Tuesday 8 December 2020

જલારામદીપ નવેમ્બર ૨૦૨૦ દીપોત્સવી અંક ભાગ ૨ ની વાર્તાઓ વિષે

 

જલારામદીપ નવેમ્બર ૨૦૨૦ દીપોત્સવી અંક ભાગ ની વાર્તાઓ વિષે :

(૧૪૨૮ શબ્દો)

જલારામદીપ સામયિક તરફથી ઇ.સ.૨૦૨૦ નાં  દીપોત્સવી અંકનું એક સરપ્રાઈઝ છે: વરિષ્ઠ લેખકશ્રી રાધેશ્યામ શર્માના હસ્તાક્ષરમાં એક લઘુકથા. ચિંતાતુર મકાનમાલિક (રાધેશ્યામ શર્મા): કરફ્યુમાં એક નવાણિયો પોલીસના ગોળીબારનો ભોગ બનીને કૂટાઇ મરે છે અને છાપાંવાળા એને શહીદનો દરજ્જો આપી દે છે. કટાક્ષકથા.   

અંકમાં ૨૪ વાર્તાઓ મારી દ્રષ્ટિએ આ પ્રમાણે છે: ૪ વાર્તાઓ હટ કે અને સરસ; ૩ વાર્તાઓ માનવીય સંબંધોની; ૫ વાર્તાઓ હળવી શૈલીમાં; ૨ ફેન્ટેસી વાર્તાઓ; ૩ વાર્તાઓ જૂનાં પરંપરાગત વિષયોની; ૧ વાર્તા અસ્પષ્ટ પૂર્વધારણાની;  ૩ રચનાઓ રેખાચિત્રો; અને ૩ રચનાઓ સ્થિર શબ્દચિત્રો છે.      

કેટલીક હટ કે, સરસ વાર્તાઓ:

૧. સંરક્ષક (મોહન પરમાર) : અનુઆધુનિક યુગના પ્રથમ હરોળમાંના એક વાર્તાકારની સરસ વાર્તા. આ વાર્તા ૩૬૦ અંશની વાર્તા છે. બાબુજી કટારાને મિત્ર લખમણે કામ સોંપ્યું છે. શહેરથી બસમાં ગામ જતાં જતાં એની બેન લલિતાને એના ઘેર સુખરૂપ પહોંચાડવાની છે. લખમણ-લલિતા બાબુના પાડોશના ગામના છે. બાબુને આ કામ એક બોજ લાગે છે. કાયમ એકલા આવવા-જવા ટેવાયેલા બાબુને જોડે એક યુવાન કન્યા હોય એ નડતર જેવું લાગે છે.  રસ્તે સત્તર ઠેકાણે એણે મુકામ કરવાના હોય, છાંટો-પાણી કરવાના હોય. એનું સમયપત્રક ખોરવાઈ જાય છે. રસ્તે એ લલિતાને પૂછે છે, “છોડી, બીક તો નથી લાગતીને?” પોતાના પરાક્રમોની વાત સંભળાવીને એ લલિતાને આંજી દે છે. પણ પ્રવાસનો અંત આવતાં સુધીમાં ચિત્ર આખું બદલાઇ જાય છે. સ્થિતિ એવી આવી જાય છે કે લલિતા બાબુને પૂછે છે, “બાબુકાકા, હું તમને તમારા ઘેર મૂકવા આવું?” એવું શું થાય છે બાબુ જોડે? બંને પાત્રોના મનમાં પોતીકો જુદો જુદો સંઘર્ષ ઊભો થાય છે. બંને પાત્રોનું સરસ પાત્રાલેખન. પઠનીય, મનનીય, સાદ્યંત સુંદર વાર્તા.     

૨. બદચલન (હસુ યાજ્ઞિક) : કોઇ સ્ત્રી એકાદ પુરુષની મૈત્રી ઈચ્છે તો શું એ વાતને કેવળ જાતીય સંબંધની દ્રષ્ટિએ જોવી જોઈએ? શુદ્ધ મૈત્રી શક્ય કે સંભવ નથી?  સર્વસામાન્ય ભારતીય પુરુષોની માનસિકતા પર કટાક્ષ કરતી વાર્તા. અહીં વિદ્યા નામની એક બદચલન ગણાઇ ગયેલી સ્ત્રીની વાત છે. વાર્તાના અંતે પ્રશ્ન એ ઊભો થાય છે કે ખરેખર બદચલન કોને કહીશું? વિદ્યાને કે એના પર મોહી પડતાં પુરુષોને? વિદ્યાનું પાત્રાલેખન સરસ. નાયિકાની સરખામણીએ કથક દુય્યમ ભૂમિકાએ રહે છે, શ્રેષ્ઠ રચનારીતિ આ જ છે. વરિષ્ઠ વાર્તાકારની કલમેથી મળેલી સરસ, વાચનક્ષમ વાર્તા. 

૩. ફળિયું (ભરત સોલંકી) : રજ્સ્વાલા થયેલી કન્યાને થતાં પ્રાકૃતિક વિજાતીય આકર્ષણની વાત. આ વિષય પર ઘણી ઓછી વાર્તાઓ લખાઇ છે માટે આ વાર્તાનું મહત્વ વધી જાય છે. નાયિકાના મનોભાવોનું આલેખન સરસ. વયમાં આવેલી દીકરીની ચિંતા કરતી અને તેની પર નિયંત્રણો લાદતી માતાનું પાત્રાલેખન સારું. વિજાતીય પાત્ર જેંતી પણ માફકસર.

માઇનસ પોઈન્ટ: ગામની બદલાયેલી સ્થિતિનું વર્ણન થાય છે તેટલા ભાગની ભાષા જુદી પડી જાય છે; જાણે  કોઇ તટસ્થ દ્રષ્ટા એનું કથન કરતો હોય એવું લાગે છે; એ સિવાય આખી વાર્તા તરુણ કન્યાના મુખે પ્રથમ પુરુષ એકવચનમાં છે. એકંદરે સારી વાર્તા. 

૪. કેસરની પડીકી (રજનીકુમાર પંડ્યા) : પ્રોફેસર આત્મારામ શ્રેણીની એક વાર્તા. પ્રો.આત્મારામ એટલે રજનીકુમાર પંડ્યાનું એક વિશિષ્ઠ પાત્ર. આ પ્રો.આત્મારામ આડાઅવળા કેસ ઉકેલી આપવા માટે મશહૂર ગણાતો જાસૂસ છે. ગયા વર્ષે એટલે કે ઇ.સ.૨૦૧૯ માં પ્રો.આત્મારામ શ્રેણીમાં આ વરિષ્ઠ લેખકે ત્રણેક વાર્તાઓ આપેલી. આ વર્ષની આ પહેલી જ વાર્તા છે. મનહર મૂળચંદની ફરિયાદ છે કે પંદર વર્ષ જૂનાં એક કેસમાં એમને દર વર્ષે નિયમિત મળતું પેન્શન હતું એ હાલ બંધ પડી ગયું છે. પ્રો. આત્મારામ આ કેસ કેવી રીતે ઉકેલી આપે છે એ જાણવા તો આ વાર્તા વાંચવી રહી. રસપૂર્ણ વાર્તા!  

માનવીય સંબંધોની વાર્તાઓ:

૧. પોઝીટીવ (કીર્તિકાન્ત પુરોહિત) : માનવીય સંબંધોની વાર્તા. પિતાના અવસાન પછી વિધવા થયેલી માતા માટે જીવનસાથીની શોધ દીકરી ચલાવે છે. વિષય જૂનો, મા-દીકરીના મૈત્રીપૂર્ણ સંબંધનું ચિત્ર સુરેખ, રજૂઆત એકંદરે ઠીક ઠીક.

૨. ઠપકો (કેશુભાઇ દેસાઇ) : લગ્ન પછી પહેલા જ વર્ષે પતિની ના છતાં શીલુબહેને ગર્ભપાત કરાવ્યો અને એ પછી એક પણ બાળક થયું નહીં. પાડોશના બાળકને પેટ ભરીને રમાડવાનો અવસર પણ એમને મળતો નથી. ઘરની દીવાલ પર છબી બની ગયેલા શીલુબહેનના પતિ પ્રવીણભાઈ જોઇ રહે છે,  જાણે ઠપકો આપતા હોય: “ખોટા ઉધામા આ ઉંમરે? આંગળીથી નખ વેગળા એ વેગળા!”  શીલુબહેને શા માટે ગર્ભપાત કરાવ્યો હતો? એક સામાજિક સમસ્યા અને એના પ્રતિ સમાજના અભિગમ વિષે એક સ્ટેટમેન્ટ. વરિષ્ઠ લેખકની કલમે સરસ વાર્તા.         

૩. આંબાનો છોડ (માવજી મહેશ્વરી) : પિતા-પુત્ર સંબંધની વાર્તા. ધનજીના બે દીકરા. મોટો જયંતી ભણીને શહેર જતો રહ્યો છે. એનું ધ્યાન હવે શહેરમાં છે. નાનો દીકરો રાજેશ ગઇ સાલ પરણ્યો અને જુદાં થવાની વાત કરે છે. ગામડે ખેતીમાં મહેનતના પ્રમાણમાં આવક નથી. પાડોશની વાડીના તેજમાલનું પાત્ર  અહીં સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ખેતરમાં વાવેલો આંબાનો છોડ અહીં પુત્રના પ્રતિક રૂપે આવે છે. સૂકાયેલા આંબામાં શ્રદ્ધા રાખીને ધનજી એની માટી ઉપરતળે કરીને પાણી સીંચે છે. અંતમાં રાજેશ વાડીએ આવે છે તે સૂચક છે.

હળવી શૈલીમાં વાર્તાઓ:

૧. કોરોનાની કમાલ (ધીરુબેન પટેલ) : વરિષ્ઠ લેખકની કલમે કોરોનાની પાર્શ્વભૂમિમાં હળવી શૈલીમાં મઝાની હાસ્યકથા.

૨. વહેવાર (ડો. દિનકર જોશી) : માણસના મૃત્યુ પછી કરવા પડતાં લૌકિક કાર્યોમાં પણ લોકો હુંસાતુંસી કરતાં હોય છે. વરિષ્ઠ લેખકની કલમે હળવી શૈલીમાં મજેદાર વાર્તા.

૩. મરકટ ને વળી મદિરા પીએ! (વિજય શાસ્ત્રી) : એક અહંકારી સ્ત્રીની હળવી શૈલીમાં મજેદાર હાસ્યકથા.

૪. સાષ્ટાંગ દંડવત (તારિણીબહેન દેસાઇ) : કુટુંબનિયોજન વિષે અજ્ઞાની અને છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ કરતાં ગામડિયાઓની વાત વિનોદી શૈલીમાં. જૂનો વિષય. એક સરસ સંવાદકથા અથવા એકાંકી બની શકે.    

૫. શોર્ટકટ ( નીતિન ત્રિવેદી) : થ્રિલર-કમ-હાસ્યવાર્તા.

ફેન્ટેસી વાર્તા:

૧. મીડાસ સ્પર્શ (સ્વાતિ ધ્રુવ નાયક) : “જે વસ્તુને સ્પર્શ કરું તેનું સોનું થઇ જાય.” એવું વરદાન મેળવનારા રાજા મિડાસની વાર્તા ઘણી જાણીતી છે. રાજા મિડાસ પછી તો પેટ ભરીને પસ્તાય છે. કંઇક એવી સ્થિતિ અહીં કલાકાર સમર્પણની થાય છે. પૈસા પાછળની એની આંધળી દોટ એને પરિવારથી વિખૂટો પાડી દે છે. નાયકના મનોમંથનનું આલેખન સારું થયું છે. વાર્તાનો પ્લોટ સારો બન્યો છે.   

૨. કામ (રવીન્દ્ર પારેખ) : ફેન્ટેસી એવી કે પાડોશના રાજ્યના વૈજ્ઞાનિકે ચંદ્રસેનના રાજ્યમાં માણસને ભૂખ ના લાગે એવું રસાયણ નદીના પાણી ભેળવી દીધું. ભૂખ ના લાગી એટલે ખોરાકની જરૂર નહીં અને માટે આવકની જરૂર નહીં પરિણામે રાજ્યમાં કોઈને કામ કરવાની જરૂર ના રહી. સહુ કામધંધો છોડી ઘેર બેઠાં. રાજ્યનું અર્થતંત્ર પડી ભાગ્યું. રાજ્યમાં હાહાકાર મચી ગયો.

માઇનસ પોઈન્ટ: ભૂખ ના લાગે એટલે શરીરમાં ખોરાક જાય નહીં. શરીરનું ચક્ર અટકી જાય કે નહીં? આવક માટે માણસને કામ કરવાની જરૂર ના રહી એ ઠીક પણ માણસ આનંદ-પ્રમોદ કરે કે નહીં? હરવાફરવા જાય કે નહીં? એને ઉર્જા ક્યાંથી મળે? આ દિશામાં પૂરતો વિચાર થયો હોય એવું વાર્તામાં જણાતું નથી. રાજ્યનું અર્થતંત્ર બંધ પડે ત્યારે પડે પણ માણસનું શરીર યોગ્ય રીતે કામ કરતું બંધ પડી જાય. એ માંદો પડે એનું શું? 

જૂનાં વિષય અને પરંપરાગત રજૂઆતની વાર્તાઓ:

૧. વિજયોત્સવ (ભી.ન.વણકર) : એકતાની શક્તિ જેવો જૂનો વિષય; સામાન્ય રજૂઆત. ગામડામાં ગ્રામપંચાયતની ચૂંટણીની વાર્તા. એક આદર્શવાદી યુવાન સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં જનજાગૃતિનું કામ સેવાભાવે કરતો હોય. એના પ્રોત્સાહનના કારણે શ્રમજીવીઓ એક થઇને જમીનદારોના ઉમેદવારને પરાજય આપીને પોતાના ઉમેદવારને જીતાડે છે.  

૨. ઘરકેદ (રાજેશ અંતાણી) : કેવળ પોતાની ઈચ્છાથી પસંદગીના પાત્ર જોડે લગ્ન કર્યું એટલે માતા-પિતાએ દીકરી જોડે સંબંધ કાપી નાખ્યા! હજી આજના સમયમાં પણ સ્ત્રીને જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા આપણે આપતાં નથી!  સ્ત્રીઓની સ્થિતિ વિષે એક સ્ટેટમેન્ટ. 

૩. પરત (વિરંચિ ત્રિવેદી) : વિષય: સ્નેહબંધન. કોઇક કારણથી પતિ-બાળકનો ત્યાગ કરીને નાયિકા પિયર ચાલી જાય છે. પિયરમાં ઘરના વાડામાં એક વૃક્ષ પર વાંદરીને પોતાના બચ્ચાં જોડે હેત કરતાં જોઇને નાયિકાને પોતાના બાળકની યાદ આવે છે. જૂનો વિષય, પરંપરાગત રજૂઆત.

અસ્પષ્ટ પૂર્વધારણા:

હું ઇમને શું જવાબ આલીશ? (સુમંત રાવળ) : આ વાર્તાની પૂર્વધારણા સ્પષ્ટ નથી. વાર્તાના પ્રારંભના બે તૃત્યાંશ ભાગમાં કથક પોતાની પત્નીને શું બીમારી હતી અને કેવા સંજોગોમાં એણે વિષપાન કર્યું તેની વિગતો આપે છે. એ પછી બાકીના એક તૃત્યાંશ ભાગમાં હોસ્પિટલમાં દાખલ થયેલાં એક ચાર વર્ષના છોકરાનાં આઘાતજનક મૃત્યુની વાત કરે છે. આમ બે કરુણતાઓ એક વાર્તામાં ભેગી થઇ છે. એવું કહી શકાય કે “જીવન ક્ષણભંગુર છે.” એવો સંદેશ આપતી વાર્તા.   

વાર્તાઓ નથી, રેખાચિત્રો છે:

૧. ગૂડ મોર્નિંગ મિસિસ દેસાઇ! (વર્ષા અડાલજા) : આ રચના વાર્તા નથી; એક નવપરિણીતાના ભાવવિશ્વનું ચિત્ર છે. ખરેખર, એક કન્યા પરણીને સાસરે જાય ત્યારે એનું વિશ્વ કેવું સમૂળગું બદલાઇ જતું હોય છે?  કેટલું બધું પાછળ છૂટી જતું હોય છે! વરિષ્ઠ વાર્તાકારની કલમે એક કોડીલી કન્યાનું સુરેખ સ્મૃતિચિત્ર.

૨. વિલાસ (ડો. પિનાકિન દવે) : આ રચના વાર્તા નથી પણ એક એવા માણસનું રેખાચિત્ર છે જે મુક્તપણે મોજશોખ કરવાના શોખીનોને સેવા પૂરી પાડવાનો વ્યવસાય કરે છે. એ માણસનું પાછલું જીવન યાતનામય બતાવીને લેખક એવો સંદેશો આપે છે કે આવું કામ અને બેફામ જીવનનું પરિણામ કલેશકારક જ હોવાનું.  

૩. અતીતરાગના ડંખ (ડો. કિશોર પંડ્યા) : સતત પ્રવૃત્તિમય રહેતા માણસને બીમારીમાં ખાટલે પડ્યા રહેવાનું આકરું લાગતું હોય છે; એવા કે માણસનું રેખાચિત્ર.

વાર્તાઓ નથી, સ્થિર શબ્દચિત્રો છે.

૧. ચોકડીવાળું શર્ટ (દલપત ચૌહાણ) : આ રચના વાર્તા નથી. કોરોના મહામારીના પગલે સર્જાયેલી ગંભીર અને કરુણ સ્થિતિનું શબ્દચિત્ર છે.

૨. પ્રશ્ન કાફે (દિવાન ઠાકોર) : માનસિક અસ્થિર માણસોના દવાખાનાનું શબ્દચિત્ર. ત્રણ દર્દીઓ અને એક પરિચારિકા. સહુના એકબીજા જોડે અતાર્કિક સંવાદો. વાર્તા બનતી નથી કારણ કે ક્યાંય કશું બનતું નથી; એક સ્થિતિનું ચિત્રણ છે.

૩. છેલ્લો વિસામો (ડો. નવીન વિભાકર) : એક ગિરિમથક પર “ધ લાસ્ટ રીટ્રીટ” (છેલ્લો વિસામો) નામની સંસ્થા છે. અહીં અસાધ્ય બીમારીના ભોગ બનેલા દર્દીઓ જીવનનો છેલ્લો તબક્કો વીતાવવા માટે આવીને રહેતાં હોય છે. સમીર નામનો એક યુવાન મસમોટું દાન આપીને પોતાના છેલ્લા દિવસો વીતાવવા માટે આવે છે.

--કિશોર પટેલ; 08-12-2020; 13:29    

###

 

 

 


No comments: