Wednesday 13 November 2019


તું આવજે ને (કિરીટ દુધાત) : મારી નોંધ
એક નિષ્ફળ પ્રેમકથાની પાર્શ્વભૂમિમાં સરેરાશ પુરુષની માનસિકતાનું સશક્ત આલેખન.
આ વાર્તાને આપણે રચનારીતિની દ્રષ્ટિએ જોઈએ.
પાત્રાલેખન / પરિવેશ / પ્રસંગયોજના / ચરમસીમા / શીર્ષક  
નાયક:
વાર્તા પહેલો પુરુષ એકવચનમાં કહેવાઈ હોવાથી અને નાયક ઓફિસમાં બોસ હોવાથી એના નામોલ્લેખ વિના ચાલી ગયું છે. લેખકે નાયકનું નામ આપ્યું નથી પણ એ સવર્ણ, ઉજળિયાત કોમનો હોય એવું જણાય છે. નાયિકાના નામ પરથી (સુમી ગામીત) એ આદિવાસી કોમની હોવી જોઈએ એવું કહી શકાય. આમ નાયક અને નાયિકા વચ્ચે લેખકે ઉજળિયાત-આદિવાસી જેવો વર્ણભેદ અને ઓફિસમાં અધિકારી અને કર્મચારી એવો વર્ગભેદ રાખ્યો છે.
જ્ઞાતિબાધનું કારણ આપી નાયક લગ્ન નહીં થઇ શકે એવું શરૂઆતમાં જ સ્પષ્ટ કરે છે. એ એવું પણ કહે છે કે “અહીં ના આવીશ, કોઈ સારો છોકરો જોઇને પરણી જા, બદલી કરાવી લે,” વગેરે. આ વાતો એના ચારિત્ર્યની શુધ્ધતા સાબિત કરે છે.
નાયક લગ્નની દિશામાં વિચારતો નથી. એ દિશામાં એણે કોઈ પ્રયત્ન કર્યો હોય એવું પણ જણાતું નથી. એક પણ વાર “બાને કે બાપુજીને વાત કરીશ.”;  કે “એમને વાત કરી છે પણ તેઓ માનતા નથી.” જેવો ઉલ્લેખ પણ નથી. ઊતરતી કોમની કન્યા જોડે લગ્ન કરવા નથી એ બાબતે નાયક કદાચ પહેલેથી જ સ્પષ્ટ હશે એવું લાગે છે.
રવિવારે જીપ લઈને દૂર દૂર ફરવાનો ક્રમ એમણે રાખ્યો હતો એની પાછળ “એક ગણતરી એવી પણ ખરી કે પરિચિત લોકો અમને જુએ નહીં.” કહીને લેખક  એક સ્ટેટમેન્ટ કરે છે સ્ત્રી-પુરુષના સંબધોને જોવાની આપણી સામાજિક દ્રષ્ટિ વિષે.  
નાયિકા:
પહેલાંના અધિકારીના કડવા અનુભવ પછી એક સજ્જન અધિકારીથી નાયિકા પ્રભાવિત થઇ હોય કે નાયક એલિજિબલ બેચલર હોવાથી આકર્ષિત થઇ હોય એ સ્વાભાવિક જણાય છે. નાયકના ક્વાર્ટર પર સુમી સાથી કર્મચારી મહિલાએ ના પાડી હોવા છતાં સ્વેચ્છાએ જાય છે એ વાત આજની યુવતીની હિંમત અને આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે.  “મને હલકી તો નથી ધારી લીધી ને?” આવું નાયિકા પૂછે છે ત્યારે લેખક એક સ્ટેટમેન્ટ કરે છે સ્ત્રીઓની રીતભાતને મૂલવવાની આપણી સામાજિક દ્રષ્ટિ વિષે.  
નાયકના ક્વાર્ટર પર સાફસફાઈ કરવી કે ઘરવખરી પસંદ કરવી વગેરે નાયિકાના સ્ત્રીસહજ ગુણો છે, જેનાથી નાયક પ્રત્યેની એની નિકટતા અને આત્મીયતા પ્રગટ થાય છે.
પ્રસંગરચના:
૧. પહેલી મુલાકાતમાં નાયકની ઓફિસમાં સુમીનું બેસવાની ના પડીને પાડીને અદબ વાળીને ઊભા રહેવામાં એની અક્કડતા અને પહેલાંના અનુભવોની ઝલક મળે છે. છેલ્લી મુલાકાતમાં સુમી વિદાય લેવા જ આવી છે. એ સારી રીતે જાણી ગઈ છે કે નાયક જોડે એનું ભવિષ્ય નથી, એ જાણી ગઈ છે કે પ્રેમની રમતમાં એ દાવ હારી ગઈ છે.  
૨. ઝૂંપડીવાળો પ્રસંગ વાર્તાની હાઈલાઈટ છે; આ પ્રસંગ શૃંગારપ્રધાન છે. પાર્શ્વભૂમિમાં ડોસી કોઈ લોકગીત ગાય છે. નાયક નાયિકાના માથામાં તેલ નાખી વાળ ચોળી આપે છે; આ દ્રશ્ય અજબગજબનું  સુંદર છે.           
૩. અંતમાં “લે, ભોગવી લે, ખાતરી કરી લે!” પ્રસંગથી લેખક કહેવા માંગે છે કે આ પ્રેમ પ્રકરણમાં, વીતેલા સમયમાં બંને વચ્ચે શારીરિક સંબંધો થયાં નહોતાં; જો કે ફરવા ગયા તે પ્રસંગે ડોસીના ઝૂંપડીમાં નાયિકાના માથે નાયક તેલ ચોળી આપે છે એ પ્રસંગ બંને વચ્ચેની સ્વાભાવિક નિકટતા દર્શાવે છે. એ પછી અંતમાં “ભોગવી લે” વાળી વાત મૂકીને લેખક (ક): સાબિત કરવા ઈચ્છે છે કે બંને શારીરિક રીતે અણીશુધ્ધ રહ્યાં હતાં; જે સ્પષ્ટ કરવું કદાચ જરૂરી નહોતું; અથવા (ખ): કદાચ ફરી એક વાર લેખક અહીં સ્ટેટમેન્ટ કરે છે પુરુષોની હલકી માનસિકતા વિષે કે લગ્ન પહેલાં કોઈ છોકરી પુરુષ જોડે સંબંધ બનાવે એટલે એ હલકા ચારિત્ર્યની.  અથવા (ગ): સ્ત્રી સેક્સ કરે છે પ્રેમ મેળવવા અને પુરુષ પ્રેમ કરે છે સેક્સ મેળવવા માટે.
ચરમસીમા:
વાર્તાના અંતમાં લેખકે ભારે જુગુપ્સાપ્રેરક પ્રસંગ રચ્યો છે.  પાંચ વર્ષે પાછા ફરેલા નાયકની સ્મૃતિમાં ક્વાર્ટરનું જે રમણીય દ્રશ્ય હોય એના લેખક ભાંગીને ભુક્કા કરી નાખે છે અને બીભત્સ રસ ઉપજે એવું શબ્દચિત્ર દોર્યું છે નાયકની જગ્યાએ આવેલા નવા અધિકારીનું, એના રહેણીકરણીનું, એના આચરણનું. નાયક જોડે કદાચ અહીં કવિન્યાય થયો છે; નિર્દોષ અને પ્રેમાળ સુમીના પ્રેમને તરછોડીને ગયો હોય એની સાથે બીજું શું થાય? અંત સુધી પહોંચતાં વાંચક થથરી ઊઠે કે સુમી કદાચ બીજે પરણી ગઈ હોય કે સુમી બીજે સુખી હોય એવો અંત આવે પણ લેખકે જે અંત આપ્યો છે તે અનપેક્ષિત, આંચકાજનક અને આઘાતજનક છે. 
શીર્ષક:
શીર્ષક “તું આવજે ને?” યથાયોગ્ય છે. “તું આવજે ને?” એવો સાદ નાયકને બોઝિલ વાતાવરણમાં હુંફાળો લાગે છે પણ મારા મતે એ સાદ નાયકને સતત પીડનારો બની રહેવો જોઈએ; શું જોવા આવ્યો હતો? સુમીનો પ્રેમ સાચો હતો કે બનાવટી? લે, લેતો જા!
###
(૬૬૭ શબ્દો; લખ્યા તારીખ: બુધવાર, 19 જૂન 2019; 8:56 પૂર્વ મધ્યાહ્ન)
       
    

No comments: