Friday 22 January 2021

નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૭૯૪ શબ્દો)

આ અંકમાં બે સારી વાર્તાઓ છે. એક વાર્તા સારી બનતાં બનતાં રહી ગઇ છે.

એક્ઝિટ (બિપીન પટેલ):

માનવસ્વભાવની એક ખાસિયત છે કે પરિચિત પરિસરમાં, પોતાના માણસોની વચ્ચે, પોતાના જેવા માણસો વચ્ચે એ સલામતી અનુભવે છે.  જરાક જુદા પડતા માણસને બાજુએ મૂકવામાં આવે છે. એને “એક્ઝીટ” નો દરવાજો દેખાડવામાં આવે છે, એવું થઇ ના શકે ત્યારે બાકીના સહુ એક્ઝીટ થઇને, પેલાને એકલો પાડી દઇને, નવું ગુલિસ્તાન બનાવી લે છે.

બાળપણના ભેરુ વિષ્ણુ તેમ જ મોસાળના કુટુંબના આશ્રિત બોથા જોડે કથક સામ્યતા અનુભવે છે. જે રીતે બાળપણમાં સહુ એક થઇને વિષ્ણુને અલગ પાડી દેતાં હતાં, જે રીતે બોથાનો ઉપયોગ એક રમત તરીકે થતો હતો એ જ રીતે વયસ્ક થયા પછી મિત્રવર્તુળમાં પોતાની સાથે અન્યાય થયાનું કથક અનુભવે છે.

સારી ટૂંકી વાર્તામાં કશું પણ નિર્હેતુક હોતું નથી. કથક જયારે પણ મોસાળમાં જાય છે ત્યારે ઘરના વાડામાંનાં વૃક્ષો જોડે સંવાદ કરે છે. આ સામાન્ય બાબત નથી. એમ કહી શકાય કે એ પ્રકૃતિપ્રેમી હતો. આ તો ઉપરછલ્લો અભિપ્રાય થયો. એવું બની શકે કે માણસો જોડે એ comfortable ન હતો.  જે રીતે પત્ની જોડે એ સ્પષ્ટ સંવાદ કરી શકતો નથી, કદાચ મિત્રવર્તુળમાં પણ એ પોતાની જાતને સ્પષ્ટપણે વ્યક્ત કરી શકતો ન હતો. અને કદાચ એટલે જ એ odd man out હતો. એને વોટ્સએપ ગ્રુપમાંથી સીધો જાકારો આપી શકાય એમ ન હતું એટલે બાકીનાઓ એક પછી એક એક્ઝીટ થઇ ગયા!

કથક ડાયરી લખતો હતો. વાર્તાની રચનારીતિમાં આ ડાયરી એક તરફ ફલેશબેકમાં જવાની સુવિધા પૂરી પાડે છે અને બીજી તરફ કથકના સ્વભાવની ઝાંખી કરાવે છે. ડાયરી તમને સામા પ્રશ્નો પૂછતી નથી. ડાયરી તમને આહવાન આપતી નથી. ડાયરી એક એવું માધ્યમ છે જ્યાં તમે પોતાની જાતને વિના રોકટોક વ્યક્ત કરી શકો છો. આગળ કહ્યું તેમ અન્યો જોડે સ્પષ્ટપણે વ્યક્ત થવામાં કથકને સમસ્યા હતી. બીજાનો મોબાઈલ ચેક કરવો અશિષ્ટ કહેવાય એટલું પણ એ પોતાની પત્નીને સોય ઝાટકીને કહી શકતો નથી.

નાગોલચું રમવાની અને કાલાં ફોલવાની વિગતવાર રજૂઆત વડે તેમ જ ગામડાનાં પાત્રોની બોલીભાષા દ્વારા ગ્રામ્ય વાતાવરણનું વાર્તામાં દસ્તાવેજીકરણ થયું છે. વિષ્ણુને લીધાં વિના ગાડી ચાલવા માંડે પછી રીઅર વ્યુના કાચમાં ઉદાસ વિષ્ણુનો ચહેરો દેખાયા કરવો એ દ્રશ્ય ભારે હ્રદયસ્પર્શી બન્યું છે.      

નોંધનીય અભિવ્યક્તિ: // દરેક ઘર, કુટુંબ, મહોલ્લો, મંડળી, ગામ, શહેર, દેશ, દુનિયામાં એક ‘બીજો’ જણ હોય છે. ના હોય તો ઊભો કરીએ છીએ. કોકને ઠરાવી દઇએ છીએ. // આ ઉક્તિ વાર્તાનું હાર્દ છે.   

વાવ (ગિરીશ ભટ્ટ): એક સંવેદનશીલ સ્ત્રીની વાર્તા. કેટલાંક માણસોનાં મન એટલાં ઋજુ હોય છે કે ક્યારે અન્યોનું દુઃખ ઉધાર લઇને પોતે દુઃખી થવા માંડે એનો કોઇ ભરોસો નહીં. બેન્કમાં નોકરી કરતા મનોહરની બદલી એવા ગામડામાં થઇ છે જ્યાં ઘરની નજીક એક ઐતિહાસિક વાવ છે. ગામને પાણી મળે એ માટે કોઇક સમયે એક સ્ત્રીએ આત્મબલિદાન આપ્યું હતું એવી એક દંતકથા છે. કહે છે કે એની એક ધાવણી દીકરી હતી. મનોહરની પત્ની વત્સલા આ દંતકથા સાંભળીને અસ્વસ્થ થઇ જાય છે. એની પોતાની પણ એક નાનકડી દીકરી છે. એ પેલી સ્ત્રી જોડે આત્મીયતા અનુભવવા માંડે છે. એને એવી ભ્રાન્તિ થાય છે કે પેલી સ્ત્રીની બાળકીએ પોતાના પેટે પુનર્જન્મ લીધો છે. દીકરી તન્વી જયારે વાવ ભણી જોયા કરે છે ત્યારે વત્સલાને થાય છે કે એ એના ગયા જન્મની માતાની રાહ જુએ છે. જયારે દીકરીને ધાવણ છોડાવવાનો સમય આવે છે ત્યારે વત્સલા ગુનાહિત લાગણી અનુભવે છે. દંતકથામાં પેલી સ્ત્રીએ બલિદાન આપ્યું ત્યારે એની પાછળ એ ધાવણી દીકરીને રડતી મૂકી ગઇ હતી. હવે ફરી વાર એ જ ગુનો કરવાનો? કંટાળીને મનોહર બદલી માટે અરજી કરે છે. મનોહરને બદલી માંગવાનું ઘણું આકરું લાગે છે કારણ કે પાડોશ સારો હતો, બીજી બધી જ રીતે એ ગામમાં એમને ફાવી ગયું હતું.

ઉજાસભર્યું આકાશ (કિરણ વી મહેતા):

સંસ્કાર અને નીતિમત્તાના ભાર હેઠળ આપણી વાર્તાઓ અલગ સ્તર પર જઇને ખીલતી નથી. આ વાર્તા તેનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં તક હતી એક સરળમાર્ગી સંસ્કારી પુરુષ / સંસ્કારી સ્ત્રીની જગ્યાએ તોફાની સ્ત્રી અથવા પુરુષની એક હટ કે વાર્તા બનાવવાની.

એક યુવાન શરદ અને એક યુવાન વિધવા મૃદુલા પાડોશી. બબ્બે અનુભવોથી દાઝેલી મૃદુલા હિંમત કરીને પાડોશીઓને જમવા બોલાવે છે. એ જાણતી હતી કે શરદને મોડું થશે. શરદ જોડે એકાંતની તક એણે પોતે ઊભી કરેલી હતી. પણ ખરે ટાણે એને ભૂતકાળનાં કડવા અનુભવો યાદ આવ્યાં અને એણે જાતને કોચલામાં પૂરી દીધી. નિખાલસપણે જયારે એ શરદને ટપારે છે કે, “હવે બેસો છાનાંમાનાં ખાઓ છો ઓછું અને બોલો છો વધુ.” ત્યારે શરદ એ વાતને પોતાની બહેન જોડે સાંકળીને વાર્તાનો વીંટો વાળી દે છે. જો કે વચ્ચે એક વાર ગામમાં રહેતાં પત્ની-બાળકો જોડે મૃદુલાનો પરિચય કરાવવાનું એ વિચારે છે ત્યારે જ એનું પાત્ર સ્પષ્ટ થઇ ગયું હતું અને અંત પણ નક્કી થઇ ગયો હતો.

લેખકને વાર્તામાં એક શુદ્ધ ચારિત્ર્યના, સંવેદનશીલ નાયક અને તેવી જ સુશીલ નાયિકાનું નિરૂપણ કરવું હતું અને એમાં તેઓ સફળ રહ્યા છે. બંને પાત્રોમાં તફાવત જ નથી પછી સંઘર્ષ ક્યાંથી આવે? આવી ઘણી વાર્તાઓ આપણે સ્ત્રીવિષયક સામયિકોમાં અને સંસ્કારનું સિંચન કરતાં સામયિકોમાં વાંચી છે, નહીં? વાર્તાકારનું લક્ષ્ય કહેવાતાં અને બંધિયાર સામાજિક મૂલ્યોને પડકારવાનું હોવું જોઈએ. આ વાર્તામાં કંઇક જૂદું, કંઇક અવનવું રચવાની શક્યતાઓ હતી.

નોંધનીય અભિવ્યક્તિ:  // ખરેલાં પર્ણોને પવન રમાડે એમ રમવાનું હોય છે! //

--કિશોર પટેલ; 22/01/2021;20:15.        


No comments: