ટિના જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ (૩૨૭ શબ્દો):  

તાવણી (વિજય સોની) :

એક સાંપ્રત સમસ્યાની રજૂઆત. શું મનોદશા થઇ જાય એક સ્ત્રીની જયારે સતત ખાંસતા રહેતા એના પતિ માટે નિદાન થાય કે એને એઇડ્સ થયો છે? નાયિકાનાં મનોભાવોનું ઝીણવટભર્યું સરસ અને સુંદર આલેખન આ વાર્તામાં થયું છે.

નાયિકા શીલાનું પાત્રાલેખન આજની પેઢીનાં બદલાયેલાં નૈતિક મૂલ્યોનો પડઘો પાડે છે. ગામના મુખીના છોકરા રઘલાના સ્પર્શમાં શીલાને માટીની સુગંધ અનુભવાય છે. રઘલાના સ્પર્શ થકી એ સંપૂર્ણ સ્ત્રી બની છે. મનના વિચારોને સાક્ષીભાવે જોવાની વાત કરતો શિક્ષિત આલોક શીલા પર જાદુઇ અસર કરે છે. આલોક જોડે લગ્ન પછી અમુક સમય બાદ પતિને એઇડ્સ થયાનું નિદાન થાય છે.

“છોડી, તારું પાપ નડ્યું તને!” આવું કોઇ કહેશે એવો વિચાર નાયિકાને આવે છે ત્યારે સાબિત થાય છે કે કર્મફળનો સિધ્ધાંત આપણા સંસ્કારોમાં કેટલો દઢતાથી વણાયેલો છે. 

આલોકને લગ્નબાહ્ય સંબંધ છે એટલું જાણતા શીલાને દગો થયાની લાગણી થાય છે. પણ ત્યાં એને પોતાનો ભૂતકાળ યાદ આવે છે અને બદલાયેલી પરિસ્થિતિમાં રઘલાની સ્મૃતિમાત્રથી એ અપરાધબોધ અનુભવે છે. અંતમાં નાયિકા દ્વિધા અનુભવે છે: શું કરવું? પતિનો તિરસ્કાર કરવો કે અનુકંપા દાખવવી?  સરસ વાર્તા.

કોફિન (સુમંત રાવલ) :

જિંદગીથી ત્રસ્ત માણસ મૃત્યુના વિચારો કરે એની નવાઇ નથી. જૂના વિષયની પારંપારિક પણ અસ્તવ્યસ્ત રજૂઆત.

વાર્તામાં વિગતોનો ખડકલો બિનજરૂરી છે. ડોક્ટર અને પોસ્ટ ઓફિસની વિગતો તદ્દન અનાવશ્યક.  માન્યું કે ગામમાં ખ્રિસ્તી વસ્તી ન હોવાથી વ્યવસાયના ભાગરૂપે કોઇ દિવસ નાયકે કોફિન ઘડવું પડ્યું નથી તેમ છતાં એક વાર કોફિન ઘડવું પડે એને માટે આટલી મોટી પૂર્વભૂમિકા રચવાની જરૂર ન હતી: ભૂતકાળમાં પૂરનું આવવું, પરિણામે ગામના બધાંના ઘરોનું ટેકરી પર રહી જવું, ચાલુ વર્ષે પણ ભારે વરસાદનું આવવું, ચારે તરફ પાણી પાણી થઇ જવું, ગામના એક માણસને ત્યાં ખ્રિસ્તી મહેમાનનું આવવું, એનું માંદા પડવું, એની મરણઘડીનું આવી પહોંચવું! એના માટે કોફિન બનાવવાનો ઓર્ડર મળવો! ઓહોહો કેટલું બધું! આટલો બધો વ્યાપ કરવા કરતાં “બાજુના ગામડેથી એક કોફિન બનાવવાની વરદી આવી હતી.” આટલું જ કહેવું પર્યાપ્ત ન હતું? ગામના એક માત્ર સુથારે તો ગ્રાહકની માંગ પ્રમાણે વસ્તુ બનાવી આપવાની છે! સરખામણીએ પત્ની, દીકરા કે બહેનની સમસ્યાઓ વિસ્તારથી ચર્ચાઇ હોત તો હજી ચાલી જાત.     

-કિશોર પટેલ; સોમવાર, 13 જાન્યુઆરી 2020; 6:16 ઉત્તર મધ્યાહ્ન.      


No comments: