Wednesday 2 December 2020

મુંબઇ સમાચાર દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે :

 

મુંબઇ સમાચાર દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે :

(૨૦૧૯ શબ્દો)

ખાસ નોંધ: કુલ ૩૪ વાર્તાઓ છે એટલે લેખ લાંબો થયો છે; ધીરજથી વાંચવો. વાર્તાની રજુઆતના ક્રમમાં ટીપ્પણીઓ કરી છે.

ગર્લ્સ હોસ્ટેલ (રજનીકુમાર પંડ્યા) : સરસ વાર્તા. ગર્લ્સ હોસ્ટેલ માટે નવા વોચમેનની નિમણુંક કરવાની છે. ગૃહમાતા મધુકાન્તાબેન નોકરી માટે આવેલા કથકની કડક પૂછપરછ કર્યા પછી કામ પર રાખે છે. કથક સલામતીનો સરસ બંદોબસ્ત કરે છે. એમ છતાં ગૃહમાતા જાતે જ કથકને બતાવે છે કે કઇ રીતે કોઇ બદમાશ  ધારે તો ઠેઠ ગૃહમાતાના કવાર્ટરમાં ઘુસી જઇ શકે! કથક મૂંઝાઇ જાય છે. એ કફોડી સ્થિતિમાં મૂકાઇ જાય છે. ગૃહમાતા પૂછે: “તમે સમજતા કેમ નથી?” બધું જ સમજી ગયેલો કથક મનમાં બોલે છે: “હું શું બોલું?”

સરસ વાર્તાનુભવ! ચોક્કસ પાત્રપસંદગી અને ચોક્કસ પાત્રાલેખન. ગૃહમાતા જે રીતે છોકરીઓ માટે ચિંતા વ્યક્ત કરે છે અને વોચમેન તરીકે કથક કેટલી સાવધાની રાખે છે અને છતાં એ કેવા કળણમાં ફસાતો જાય છે એ જોવાનું બને રસપ્રદ છે. જે કહેવું છે તેનાથી વિપરીત કહીને સાધ્ય કરવું એમાં લેખકની ખરી કમાલ છે. વરિષ્ઠ વાર્તાકારની એક નમૂનેદાર વાર્તા!     

ના, હવે તો નહીં જ... (હરીશ થાનકી) : સરોગેસી વિષયની વાર્તા. સ્ત્રીના ગર્ભમાં એક બાળકનું હોવું એક અલગ જ ઘટના છે. આ વાત વિજ્ઞાનની કેવળ એક પ્રક્રિયા નથી, એની સાથે માનવીય સંવેદના પણ જોડાયેલી છે. રાવસાહેબ જેવા કદરૂપા માણસના બીજનું પોતાના અંગમાં રોપાવું વિદ્યાને ગમ્યું ન હતું. એણે પોતાનો અણગમો જાહેર પણ કર્યો હતો. એમ છતાં એક વાર એ બીજ એના ગર્ભમાં વિકસવા લાગ્યું એ સાથે જ વિદ્યાનો એની જોડે લાગણીભર્યો સંબંધ વિકસવા લાગ્યો. પછી એના ગર્ભમાંનું એ બાળક માત્ર એક વ્યવહારિક સોદો ના રહેતાં વિદ્યાના પોતાના શરીરનો જ એક ભાગ બની ગયું. સામે પક્ષે રાવસાહેબ અને એમના પત્નીનો અભિગમ છેક જ સ્વાર્થી છે: બાળક સ્વસ્થ હોય તો જ જોઈએ, વિકલાંગ હોય તો નથી જોઈતું! ધારો કે એ વિકલાંગ  બાળક રાવસાહેબની પોતાની પત્નીને પેટે જ અવતર્યું હોત તો? સરોગેસી વિષયમાં એક અલગ જ સંકુલ શક્યતા પર સારી વાર્તા.       

માળો! (અતુલકુમાર વ્યાસ) : પરિવાર માટે આત્મબલિદાન વિષયની વાર્તા. મુશ્કેલીમાં મૂકાયેલા પરિવારને ઉગારવા અપેક્ષા સંજોગો સાથે સમજૂતી કરે છે. જૂના અને જાણીતા વિષયની વાર્તા.

બાંધણી (અજય સોની) : વાર્તાનો વિષય સ્વજનની સ્મૃતિ. બાંધણી સાથે વાસંતીબેનના મૃત પતિની યાદો સંકળાયેલી છે. યોગેશની ઈચ્છા હતી કે એકની એક દીકરીના લગ્ન રંગેચંગે કરવા. પણ વિધવા સ્ત્રી તરીકે પોતે શું શણગાર કરવા અને કેવું મહાલવું એવી અવઢવમાં વાસંતીબેન મૂંઝાયા કરે છે. નાનકડી પણ સારી વાર્તા.

મારી મરજી (કેતકી જાની) : એક નાનકડી વાર્તામાં ઘણાં મોટાં મોટાં પ્રશ્નો ચર્ચાયા છે: ૧. સ્ત્રી માતા બને તો એના સૌંદર્યમાં ઘટાડો થાય એવું માનીને એક પતિ પોતાની પત્નીને માતૃત્વસુખથી વંચિત રાખે છે. ૨. “વારસ તો જોઈએ જ” એવો આગ્રહ રાખતી સાસુ પોતાની પુત્રવધુનો માસિક ધર્મ બંધ થઇ જાય ત્યાં સુધી રાહ જુએ ખરી? ૩. પત્નીને બાળક થવા ન દીધું અને માતાનો આગ્રહ છે કે વારસ જોઈએ એટલે પુરુષ એક પત્ની ઉપર બીજા લગ્ન કરવા તૈયાર થઇ જાય છે. ૪. માતૃત્વસુખથી વંચિત રાખનાર પતિનો પત્નીએ સંપૂર્ણ લગ્નજીવનમાં ક્યારેય વિરોધ કર્યો નહીં અને એક તક મળતાં તરત જ ઓક્સિજનનો પૂરવઠો કરતી નળી દબાવી દઇ પતિનું મૃત્યુ નીપજાવ્યું!  ૫. કચરાપેટીમાં તરછોડાયેલી બાળકીને નાયિકાએ દત્તક લીધી.  આ દરેક મુદ્દા પર એક એક સ્વતંત્ર વાર્તા બની શકે!    

જંગલ મેં મોર નાચા (રમણ મેકવાન) : એક ઉંમરલાયક કન્યા માટે ગામડાગામમાં કોઇ મૂરતિયો હા પાડતો ન હતો, એક સગાંને ત્યાં શહેરમાં ગઇ અને ત્યાં એનું ગોઠવાઇ ગયું. ખાધું પીધું અને મોજ કરી. વાર્તા પૂરી.

એની આંખો પણ... (કિશોર અંધારિયા) : ધારણાથી વિપરીત ઘટવું ટૂંકી વાર્તા માટે એક અત્યંત લોકપ્રિય ફોર્મ્યુલા છે. વર્તિકાને ઓફિસમાં સામે બેસતા સિનિયર કર્મચારી દિનેશ રાજપરાનો હંમેશા ડર લાગતો. એક વાર કટોકટીની ક્ષણોમાં ઝેરનાં પારખાં થઇ જાય છે. વાર્તાની માવજત સારી.

થીજી ગયેલું ઘી (માવજી મહેશ્વરી) : માણસની પોતાને પામવાની કવાયત. નિશાળના મુખ્ય શિક્ષક તરીકે સંપૂર્ણ કારકિર્દીમાં રમણબાળાએ હ્રદયને બાજુએ મૂકી મગજથી કામ લીધું છે. શિસ્ત અને નિયમપાલનના આગ્રહી રમણબાળાના હાથે અનેક શિક્ષકો જોડે જાણ્યેઅજાણ્યે અન્યાય થયો હશે. કારકિર્દીના છેવટના વર્ષોમાં એમની વિરુદ્ધ ફરિયાદ થઇ અને શિક્ષણવિભાગે સામાન્ય તપાસ કરીને રમણબાળાને નોકરીમાંથી ફારેગ કર્યા. પોતાની ભૂલોનો એહસાસ રમણબાળાને થાય ત્યારે થીજી ગયેલું ઘી પીઘળે છે અને દીવો એની ક્ષમતા મુજબ પ્રકાશે છે. સારી વાર્તા.          

જીવતર (ડો. રમણ માધવ) : વાર્તાનું જમા પાસું: પુરુષપ્રધાન સંસ્કૃતિમાં એક સ્ત્રી વિદ્રોહ કરે છે. ડોસાએ કષ્ટ વેઠીને દીકરાને ઉછેર્યો. પરણાવીને ઠરીઠામ કર્યો,  એ બીજી સ્ત્રીમાં મોહ્યો, પત્ની, બાળકો અને પિતા તરફ દુર્લક્ષ્ય કર્યું. ડોસો ગામલોકો સામે જાહેર કરે છે કે દીકરો વારસામાંથી રદબાતલ. વહુનો પ્રશ્ન છે કે ફક્ત દીકરાનું જ કેમ તમને દાઝે છે? એક વહુને કેમ તમે પોતાનો વારસ ગણતા નથી?

ગંગા-સાગર (લીના વચ્છરાજાની) : માતાના મૃત્યુ પછી પિતા બીજાં લગ કરે ત્યારે બાળકો પિતાની બીજી પત્નીનો સહેલાઇથી સ્વીકાર કરતાં નથી.  જૂનો વિષય, મુખ્ય પાત્રોના સાગર, રેવતી અને ગંગા જેવાં નામો અને આલંકારિક ભાષા વાર્તાને સામાન્ય બનાવે છે. 

ઝાંઝવાના જળ (યોગેશ પંડ્યા) : અનિતા મોહિતને ચાહે કરે છે પણ પિતાની નામરજીના કારણે લગ્ન પ્રેમ જોડે થાય છે. મધુરજનીની રાતે જ અનિતા પતિ પાસે કબૂલાત કરે છે કે તે કોઇ અન્યને ચાહે છે. અંતે અનિતા જાણવા પામે છે કે મોહિત પ્રેમ કરવા લાયક ન હતો. ભૂલનો અહેસાસ થયા પછી એ પતિનો સ્વીકાર કરે છે. જૂનો વિષય, સામાન્ય વાર્તા.

ફર્શ (રાજેશ અંતાણી) : નાયિકા પ્રત્યે સાસરિયાંનો અન્યાયી વર્તાવ. જૂનો વિષય, સામાન્ય વાર્તા.

અધૂરા ઓરતા (સરદારખાન મલેક) : થ્રિલર વાર્તા. નાયક હોસ્પિટલના મડદાંઘરમાં ફરજ બજાવે છે. રાતપાળીમાં અચાનક એક ખાનામાં રાખેલી લાશ બહાર આવીને તેની જોડે વાત કરવા માંડે. તેની પૂર્વપ્રેમિકાની એ લાશ પોતાની અધૂરી ઇચ્છાઓ પૂરી કરવાની વાતો કરે છે. કલ્પના સરસ પણ માવજત સરળ અને સપાટ. રજૂઆતમાં થોડીક નાટ્યાત્મકતા ભેળવી શકાય તો વાર્તા વધુ સારી બની હોત. મડદાંઘર જેવા પરિવેશની વાર્તાની કલ્પના નવી.  પ્રયાસ સરાહનીય.      

ઓબ્જેક્ટ (જ્યોતીન્દ્ર પંચોલી) : રસ્તા પર દાતણ વેચતી એક યુવાન વિધવા રેવતીને એક ચિત્રશિક્ષિકા કળાવિદ્યાલયમાં ન્યૂડ મોડેલિંગ કરવાનું કામ અપાવે છે. દાતણના ધંધા કરતાં કમાણી સારી થાય છે. કોરોના મહામારીના પગલે આવી પડેલી સંચારબંધીમાં કામ બંધ પડ્યું.  રેવતીએ આસપાસમાં વધ્યુંઘટ્યું માંગવાનું શરુ કર્યું. પેલી કળાવિદ્યાલયના પ્રિન્સીપાલ પોતાના વયોવૃદ્ધ પિતાની દેખભાળનું કામ આપે છે. કમાણીમાં હજી વધારો. અંતમાં પ્રિન્સીપાલમાં રહેલા પુરુષની વરવી છબી પ્રગટ થાય છે. ઘટનાપ્રધાન સામાન્ય વાર્તા. ત્રણ પ્રશ્નો ઊભા થાય છે: ૧. જે સ્ત્રી રસ્તા પર દુકાન માંડી દાતણ વેચવાનો ધંધો કરી શકતી હોય એ વધ્યુંઘટ્યું માંગવા જાય? ૨. અંતમાં એક પુરુષનો વિકૃત ચહેરો જ બતાવવો હતો તો આટલી લાંબી રામાયણ શા માટે? ન્યૂડ મોડેલિંગ કે વૃદ્ધ પિતાની દેખભાળ વગેરે પ્રપંચ કરવાની શું જરૂર હતી? રેવતીની સામે એ જે પ્રસ્તાવ મૂકે છે એવો પ્રસ્તાવ તો એ કોઇ પણ શ્રમજીવી સ્ત્રીની સામે અલ્પ પરિચય પછી મૂકી શક્યો હોત! ૩. લેખકે નાયિકા પાસે જુદાં જુદાં કામ કરાવ્યા પણ એની કોઇ સમસ્યા, એનું કંઇ મનોમંથન કશું જ નહીં!         

અપલક આંખે (કિરણ મહેતા) : દિગંત અને પ્રિયંકા બંને ઉચ્ચશિક્ષિત. દિગંતને ખેતીનો શોખ. ગામડે રહીને ખેતી કરે. પ્રિયંકાને પ્રવાસનો શોખ. પેરિસ જવાની અને એફિલ ટાવર જોવાની એની તમ્મના પૂરી થાય એ પહેલાં વીજપ્રપાતમાં અકાળે અવસાન. પ્રિયંકાની સ્મૃતિમાં દિગંત ગામમાં એફિલ ટાવરની પ્રતિકૃતિ બનાવે. પુત્ર નિહારના શિક્ષણ માટે ગામડું છોડીને શહેરમાં વસે. નિહાર મોટો થઇને પોતાની મરજીથી નિયાને પરણે. નિહાર-નિયા પિતાને એકલાને પેરિસના પ્રવાસે મોકલે કારણ કે નિયાને સારા દિવસો જતાં હોય. પેરિસ જતું વિમાન ક્રેશ થાય એટલે દિગંતનું અકાળે અવસાન થાય. કોઇ વિમાનનો ઉડવાનો અવાજ સંભળાય એટલે નિહાર બારીમાંથી અપલક જોયા કરે.  એક નવલકથાનો વિષય અને વ્યાપ ધરાવતી લાંબી વાર્તા.

પ્લસ પોઈન્ટ: આ વાર્તામાં નોંધનીય છે સમગ્ર ભારતદેશના જોવાલાયક અનેક સ્થળોનું ટૂંકમાં વર્ણન. જુદાં જુદાં સ્થળોની ખૂબીઓનું વર્ણન સરસ થયું છે.

માઇનસ પોઈન્ટ: વાર્તાની પૂર્વધારણા સ્પષ્ટ નથી. શું કહેવું છે? પતિ-પત્ની સંબંધનો ઉલ્લેખ છે, પિતા-પુત્ર સંબંધનો ઉલ્લેખ છે. બેમાંથી એક વિષય પર ફોકસ રહ્યું હોત તો સારું થાત. રજૂઆત અંગે એક પ્રશ્ન ઊભો થાય છે. વાર્તા ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાઇ છે. દિગંતનો ઉલ્લેખ સતત “પપ્પા” તરીકે થાય છે. રજૂઆતમાં ક્યાંય પુત્ર નિહારનો કે પુત્રવધુ નિયાનો દ્રષ્ટિકોણ નથી. “દિગંતભાઇ” એવો ઉલ્લેખ થઇ શક્યો હોત! કથક શા માટે પપ્પા પપ્પા કહ્યા કરે તે સમજાતું નથી.       

વિદાય (દક્ષા ઝાલાવાડિયા ‘લાગણી’) : પછાત કોમમાં શિક્ષણનું પ્રમાણ નહીંવત હોય ત્યારે તેનું મહત્વ એ કોમના સભ્યોને સમજાતું નથી. કુટુંબીજનો અને ગામના લોકો સામે એક વિધવા સ્ત્રી વિદ્રોહ કરે તે સારી વાત છે પણ વિદ્રોહ કરીને લીલીએ શું કર્યું?  લીલીનો જેઠ ભત્રીજી આશાનો અભ્યાસ છોડાવીને જબરદસ્તીથી એના લગ્ન જોડવા માંગે છે. આશાની માતા જેઠ અને ગામલોકો સામે ધારિયું લઇને ઊભી રહી જાય છે. સરસ, પણ એ કરે છે શું? આશાના લગ્ન એક પરિચિત અને શિક્ષિત છોકરા સાથે કરાવી દે છે! એક લગ્ન રોકવા બીજા લગ્ન? આ તો કોઇ ઉપાય હોઇ ના શકે!  એણે એમ કહ્યું હોત કે “મારી દીકરી ભણવા માંગે છે, એનો રસ્તો કોણ રોકે છે તે હું જોઇ લઈશ!” તો કંઈ વાત બને! બીજું કે વાતે વાતે બબ્બે-ત્રણ ત્રણ આશ્ચર્યચિહ્નો શા માટે?     

ક્યા ભરોસા હૈ (હસમુખ અબોટી ‘ચંદન’) : દરિયો તોફાને ચડે ત્યારે શું થાય કંઈ કહેવાય નહીં. એક વેપારી વહાણને નડેલા અકસ્માતની સત્યઘટના પર આધારિત રોમાંચક કથા. દરિયાખેડુઓની પરિભાષા અને જીવનપદ્ધતિનું સરસ આલેખન. દરિયાઇ કથાઓ માટે જાણીતા આ લેખક પાસેથી મળેલી એક કરુણાંત વાર્તા.

પાશવતા પરમો ધર્મ (નીતિન ત્રિવેદી) :  જંગલના પ્રાણીઓને લઇને દેશની તત્કાલીન રાજકીય પરિસ્થિતિ પર રચાયેલી કટાક્ષકથા. એક જ વાર્તામાં એકાધિએક મુદ્દાઓ સમાવવાનો મોહ ટાળવો જોઇતો હતો.   

ગોઝારિયો (નટવર ગોહેલ) : કરુણાંત પ્રેમકથા. જે કૂવાએ મેઘા અને મોતીનો મેળાપ કરાવ્યો, એ જ કૂવાએ એમને છૂટા પાડ્યા. 

એક દીવાલનો અંતરપટ (ડો. મનહર ઠાકર) : દસ વર્ષ પહેલાં ગૃહત્યાગ કરીને વૃધ્ધાશ્રમમાં જતી રહેલી બાને દીકરો-વહુ પાડોશીઓની મદદથી મનાવીને પાછાં લાવ્યાં. સુખાંત વાર્તા. આ વાર્તામાં કોઇ વળાંક આવ્યો હોત તો વધુ સારી બની હોત. દા.ત. વૃધ્ધાશ્રમમાં બા અંતેવાસીઓ સમક્ષ જ્ઞાનની વાતો કરે છે. એ સાંભળ્યા પછી પાડોશીઓ પોતાની વાતમાંથી ફરી ગયાં હોત તો? બાને મનાવીને પાછી લાવવાને બદલે સાગમટે બધાં જ વૃદ્ધાશ્રમમાં દાખલ થઇ જવાની હઠે ચડ્યા હોત તો?

કોરોના (દિનેશ દેસાઇ) : એક પરિણીત સ્ત્રીનો લગ્નબાહ્ય સંબંધ. સ્ત્રી અને બોયફ્રેન્ડ બંને પોતપોતાની રીતે અલગ અલગ કોરોના પોઝિટીવ અને એના કારણે મૃત્યુ પામ્યા. પરિણીત સ્ત્રીનો પતિ પોતાના લગ્નબાહ્ય સંબંધવાળી પ્રેમિકા જોડે પરણવા મુક્ત. વાર્તાનો ધ્વનિ શું છે? અનૈતિક સંબંધોમાં રાચતાં સ્ત્રી-પુરુષ પર દૈવી કોપ? કુદરતની સજા? જે હોય તે, આ રચના વાર્તા બનતી હોય એવું લાગતું નથી. ક્યાંય કોઇ સંઘર્ષ નથી.  પ્રેમીને ના મળી શકવાથી નાયિકાના મનની દુ:ખદ સ્થિતિનો ચિતાર મળ્યો હોત તો કઇંક વાત બની હોત. અહીં તો બંને પ્રેમીઓ એકબીજાને મળી ના શકવાથી ખુશ છે! દેશ અને દુનિયામાં કોરોનાના વ્યાપના આંકડાઓ તો અખબારમાં કે ઈન્ટરનેટ પર પણ મળી રહે; વાર્તામાં એવી બધી વિગતની શી જરૂર હતી?      

અકસ્માત--તનના અને મનના (સુમંત રાવલ) : બોધકથા. કથકને અપકારનો બદલો ઉપકારથી મળ્યો અને નૈતિકતાનો એક પાઠ શીખવા મળ્યો. સારી વાર્તા. 

નજીકની વ્યક્તિ (દુષ્યંત શુક્લ) : નવી નોકરી નિમિત્તે અદિતિ બેંગ્લોર શહેરમાં જાય છે અને ત્યાં અન્ય પુરુષોથી (ખાસ કરીને પલાશથી) પોતાને સફળતાપૂર્વક સલામત રાખે છે. આ વાર્તા અદિતિના બદલે જો સહકર્મચારી પલાશના દ્રષ્ટિકોણથી કહેવાઇ હોત તો વધારે રસપૂર્ણ બની હોત. દા.ત. અદિતિ એને કઇ રીતે ગમે છે અને એ કઇ રીતે પલાશને પ્રતિસાદ આપે છે. અંતમાં ધારણાથી વિપરીત પલાશને કેવો આંચકો મળે છે તે જોવું મઝાનું બન્યું હોત.

રંગોળી (પ્રફુલ્લ કાનાબાર) : આરોહી અને આકાશ બંને એક ઓફિસના સહકર્મચારી. બંને પ્રથમ લગ્નથી દાઝ્યાં છે. સંજોગો અને સ્વભાવ બેઉને નજીક લાવે છે. સામાન્ય પ્રેમકથા. 

સાથ (ડો.મનીષા પટેલ) : બહારની દુનિયામાં અસફળ થતાં એક પુરુષ પોતાની પત્ની જોડે હિંસા આચરે છે. એવા ગેરવર્તન કરતાં પુત્રનો ત્યાગ કરીને એક માતા પોતાની પુત્રવધુને સાથ આપે છે. સામાન્ય સામાજિક વાર્તા. 

નિત્યા (નીલા સંઘવી) : નિત્યાને બેહોશ કરીને કઢંગી સ્થિતિમાં તેના વિડીયો ઉતારી લઇને પછી બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. પોતાની બહેન સાથે પણ આવું ના થાય એવું વિચારીને નિત્યા આત્મહત્યા કરી લે છે. પૈસાપાત્ર માણસો જયારે પોતાના સંતાનોને નોકરોને કરી દેતાં હોય ત્યારે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. છાપાંમાં રોજ આવી ઘટનાઓના સમાચાર આવતાં હોય છે. સમાજ સામે લાલબત્તી ધરતી વાર્તા.    

કોના વાંકે? (રાજેશ ચૌહાણ) : દુ:ખાંત પ્રેમકથા. આ વાર્તાનો પ્લસ પોઈન્ટ: નાયક અને નાયિકા સાયકલસવારી કરતાં કરતાં પ્રેમાલાપ કરે છે. એ દ્રશ્ય જૂની હિન્દી ફિલ્મોની યાદ અપાવે છે.

સંસાર (રાઘવજી માધડ) :  એક પ્રતિષ્ઠિત સ્વામીજી પાસે આવીને એક કન્યા પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નો અગવડદાયક જણાવાથી એ કન્યાને અંગત મુલાકાત માટે બોલાવાય છે. વર્ષો પહેલાં કોઇ સ્ત્રીને આ સ્વામીજીએ અન્યાય કરેલો એનો ન્યાય માંગવા આ કન્યા આવી છે. સમાજમાં ઉજળા થઇને ફરતાં મહાત્માઓના કાળા કર્મો પર પ્રકાશ પાડતી વાર્તા.   

વસવસો (જગદીપ ઉપાધ્યાય) : પ્રયોગાત્મક વાર્તા. એક મૃત માણસ પોતાની આપવીતી કહે છે. હળવી શૈલીમાં એના પોતાના મરણની વાત ભારે મનોરંજક બની છે. સરસ પ્રયોગ, સરસ વાર્તા!

ગુલાબ (રામ જાસપુરા) : સુખાંત પ્રેમકથા.

સંવેદનાનો સાગર (દુર્ગેશ ઓઝા) : એક વધુ પ્રેમકથા. શ્રીમંત યુવક વિધવા યુવતી જોડે લગ્ન કરીને સાહસિક પગલું ભારે છે. રજૂઆતમાં આલંકારિક ભાષાનો પ્રયોગ કૃત્રિમ લાગે છે. આવું ટાળી શકાયું હોત.

ધુમ્મસ (નટવર આહલપરા) : એક દુ:ખાંત પ્રેમકથા. ભાષા આલંકારિક. 

સ્વીકાર (પૂજન જાની) : એક વધુ પ્રેમકથા.  કોલેજકન્યા ફાલ્ગુની આધુનિક વિચારસરણીની છે. લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવાનો એને છોછ નથી.  નાયિકાનું પાત્રાલેખન એક સાહસિક પ્રયોગ ગણવો રહ્યો.

પર્દાફાશ (મનહર રવૈયા) : ગુનાખોરીની એક સામાન્ય કથા.

--કિશોર પટેલ; ગુરુવાર, 03 ડિસેમ્બર 2020; 05:11

###


1 comment:

Unknown said...

શ્રી કિશોરભાઈ, વિવિધ સામયિકોમાં આવતી વાર્તાઓ વિશે તમે જે અવલોકન કરો છો, પ્રતિભાવ આપો છો એ શુભ લાગણી બદલ ધન્યવાદ. આમ નોંધ લેવી ને કૃતિ વિશે ઝીણવટભર્યું અવલોકન કરવું એ મોટી વાત.અભિનંદન.- દુર્ગેશ ઓઝા. પોરબંદર. ૐ