Saturday 12 December 2020

જલારામદીપ ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

જલારામદીપ ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૫૨૨ શબ્દો)

આ અંકની કુલ દસ વાર્તાઓમાંથી એક વાર્તા દલિત સાહિત્યની સારી વાર્તાઓમાં સ્થાન પામી શકે એવી છે. એક ફેન્ટેસી વાર્તા છે. માનવીય સંબંધોની ત્રણ વાર્તાઓ છે. બે હાસ્યવાર્તાઓ છે. એક વાર્તા લેખક-ચાહક સંબંધની છે. એક અહેવાલાત્મક વાર્તા છે અને એક ચમત્કારની વાર્તા છે.   

દાપું (ગોરધન ભેસાણિયા): વિષય સામાજિક. આર્થિક અને સામાજિક રીતે પછાત માણસોની દ્રષ્ટિ શિક્ષણ અને સંસ્કારના અભાવે પછાત રહી જતી હોય છે. જે માણસને પોતાને ખબર નથી કે  પોતે શું કામ કર્યું છે અથવા કેવું કામ કર્યું છે એ પોતાના કામને બીજાના ત્રાજવે તોલીને નક્કી કરતો હોય છે.  વીરો અને જીવો ઢોલ તો સારો વગાડે છે પણ બદલામાં મહેનતાણાને બદલે મહેરબાનીની આશા રાખે છે. ઘરધણી જયારે કહે કે જે જોઈતું હોય તે માંગી લો. તેઓ ખપ પૂરતું માંગે છે પણ ઘરધણી એમને એવી પ્રતીતિ કરાવે છે કે તમે લોકો હલકા છો, તમે લોકો સરખું માંગી પણ શકતા નથી. દલિતોને હલકાં પાડવાની સવર્ણોની માનસિકતા સમજી ના શકતા આ બે ભાઈઓ એકબીજાનો દોષ કાઢીને અંદરોઅંદર લડે છે. દલિત સાહિત્યની સારી વાર્તાઓમાં સ્થાન પામે એવી નોંધનીય વાર્તા.

અવઢવ (જાગ્રત વ્યાસ): ફેન્ટેસી વાર્તા. સરળ હ્રદયી હરિયો ઈશ્વરને પ્રાર્થના કરે છે કે દુનિયામાં કોઇ માંદુ ના પડે, કોઇ કોઇની સાથે ઝગડા ના કરે. એની પ્રાર્થના કબૂલ થાય છે. એનો બીમાર દીકરો સાજો થઇ જાય છે, રીસાયેલી પત્ની પિયરથી પાછી આવવા તૈયાર થાય છે. પણ બીજી તરફ એના ડોક્ટર મિત્રને અને વકીલ મિત્રને કેસ મળવા બંધ થઇ જાય છે એટલે તે બંને બેકાર બની જાય છે. હવે હરિયાને અવઢવ થાય છે કે કેવી પ્રાર્થના કરું. સારી વાર્તા.

પહેલો સગો પાડોશી (હરીશ પંડ્યા): હળવી શૈલીમાં હાસ્યકથા. ખાટલો (વિનોદ ગાંધી): નાતજાતના સંકુચિત નિયમો અંગે કટાક્ષ કરતી વાર્તા હળવી શૈલીમાં.

કૃષ્ણલાલ (અર્જુનસિંહ કે. રાઉલજી):  વિષય મૈત્રીભાવના. રમણિકલાલે તો મૈત્રી ના નિભાવી પણ કૃષ્ણલાલે મૈત્રી નિભાવી. જો કે બંને પક્ષે મુદ્દાઓ જ ખોટા પસંદ થયા છે. મૈત્રીના નામે કૃષ્ણલાલના અર્ધપાગલ છોકરાને રમણિકલાલ પોતાની છોકરી પરણાવે એવી આશા રાખવી અસ્થાને છે. એ જ પ્રમાણે મૈત્રીના નામે દહેજ આપવા માટે કૃષ્ણલાલ રમણિકલાલની મદદ કરી એ કાયદાની તેમ જ સામાજિક દ્રષ્ટિએ પણ ખોટું કામ થયું છે. સાચો મિત્ર એને કહેવાય જે મિત્રની દીકરીને દહેજભૂખ્યાં માણસના ઘેર પરણતા અટકાવે. આમ આ વાર્તાનો કેન્દ્રવર્તી મુદ્દો જ વિવાદાસ્પદ છે.      

રાજ (દુર્ગેશ ઓઝા): વિષય કુટુંબભાવના. પાડોશણ કાનભંભેરણી કરતી હતી છતાં સાસુ કે વહુ બેમાંથી એક પણ સ્ત્રી કાચા કાનની ન હતી. એક  સુખી કુટુંબનું ચિત્ર.

માની દીકરી, દીકરીની મા (સ્વાતિ મેઢ): મા-દીકરી સંબંધની વાત. પોતાના અહંના કારણે દીકરી જોડે સંબંધમાં જોજનો દૂર રહી ગયેલી એક સ્ત્રીની વાત. માઇનસ પોઈન્ટ: ત્રીજા પુરુષ એકવચન કથનશૈલીમાં શરુ થયેલી વાર્તા ત્રીજા ફકરામાં અધવચ્ચે જ અચાનક બીજા પુરષ એકવચન કથનશૈલીમાં ફેરવાઇ જાય છે. 

હું એકલી (ડો.એન. એચ. કોરિન્ગા): વિષય માતૃશોક. દીકરી વિદેશમાં હોવાથી દેશમાં મૃત્યુ પામેલી માતાને સ્વહસ્તે પુષ્પાંજલિ કે કાંધ આપી શકી નહીં. અહેવાલાત્મક કથનશૈલીના કારણે વાર્તારસ જામતો નથી.

ફેન (મનહર ઓઝા): વિષય લેખક-ચાહક સંબંધ. લેખક ધ્રુવીલને એની એક સ્ત્રી-ચાહક અદ્રશ્ય રહીને પ્રેરણા આપ્યા કરે છે. એ ચાહકની પ્રેરણાથી લખાયેલી નવલકથા ને ઘણી કીર્તિ પ્રાપ્ત થાય છે. વાયદા પ્રમાણે એ ચાહક સદેહે મળવા આવતી નથી. અનુમાન કરી શકાય છે કે લેખકની પત્ની જ એની અદ્રશ્ય ચાહક હતી.   

ગજેન્દ્રમોક્ષ (લીલાબહેન ચૌહાણ): વિષય ચમત્કાર. બળાત્કારના પગલે એક યુવતીની વાચા હરાઈ ગઇ. એક અકસ્માતના પગલે એની વાચા પાછી આવી. ફિલ્મી સ્ટાઈલ વાર્તા.

--કિશોર પટેલ; 13-12-2020; 07:15

###   

   


No comments: