Wednesday 8 January 2020

નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે


નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ:
(૩૦૨ શબ્દો)

ઇસવી સન ૨૦૨૦ની શરૂઆત જુદા જુદા વિષયની ચાર સરસ વાર્તાઓથી.

શબદ (હિમાંશી શેલત) : આ જાણીતા અનુઆધુનિક વાર્તાકાર આ વાર્તા વડે દેશની હાલની રાજકીય પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે. લાંબા સમય પછી ગુરુને મળવા આવેલી શિષ્યા જાણવા માંગે છે કે ગુરુએ લખવાનું શા માટે બંધ કર્યું છે. ગુરુ કહે છે, સાચા, શુદ્ધ અને ટકોરાબંધ શબ્દો ક્યાં છે? શુભંકર પૂછે છે: “રાજકીય હત્યાનો આરોપી નેતા ‘કરુણા’ શબ્દ વાપરે અને હું ‘કરુણા’ શબ્દ વાપરું એ બેમાં ફરક કેવી રીતે કરવો? અહીં શબ્દો જોડે રમત કરતાં રાજનેતાઓ વિરુદ્ધ શુભંકર આક્રોશ વ્યક્ત કરે છે. સરસ વાર્તા.      

કૂંચી (ધીરેન્દ્ર મહેતા) : આ વાર્તામાં સાંપ્રત સમયની સમસ્યાનું આલેખન થયું છે. નોકરીવ્યવસાય નિમિત્તે વિદેશ વસતાં લોકોની મુખ્ય સમસ્યા એ છે કે દેશમાં વડીલ/વડીલોને એકલાં કેમ કરીને મૂકવાં? વાર્તામાં મનુના પિતા સંતાનોને મૂંઝવણમાં ના મૂકતાં પોતે રસ્તો કરી લે છે. સારી વાર્તા.

આશિયાના (બિપીન પટેલ) : આ વાર્તામાં સમાજના નીચલા તબક્કાના માણસો જોડે થતાં અન્યાય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પર્યાવરણશુદ્ધિ માટે ગરીબોના આવાસ માટેના પ્લોટનો ભોગ લેવાય છે. અંતમાં ભૂરી એની મેડમને જયારે એમ કહે કે “તમારા વિશ્વાસે તો મારું વહાણ ચાલ્યું છે, અત્યાર સુધી.” ત્યારે હકીકતમાં એ એમ કહે છે કે અમારા જેવા વંચિતો પાસે વ્યવસ્થાની સામે વિરોધ કરવાનો કે વિદ્રોહ કરવાનો પર્યાય જ ક્યાં બાકી રાખ્યો છે તમે લોકોએ? સારી વાર્તા.  

રૂપાંતર (કોશા રાવલ) : આભાસી દુનિયામાં મસ્ત અને વ્યસ્ત રહેતી એક સેલેબ્રેટી જ્યારે વિશ્વથી વિખૂટી પડી જાય છે ત્યારે શું થાય છે?  દરિયા વચ્ચે તોફાનના પગલે ધનાઢ્ય વર્ગની તોરલનો બચાવ એક લાઇફબોટ થકી થાય છે. નાનકડા એક ટાપુ ઉપર એ એકલી પડી જાય છે, જોડે છે જહાજ પર કામ કરતો એક ગરીબ આદિવાસી યુવક નિયો. આઠ દિવસ આ યુવકના સહવાસ દરમિયાન તોરલના જીવન પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી રૂપાંતર આવે છે. એ અર્થમાં વાર્તાનું શીર્ષક સાર્થક થાય છે. આદિવાસી ભાષામાં ગવાયેલું ગીત “રારે રારે રારે ...” આ વાર્તાની હાઇલાઇટ. એકંદરે સરસ વાર્તા.

###

કિશોર પટેલ;  બુધવાર, 08 જાન્યુઆરી 2020;1:05 ઉત્તર મધ્યાહ્ન   

No comments: