Wednesday 13 November 2019


ટૂંકી વાર્તા “વાડો” (મોહન પરમાર) એક નોંધ: કિશોર પટેલ
ગુજરાતી ટૂંકી વાર્તાક્ષેત્રે અનુઆધુનિક લેખકોમાં મોહન પરમાર (જન્મ:૧૯૪૮) એક અગ્રગણ્ય વાર્તાકાર છે.  ૧૯૮૦માં પ્રસિદ્ધ થયેલાં એમના પહેલાં જ વાર્તાસંગ્રહ “કોલાહલ” થી તેઓ પ્રકાશમાં આવ્યા. ઘણાં વિવેચકોએ નોંધ લીધી કે ગુજરાતી સાહિત્યમાં બદલાવ આવી રહ્યો છે. એ પછી ‘નકલંક’(૧૯૯૧), ‘કુંભી’(૧૯૯૬) અને ‘પોઠ’ (૨૦૦૧) એમ એમના કુલ ચાર વાર્તાસંગ્રહો આવ્યાં છે. પ્રસ્તુત વાર્તા “વાડો” એમના નકલંક સંગ્રહમાં પ્રકાશિત થઇ એ પછી એક કરતાં વધુ સંપાદકોએ પોતપોતાના સંગ્રહોમાં એને સ્થાન આપ્યું છે.
આ ‘વાડો’ વાર્તામાં એક જ નાનકડી ઘટના છે, વાડામાં છીંડું પાડીને ઘુસવા માંગતા નોળિયાને રોકવાની મથામણ ખેમો કર્યા કરે છે ને એમાં એને સરિયામ નિષ્ફળતા મળે છે. આ સમગ્ર ઘટના દરમિયાન એની બગડતી મન:સ્થિતિનું આલેખન કરવામાં લેખક સફળ રહ્યા છે.
# વાર્તામાં વાડો અને નોળિયો એમ બે પ્રતીકોનું આયોજન લેખકે કર્યું છે.  વાડો એટલે ઘર (ખેમાનો સંસાર) અને નોળિયો એટલે એક બહારનો માણસ (ખલ-પાત્ર) જે ખેમાની પત્ની પુની જોડે નિકટતા સાધવા ઈચ્છે છે. વાર્તામાં નોળિયાના વાડામાંથી ઘરમાં ઘૂસવાના પેંતરા અને એને રોકવાના ખેમાનાં હવાતિયાં એવી વાત રસપ્રદ રીતે કહેવાઈ છે.
# ગ્રામ્ય પરિવેશની આ વાર્તામાં લેખકે પ્રકૃતિવર્ણન સ્વાભાવિક રીતે વણી લીધું છે એટલું જ નહીં પણ કથાનાયક ખેમાની માનસિક અવસ્થાનું ચિત્રણ કરવા માટે પણ પ્રકૃતિવર્ણનનો કુનેહપૂર્વક ઉપયોગ કર્યો છે.
ઉદાહરણ: ખેમાને ગુંદા બહુ ભાવતાં પણ આજે ગુંદાનાં ઝૂમખાં એને ગૂંચવાડાભર્યાં લાગ્યાં. 
# નોળિયાનું પ્રતિક અને પુનીનું મનસ્વી વર્તન: ખેમો જાણે છે કે  નોળિયાને ઘરમાં પ્રવેશવાના ઘણાં રસ્તા છે. પછીતેથી ચઢીને નળિયાની નીચેથી ઘરમાં ઘુસી શકે, ઘરની આગળના ભાગમાં થઈને ઓસરી વાટે ઘરમાં આવી શકે, અથવા ભીંતમાં દર પાડે, ફૂંકી ફૂંકીને પોપડાં ખોતરે: ટૂંકમાં પુની પર પોતાનો કોઈ કાબુ નથી અને બહારનો માણસ ગમે ત્યારે, કોઈ પણ રસ્તે પુની સુધી પહોંચી શકે છે.
# પુની પર કાબુ રાખવાના ખેમાના હવાતિયાં જુઓ:
પુની ખડખડાટ હસી પડી. 
“ઈમાં હહવાનું શું હતું રાંડ! આ વાડમાં ભરાયો છ અ ત્યાં સુધી હારું છે. ઘરમાં પેહશે ને તો હહવાનું નેકળી જાહઅ...”
પુનીએ બે હોઠ ભીડીને હસવાનું ખાળી લીધું.
આમ કહીને ખેમો પુનીને ચેતવણી આપે છે કે મર્યાદામાં રહે. પુની પણ ઈશારો સમજી જાય છે.
# પણ ખેમો પરાજિત થયો છે. જુઓ પ્રસંગ:
“તીં તો ભારે કરી હોં! એક નાનો અમથો વાડો વાળવામાં તો જાણી એક યુગ પૂરો કર્યો હેં!”
આમ કહ્યા પછીની ખેમાની સ્થિતિનું જે વર્ણન લેખકે કર્યું છે તેનાથી એની વિષમ માનસિક પરિસ્થિતિનો ખ્યાલ ભાવકને આવે છે. 
# માનવીય વિગતો અને પ્રકૃતિવર્ણન વડે ખેમાની માનસિકતાનું ચિત્રણ લેખકે કેવી રીતે કર્યું છે તે જુઓ:
ખેમો હવે રઘવાયો થયો હતો. કેટલાક સમયથી મા બીમાર પડી હતી ને ઢાળિયામાં તેની ખાંસી ખખડતી હતી. ખેમાને તે જેમ ગુંદીનાં  ડાળાં એક બીજા સાથે અથડાય અને જેવો અવાજ થાય, તેવા અવાજની જેમ સંભળાતી હતી. ખેમો લીંબુડીના મૂરઝાયેલા છોડની જેમ મૂરઝાતો જતો હતો. એણે અણગમાથી બારી તરફ જોયું. પુનીનું ડોકું ન દેખાયું એટલે એ વીફર્યો, “જોન અ આ બૈરું! છ અ નોળિયા નો જરાય ભો! નોળિયો ઇનમઅ ધેમઅ ધેમઅ ફૂંક મારી ન અ ફોલી ના ખાય તો મન અ ફટ કેજે!”      
# વાર્તામાં એક પાત્ર છે, પડોશણનું, ભલાની વહુનું. આ પાત્ર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.
એક વાર એ કહે છે, “મી જાણ્યું કઅ તમારા અ ઘરમાં નોળિયો પેઠો’તો, પણ જાળવજો ભૈ!
અને બીજી વાર છેલ્લે એ ખેમાને કહે છે, “પુની ટોપલી લઇ ન અ કચરો નાખવા જતી’તી, તાણ અ ઈની પાછળ પાછળ જતાં ની ઇન અ ભાળ્યો’તો,”
આમ આવા બનાવોમાં લાગતાં-વળગતાંને ખબર આપવાનું, ચાડી ખાવાનું, આગ લગાવવાનું, સાચી-ખોટી સલાહ આપવાનું અને કફોડી સ્થિતિમાં મૂકાયેલાં લોકોનો ઉપહાસ કરવાનું એમ બધાં જ કામ આ ભલાની વહુ અહીં કરે છે. આ પ્રકારના માણસો આપણા ગામડાઓમાં જ્યાં ત્યાં ભટકાતાં હોય છે; આપણા ગામડાંની ટાળી ના શકાય એવી લાક્ષણિકતાઓમાંની આ એક છે.
# વાર્તામાં ખેમાની માનું પાત્ર ખેમાની માનસિકતા ઠેકાણે રાખવાની ભૂમિકા ભજવે છે. પોતાના સંસારમાં આગ લાગ્યાની દહેશતથી ધ્રુજી ઉઠેલો ખેમો સધિયારો શોધતો મા પાસે જાય છે. પણ મા તો ઢળતી ઉંમરે છેક જ અક્ષમ છે, નથી એ ખેમાની સ્થિતિ સમજી શકતી, ઉલટાનું ખેમાને પૂછે છે, “તું અત્યાર સુધી ક્યાં હતો?”  આવો પ્રશ્ન પૂછીને મા એક તરફ પોતાની ફરિયાદ રજૂ કરે છે કે ખેમો પોતાના સંસારમાં રચ્યો-પચ્યો રહે છે ને મા તરફ ધ્યાન નથી આપતો. આ પ્રશ્નનો બીજો અર્થ એવો થાય છે કે તારી બેદરકારીને લીધે જ તારા સંસારમાં લૂણો લાગ્યો છે. 
છેવટે લેખકે નોંધ્યું છે: એક પદાર્થ તરફથી મોં ફેરવીને બીજા પદાર્થ સાથે સહમતિ સાધવામાં જાણે કશો ભલીવાર પડ્યો નહોતો.
કેટલાંક વિવેચકોનો આરોપ છે કે મોહન પરમારની વાર્તાઓમાં રૂપકો અને પ્રતિકોની ભરમાર હોય છે તો અન્ય કેટલાક વિવેચકો આ જ વાતને એમની લાક્ષણિકતા ગણાવે છે.
ટૂંકમાં વાડો એટલે મોહન પરમાર જેવા એક સશક્ત લેખકની ગ્રામ્ય પરિવેશની એક નોંધનીય બળકટ વાર્તા.
###
(724 શબ્દો, લખ્યા તારીખ: શનિવાર, 22 સપ્ટેમ્બર 2018; 07:34 Hrs.)  

    


  

No comments: