Sunday 7 May 2023

શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૨૫ શબ્દો)

પહેલી રોટલી (પન્ના ત્રિવેદી):

નારીચેતનાની વાર્તા. લિલીના માતાપિતા લિલી પાસે કુટુંબના ભલા માટે કુરબાની માંગે છે. લિલીનો પ્રશ્ન એ છે કે એણે શા માટે કુરબાની આપવી જોઈએ?

નોકરીમાં ગોટાળો કર્યાના આરોપ હેઠળ લિલીના પિતા દેવીપ્રસાદ ઘેર બેઠા છે, લિલીનો મોટો ભાઈ સંજય રખડી ખાય છે. શ્રીમંત ઘરમાં પરણાવેલી લિલીની મોટીબહેન રૂપા એક પુત્રને જન્મ આપી મૃત્યુ પામે એ પછી ઘરનાં સહુ રૂપાના બાળકને આગળ ધરીને લિલીને વિધુર બનેવી રવિકુમારનું ઘર માંડવા કહે છે. લિલીને પહેલેથી જ રવિકુમાર માટે અણગમો છે. રવિકુમારે રખડુ સાળા સંજયને ઓફિસમાં કામે લગાડવાની અને સસરાના ઘરની આર્થિક સ્થિતિ સાંભળી લેવાની લાલચ આપી છે એટલે લિલીના માતાપિતાની અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ છે. પણ લિલી સ્વતંત્ર નિર્ણય લે છે, એ કુરબાની આપવાની ના પાડી દે છે. જો કે લિલી પાસે પર્યાય છે, એને પસંદ કરતાં નંદુનો. વાર્તાકારે અંતમાં લિલીને નંદુના ઘર તરફ જતી બતાવી છે. 

લિલીથી નાની બહેન અંજીને મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા “મહાનંદા” વાંચતી બતાવાઈ છે, એમાં દેવદાસીનો ઉલ્લેખ આવે છે. કુટુંબ દ્વારા કન્યાને એની મરજી વિના દેવને અર્પણ કરી દેવાની અને પહેલી રોટલી કૂતરાને નાખવાની બંને પ્રથાઓ કુટુંબના ભલા ખાતર મોટી દીકરીને કુરબાન કરવાની વાત સાથે પ્રતિકાત્મક રીતે સંકળાય છે.

દરિયાનું વૃક્ષ (કાલિન્દી પરીખ):

એક અકસ્માતની શારીરિક અને માનસિક, બંને રીતે ગંભીર અસર. અવનિ અને અવિનાશ પતિ-પત્ની વચ્ચે ગાઢ સ્નેહસંબંધ છે, અવિનાશને ખૂબ બોલવાની આદત છે જેના માટે અવનિ એને કાયમ ટોકતી હોય છે. થવાકાળ એક અકસ્માતમાં અવિનાશને માથામાં ઈજા થઈ અને વાચા સંબંધિત નસને નુકસાન થયું. તબીબોના અનેક પ્રયાસો પછી પણ એની વાચા પાછી આવતી નથી. ના બોલી શકવાને કારણે અવિનાશ દુઃખી છે અને અવિનાશ દુઃખી છે એટલે અવનિ દુઃખી છે.

અવનિની ઈચ્છા છે અવિનાશની આંખોમાં દરિયાનું વૃક્ષ જોવાની. “દરિયાનું વૃક્ષ” એટલે અવિનાશની ખુશીનું પ્રતિક? એવું જ કંઇક.

ભાવનાત્મક રજૂઆત.   

નહિ જાવા દઈએ તમને (જિતેન્દ્ર પટેલ):

લગ્ન માટે અજયે રૂપાને પસંદ કરી ત્યારે જ એણે ચોખવટ કરી હતી કે લગ્ન પછી ડ્રેસ નહીં પહેરી શકાય, ફરજિયાત સાડી પહેરવી પડશે. અજય-રૂપા શહેરમાં રહ્યાં ત્યારે જોડે સાસુ-સસરા ન હતાં છતાં પણ રૂપા માટે ડ્રેસ પહેરવા પર પ્રતિબંધ હતો, સાસુના મૃત્યુ પછી પણ એ પ્રતિબંધ હઠયો નહીં.  “રૂપાબેન, તમે ડ્રેસ કેમ પહેરતાં નથી?” પાડોશીઓ કે મિત્રવર્તુળમાંથી આવતી સહજ પૃચ્છાને રૂપાએ પ્રાણપ્રશ્ન બનાવી દીધો. છેલ્લે છેલ્લે રૂપા રાહ જોવા લાગી કે સસરા હવે ઝાઝું ખેંચે એમ નથી, એ જાય એટલે ડ્રેસ પહેરવા મળે. પણ ડોસાના રિપોર્ટ લઈ આવેલા અજયે રૂપાને ખુશખબર આપ્યા કે ડોસાને પાંચ વરસ વાંધો નહીં આવે. અજયને ખબર નહોતી કે રૂપા માટે એ અશુભ સમાચાર હતા. ડ્રેસ પહેરવા નહીં જ મળે એની ખાતરી થતાં રૂપાએ ડોસાએ કરેલી ઊલટી સાફ કરવા બહેનપણીએ જન્મદિવસની ગિફ્ટ તરીકે આપેલા નવાનક્કોર ડ્રેસનો જ ઉપયોગ કર્યો!

અહીં “ડ્રેસ” ને સ્ત્રીસ્વતંત્રતાનું પ્રતિક સમજીએ તો જ વાર્તાનો કંઇક અર્થ નીકળે. બાકી ડ્રેસની વાત પર આજના સમયમાં આટલું પિંજણ કરીને એક ગંભીર વાર્તા!  સમય અને શક્તિનો કેવો ગુનાહિત વેડફાટ!

હા, આ જ વિષય પર સરસ હાસ્યવાર્તા રચી શકાઈ હોત! અફસોસ, વાર્તાકાર એ તક ચૂકી ગયા છે. 

અંધારી ગલી (જગદીશ પટેલ):

સ્ત્રીસમસ્યાની વાત. સરકારી હોસ્પિટલમાં સ્વીપર અશલો અને વોર્ડબોય મંગો બંને જણા તક મળ્યે સફાઈકામ કરતી લાખી જોડે અડપલાં કરી લે છે. લાખીએ એની વરિષ્ઠ સફાઈકર્મી સવી પાસે આ વાતની જાણ કરી ત્યારે સવીએ એને સલાહ આપતાં કહ્યું કે અહીં તો આવું બધું ચાલ્યા કરે, આ લોકો જોડે થોડાંક નખરાં કરીને રાજી રાખીને એમની પાસે જ કામ કરાવી લેવું.  એક દિવસ હોસ્પિટલના વડા ડોક્ટર દોશી લાખી જોડે દુષ્કર્મ કરે છે અને લાખી સત્તાવાળા પાસે ફરિયાદ કરે એ પહેલાં એને કામ પરથી કાઢી મૂકવાનો હુકમ કાઢે છે.

વાર્તામાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે પુરુષ ભણેલો હોય એટલે સુસંસ્કૃત હોય એવું જરૂરી નથી. બીજી વાત એ કે સ્ત્રી માટે કોઈ જગ્યા સલામત નથી, હોસ્પિટલ પણ.

રજૂઆતમાં કાપકૂપને અવકાશ છે. આરંભમાં લાખી જ્યાં રહે છે તે ઝૂંપડપટ્ટીનું વિગતવાર લાંબુ વર્ણન થયું છે તેની જરૂર નથી.       

ગોદામ (વંદના શાન્તુઈંદુ):

નામ બડે દર્શન છોટે. કહેવાતી વિદ્વાન વ્યક્તિનો અસલી ચહેરો ક્યારેક વરવો હોઈ શકે.  પ્રોફેસર રિપુદમન ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન હતા, એમનાં સંશોધનકાર્ય માટે એમને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક એનાયત થયાં હતાં, પણ એમનો અસલી ચહેરો કંઇક જુદો જ હતો. છાપાંની પત્રકાર સ્મૃતિ એમનો ઇન્ટરવ્યુ કરવા ગઈ અને અનાયસ એને મળી ગયું ગોળનું ગાડું! રિપુદમને પોતાની પત્નીને ઘરની પાછળના ગોદામમાં બંદી બનાવીને રાખી હતી! કારણ? સ્વચ્છતા પ્રતિ રિપુદમનનો  ગાંડપણભર્યો આગ્રહ!

ઘરનો ખાળકૂવો સાફ કરવા અંદર ઉતરેલા સફાઈકર્મીઓ અચાનક સ્લેબ તૂટવાથી ગંદકીમાં સલવાઈ ગયાં ત્યારે ત્યાં હાજર રિપુદમનની પત્નીએ એમની નાની બાળકીને ગંદકીમાં ઊતરીને સમયસર બચાવી લીધી. આ કામ માટે જેનું સન્માન થવું જોઈતું હતું તે પોતાની પત્નીને પ્રોફેસર રિપુદમને ગાંડી ઠેરવી અને ગોદામની ઊંચી ભીંતો પાછળ કાયમ માટે બંદી બનાવી દીધી! સ્મૃતિએ રિપુદમનનો અસલી ચહેરો દુનિયાને દેખાડ્યો.  

સમયપાલન અને સ્વચ્છતા પ્રતિ રિપુદમનનો અતિ આગ્રહ વાર્તામાં શરૂઆતથી જ સ્થાપિત થઈ જાય છે. શ્રીમંત અને પાંચમાં પૂછાતા માણસની જીવનશૈલીનું સરસ આલેખન. પઠનીય વાર્તા.     

લઘુકથા

રાખ (પ્રેમજી પટેલ):

સ્નાન કરતી વિધવાને યાદ આવે મૃત પતિ જોડેની અંતરંગ સ્મૃતિઓ. પણ સ્મૃતિવનમાં લાંબો સમય રાચવાનું એનાં નસીબમાં નથી, દુન્યવી ફરજો બજાવવાની છે.  સંવેદનશીલ લઘુકથા.

--કિશોર પટેલ, 08-05-23; 10:31

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

    

No comments: