Wednesday 13 November 2019


સાવ અચાનક (અનિલ વ્યાસ) : મારી નોંધ (૯૧૦ શબ્દો)
પ્રસ્તાવનામાં મેં કહ્યું છે એમ આ એક કહેવાતા નિષિદ્ધ પ્રેમસંબંધની વાર્તા છે.
વાર્તાનો વિષય હટ કે, વિલક્ષણ અને આઘાતજનક છે.
સંયુક્ત પરિવારમાં સાથે રહેતાં સગાં ભાઈ-બહેન કે પિતરાઈ કે મોસાળ પક્ષના ભાઈ-બહેન વચ્ચે મુગ્ધાવસ્થામાં ઉત્પન્ન થતું પરસ્પર આકર્ષણ કે પ્રેમ તદ્દન અસ્વાભાવિક છે એવું નથી. આમ થવું નૈસર્ગિક છે. વિકસિત સમાજમાં આવા સંબંધોને માન્યતા નથી મળતી. “ગાંડા, એ તારી બહેન થાય!” એવી ટકોર, ચેતવણી કે ધમકી આપીને પણ આવા સંબંધો પર કુટુંબીજનો અને સમાજ અંકુશ રાખે છે. અનિલ વ્યાસની પ્રસ્તુત વાર્તા “સાવ અચાનક” માં એક મસિયાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રગટેલા આવા એક વિશિષ્ટ પ્રેમસંબંધની વાત છે.
// વાર્તાની રચનારીતિ //
વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઈ છે.
કથકને ફોન પર કહેવાય છે કે એક પૂજા નામની સ્ત્રીનું માર્ગ-અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું છે અને લાશની ઓળખવિધિ કરવા એણે હોસ્પિટલમાં પહોંચવાનું છે. 
કથક હોસ્પિટલ પર પહોંચે અને લાશની ઓળખવિધિ પતાવ્યા પછી એના અંતિમસંસ્કાર માટે લાશને ભઠ્ઠીમાં ધકેલવામાં આવે એટલી ઘટના દરમિયાન વચ્ચે ચાલતાં કથકના મનોવ્યાપારથી વાર્તાનું ચણતર થયું છે. આ ક્થકનો મૃત પૂજા જોડે કેવો પ્રેમસંબંધ હતો એની વાત થાય છે. 
// પાત્રાલેખન //
કથકે  (અભયે) પૂજાને “હું તને પ્રેમ કરું છું.” કે “હું તને પ્રાણથી અધિક ચાહું છું.” એવું ક્યાંય ક્યારેય કહ્યું નથી. પણ એમ છતાં વાચક આ સત્ય જાણી શકે છે, સમજી શકે છે એમાં લેખકની કમાલ છે. સામે પક્ષે પૂજા જાહેર રીતે સ્વીકાર કરતી નથી પણ અભય એને ચાહે છે એ વાત જાણે છે, સમજે છે અને પોતે પણ એક અનન્ય લાગણી અભય માટે રાખે છે એ સત્ય પણ વાચક અનુભવે છે.
અભય અને પૂજા બંનેના વ્યક્તિત્વનું  વેગવેગળું આલેખન સુપેરે થયું છે. અભય અંતર્મુખી છે, શાંત અને ડાહ્યો છે. પૂજાનું વિપુલ જોડેનું ચક્કર પરિવારમાં જાહેર ના થઇ જાય એ માટે પોતે મહેન્દ્રમામાનો માર પણ ચૂપચાપ ખાઈ લે છે. પૂજા બહિર્મુખી છે, ચંચળ અને નટખટ છે. અભયના લગ્નપ્રસંગે પણ એ અભય જોડેની પોતાની નિકટતાનું પ્રદર્શન કરવા જેટલી સાહસી અને હિંમતવાન છે. એક તરફ અભયને અડીને ઊભા રહીને એના વાળમાં હાથ ફેરવે છે અને બીજી તરફ પૂર્વપ્રેમી વિપુલને યાદ કરી અભયના મનપ્રાણમાં આગ પણ લગાડી દે એવી તોફાની છે.  
આવા સંબંધનો નિષેધ કરવા માટે જરૂરી એવા અન્ય પાત્રો વાર્તામાં ઊભાં કરવા આવશ્યક હતાં. લેખકે એ માટે અન્ય પાત્રોની ફોજ ઊભી કરી છે. એ બધાં પાત્રો એકમેકથી જુદાં પડે છે. કોઈ પાત્રનું લેખકે વર્ણન કર્યું નથી કે અમુક આવો હતો અને અમુક તેવો હતો. નાનાં નાનાં સંવાદો કે સંદર્ભોથી જ આ બધાં પાત્રો ઊભાં થાય છે. 
૧. સુનીલ (પૂજાનો પતિ):
ફોન પર પૂજા અભયને પોતાના પતિ સુનીલ વિષે કહે છે: “સારું છે કે એ લોહી દેખી શકતાં નથી; બપોરે ઘેર આવ્યા હોય તો પણ મને બેડરૂમમાં ઘસડી જાય! આપણી વચ્ચે લાગણી છે પણ ક્યારેય આપણે એવું કર્યું નથી, તક હતી તો પણ.”
આટલા એક સંવાદમાં લેખકે બે વાત સ્થાપિત કરી દીધી:  ૧.પૂજાના પતિનું પાત્રાલેખન એક જ વાક્યમાં થઇ ગયું: એની જાતીય ભૂખ વિષે વાત થઇ અને લોહી ના જોઈ શકવાની નબળાઈનો ઉલ્લેખ પણ આવી ગયો.  અને ૨. અભય જોડેના પ્રેમસંબંધનો  પૂજા દ્વારા એકરાર પણ થઇ ગયો.
૨. સોનલ (અભયની પત્ની):
પૂજા જોડે ફોન પર વાતો થયા પછી અભય હતાશામાં દીવાલ સાથે હાથ અફાળે છે.  અવાજ સાંભળી બહાર દોડી આવેલી સોનલ દીવાલ પર લોહીના ડાઘા અને અભયના હાથ પરના ઉઝરડા  જોઇને પૂછે છે: “પાછો અમેરિકાથી ફોન આવ્યો હતો?” આટલા નાનાં સંવાદથી સોનલનું પાત્ર ખડું થાય છે. પૂજા પ્રત્યેની પતિની અંતરંગ લાગણીનો એણે સ્વીકાર કર્યો છે, પતિને એણે એની નબળાઈ જોડે સ્વીકારી લીધો છે. સમાજમાં આવી ઘણી સ્ત્રીઓ મળી આવશે જેમણે પોતાના પતિના ભૂતકાળને તંદુરસ્ત અભિગમથી જોયો છે.
૩. બેબીમાસી : અભય અને પૂજા વચ્ચેના સંબંધને સાચી રીતે સમજનાર એક પાત્ર. કથકને મહેન્દ્રમામાના મારમાંથી એ જ બચાવે છે.
વડીલોમાં મહેન્દ્રમામા અને માસા ગિરીશચંદ્ર (પૂજાના પપ્પા) એમ બે પાત્રો વચ્ચે પણ નોંધનીય તફાવત લેખકે રાખ્યો છે. ગિરીશચંદ્ર સ્વભાવે એકદમ ઋજુ અને સાવ ઓછાબોલા છે જયારે મહેન્દ્રમામા ગુસ્સાવાળા છે. ઉંમરલાયક ભાણેજને મેથીપાક આપવામાં એ ખંચકાટ અનુભવતા નથી. ચંદ્રિકામાસી, શરદમાસા, હેમામામી અને મામાનો દીકરો ધીરેન: આ ચાર જણા માનતાં કે અભય-પૂજા વચ્ચે છીનાળું હતું કે રાસલીલા હતી. ધીરેન તોછડો અને આખાબોલો છે. પૂજા બાબતમાં કથક પર આક્ષેપો કરવામાં એ ઘણો જ બોલકો છે. કથકની તરફેણ કરનારાઓને એ રોષપૂર્વક પૂછે છે: “એ કાનુડો અને હું કાગડો?” લાશની ઓળખવિધિ સમયે તો એને ખુંપરા જેવી દાઢી અને લાલ આંખોવાળો બતાવીને લેખકે બીભત્સ રસ નિર્માણ કર્યો છે.

યાદગાર પ્રસંગો: ૧. અભય પૂજાને સ્વપ્નમાં જુએ છે ને પછી દિવસે નદીકિનારે દોડતી આવતી પૂજાને બાંહોમાં ભરી લેવા એ હાથો ફેલાવી ઊભો રહે છે. વર્ષો પછી ટાઈટેનિક ફિલ્મમાં અદ્દલ એવું દ્રશ્ય જોઈ એની આંખોમાં પાણી આવી જાય છે. ૨. પૂજાને ગુસ્સામાં લાફો માર્યા પછી અભયને પશ્ચાતાપ થાય છે. બસસ્ટેન્ડ પર એક અજાણ્યા માણસ પાસે પૂજાને લાફો માર્યાની કબૂલાત કરી એ પોતાના હૈયા પરનો ભાર હળવો કરવા ઈચ્છે છે.      
નોંધનીય અભિવ્યક્તિ:   //...વાક્ય અધૂરું મૂકી મને વળગી પડતી. સૂકી ધરતી પર પડતાં વરસાદી ફોરાં જેવું લાગતું. // એની સાથે સૂક્ષ્મ સ્તરે જોડાયેલો સ્નેહ એ પછીના વર્ષોમાં મારી અંદર કોઈ બંધ દાબડીમાં સાચવી રાખી હું જિંદગીની ગલીકુંચીઓ ફરતો રહ્યો.// મારા વાળમાં આંગળીઓ ફેરવતાં એણે પૂછ્યું, કેમ છે તું? વચ્ચેના વર્ષો સાવ ઓગળી ગયાં.// ‘કેમ છે તું?’ એ સવાલ સાંભળતાં ઈશ્વરના આશિષ જેવું અનુભવાયું.// પૂજા, તારે પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. એ હું કરીશ.// 
માઈનસ પોઈન્ટ:
૧. વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઈ છે પણ પહેલા જ ફકરામાં સરતચૂકથી ત્રીજા પુરુષનો ઉપયોગ થયો છે.
“પૂજા મારાં સગાં માસીની દીકરી એટલે મારા હેં! ક્યાં? એક્સિડેન્ટ કઈ રીતે થયો? એ બધા પ્રશ્નો લબડી પડેલા કરોળિયાના જાળાની જેમ એના ગળામાં ચીકણા થઈને ચોંટી ગયેલા.” (“એના” ને બદલે “મારા” જોઈએ.)
૨. બીજાં અનેક મિત્રોએ નોંધ્યું છે એમ મામા-મોસાળ પક્ષના સગાંવ્હાલાંઓનાં લશ્કરમાં “ઈલાફોઈ” ક્યાંથી ટપકી પડ્યાં? એક વાર નહીં, બે વાર એમનો ઉલ્લેખ થાય છે.      
એકંદરે નોખી, નોંધનીય અને નમૂનેદાર તેમ જ સરળ, સ્પષ્ટ અને સશક્ત વાર્તા. 
-કિશોર પટેલ.
###
સોમવાર, 05 ઑગસ્ટ 2019; 12:07 ઉત્તર મધ્યાહ્ન    

No comments: