Wednesday 23 December 2020

શબ્દસૃષ્ટિ સપ્ટે. ’૨૦ થી ડિસે. ‘૨૦ અંકોની વાર્તાઓ વિષે

 



શબ્દસૃષ્ટિ સપ્ટે. ’૨૦ થી ડિસે. ‘૨૦ અંકોની વાર્તાઓ વિષે:  

(૪૮૬ શબ્દો)

ઠુંઠું (કનુ આચાર્ય) : વ્યસનની તલપ જાગે ત્યારે એનો ઇલાજ ના થાય ત્યાં સુધી વ્યસની માણસને ચેન પડતું નથી. પ્રસ્તુત વાર્તામાં કોરોના મહામારીના પગલે લાગુ થયેલી સંચારબંધીમાં ગામની દુકાનો બંધ હોવાથી બીડી વિના નાયકની હાલત કફોડી થઇ જાય છે. એવે સમયે નાયકને સ્વપ્ને પણ આશા ના હોય એવા એક પોલીસ કોન્સ્ટેબલ પાસેથી મદદ મળે છે!  કારણ એટલું જ કે એ કોન્સ્ટેબલ પોતે પણ બીડીનો બંધાણી હોય! સમદુ:ખિયા! નાયકની માનસિક-શારીરિક સ્થિતિનું ઝીણવટભર્યું અને પ્રતીતિજનક આલેખન. સરસ વાર્તા.  (ડિસેમ્બર ૨૦૨૦)

પથરો (લતા હિરાણી) : ઘરમાં સાસુનું વર્ચસ્વ એવું છે કે નથી સસરા કંઇ બોલી શકતા કે નથી પતિનું કંઇ ઉપજતું. એવા ઘરમાં દુઃખી થયેલી નાયિકા ફારગતી ઈચ્છે છે, સગાં-સ્નેહી પણ સત્ય સમજે છે એટલે ફારગતી માટે સહુ એકમત થાય છે પણ છેલ્લી ઘડીએ પાડોશનો એક નાનો છોકરો હકદાવો રજૂ કરે છે કે “ભાભી અમારા છે! એને તમે લઇ જઇ નહીં શકો!” નાયિકાને તો જાણે બહાનું મળી ગયું હોય એમ નિર્ણય ફેરવી તોળે છે. માનવીય લાગણીઓનું સારું આલેખન. લેખકે કેટલાંક સામાજિક દૂષણો અંગે સ્ટેટમેન્ટ કર્યું છે. જેમ કે: ઘરમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માતા પોતાના દીકરાને વહુ વિષે સાચી-ખોટી ભંભેરણી કરે, દીકરી જન્મે તો પથરો પાક્યો એવું કહેવું, દીકરી માંદી પડે તો એની સારવાર ના કરવી વગેરે. એકંદરે વિષય જૂનો પણ માવજત સારી. જો કે આ વાર્તા પુનરાવર્તન પામી છે, હજી હમણાં શબ્દસૃષ્ટિના જ ઓગસ્ટ ૨૦૨૦ અંકમાં પ્રસિદ્ધ થઇ ચૂકેલી છે. (ડિસેમ્બર ૨૦૨૦)

કોની બદદુઆ (હસમુખ અબોટી ‘ચંદન’) : સાગરકથા.  હરજી દેવશી નામનો એક નાખવો અને વેપારી માલસામાનની હેરફેર કરતાં “દાળિયા” નામના વહાણ પરની તેની એક સાહસિક સફરની કથની આ વાર્તામાં કહેવાઇ છે. આ લેખક દરિયાઇ કથાઓના સર્જન માટે જાણીતા છે. વાર્તામાં આ વ્યવસાયની પરિભાષાના  અસંખ્ય શબ્દોનું દસ્તાવેજીકરણ થયું છે. આ ઘણું જ મહત્વનું કામ થઇ રહ્યું છે; એની નોંધ લેવી ઘટે.  (સપ્ટેમ્બર ૨૦૨૦)

ડેટ  (ડો. નવીન વિભાકર) : વાર્તાની પૂર્વધારણા અસ્પષ્ટ છે. પશ્ચિમની સંસ્કૃતિનું આલેખન થયું છે અને સમસ્યા પૂર્વના દેશમાંની સંસ્કૃતિ વિશેની છે. વર્ષો પહેલાં પૂર્વના દેશમાં થઇ ગયેલાં એક દુષ્કર્મનો બદલો લેવાની વાત થાય છે.

અમુક ઉંમરમાં છોકરાં-છોકરી હળેમળે, એકબીજાની નજીક આવે એ સ્વાભાવિક છે. પૂર્વના દેશોની સરખામણીએ પશ્ચિમના દેશોની સંસ્કૃતિ ભિન્ન છે. આવા સમયે સાવચેતી રાખવા વિષે પશ્ચિમનો યુવાવર્ગ વધુ જાગૃત છે.

એક અનાથ બાળકી ભારતમાં ત્રણ વર્ષની ઉંમરે દત્તક લેવાઈને અમેરિકા આવી. ચાર વર્ષમાં દત્તક માતાપિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થાય. સાત વર્ષની ઉંમર પછી એ બાળકી અમેરિકામાં ત્રીજા જ પરિવારમાં ઉછરે.  મોટી થઇને સ્કુલના કાર્યક્રમમાં એ  કોઇ યુવાનને મળે, એની જોડે થયેલા અસુરક્ષિત સંબંધના પરિણામે એ યુવતીને એઈડ્ઝ થાય. ત્રણ વર્ષે એ મૃત્યુની સન્મુખ હોય ત્યારે બે દિવસ પહેલાં મિત્ર બનેલા એક યુવાનને એક કામ સોંપે. શું? વર્ષો પહેલાં ભારતમાં કોઇ જમીનદાર દ્વારા પોતાની માતા પર થયેલા બળાત્કારનો બદલો લેવાનું કહે! આનાથી વધુ એબ્સર્ડ વાત શું હોઇ શકે? અરે, પેલા બિચારાને શું લેવાદેવા હોય? એક સાંજે છોકરી જોડે ફર્યો એ ગુનો? યુવાનીમાં નાયિકા પોતે હરીફરી અને મઝા કરી અને મરવા પડી ત્યારે બદલો લેવાનું કામ કોઇ ત્રાહિતને સોંપે?   (ઓક્ટોબર ૨૦૨૦)

નોંધ: નવેમ્બર ૨૦૨૦ અંક ઈતિહાસકથા વિશેષાંક હોવાથી એમાં ટૂંકી વાર્તાનો સમાવેશ થયો નથી.

--કિશોર પટેલ; 23-12-2020; 12:54

###  

   


No comments: