Friday 11 December 2020

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૧૮૮ શબ્દો)

પ્રસ્તુત અંકની બંને વાર્તાઓ વાંચવાલાયક અને માણવાલાયક છે.

હેક્લસરો (જયંત રાઠોડ):

વાર્તાનો વિષય છે: પ્રાયશ્ચિત. દરિયામાંથી રેતી ઉલેચતી એક કંપનીના જહાજ પર કામ કરતો અંગ્રેજ અધિકારી આ વાર્તાનો કથક છે. અજય સાવલા નામનો એક ભારતીય યુવક એનો જોડીદાર છે. આ સાવલાના ગામનું લોકેશન અને કથકના દાદાની ડાયરીમાં નોંધાયેલા એક પ્રસંગનું લોકેશન એક જ આવતું હોવાથી એ સ્થળ જોવા-જાણવા કથક ઉત્સુક બન્યો છે.

ઘટના બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની છે. અંગ્રેજ અધિકારીઓ અનેક પ્રકારે હિન્દુસ્તાની પ્રજાનું શોષણ કરતાં હતાં. સ્ત્રીઓની ઈજ્જત પર હાથ નાખવો એમના માટે રમત હતી. પ્રસ્તુત કિસ્સામાં એક સ્ત્રી હુમલાખોર અંગ્રેજનો પ્રતિકાર કરે છે અને શિયળ બચાવવા કૂવામાં કૂદી પડે છે. દાદાના અપકૃત્યના પ્રાયશ્ચિતરૂપે કથક પેલી સ્ત્રી અને એના સન્માનની રક્ષા કરતાં કરતાં શહીદ થઇ ગયેલાં હિન્દુસ્તાની યુવકોની ખાંભીઓની સાફસફાઈ કરીને રંગરોગાન કરે છે.

અંગ્રેજ અધિકારી યુવાન સ્ત્રીને નદીમાં નહાતી જુએ એ પછી બનેલી બીનાનું શબ્દચિત્ર જીવંત બન્યું છે. સરસ વાર્તા.              

અકસ્માત (દીવાન ઠાકોર):

આ વાર્તા ૩૬૦ અંશની વાર્તા છે. મનસુખ શ્રીમંત અને વગદાર માણસ છે. એના બાળપણનો એક મિત્ર મનીષ મળે એ સાથે ભૂતકાળની એક ઘટના એને યાદ આવે અને મનસુખની સમગ્ર વિચારપ્રક્રિયા વિપરીત દિશામાં ફરવા લાગે છે. સરસ વાર્તા.

--કિશોર પટેલ; 11-12-20; 18:09


No comments: