Friday 12 May 2023

મમતા એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

મમતા એપ્રિલ ૨૦૨૩  અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૧૪ શબ્દો)

સફાઈ (ભરત મારુ):

અસ્પૃશ્યતા વિરુદ્ધ વિદ્રોહ. મંદિરનો પૂજારી ભીમાને ભગવાનની મૂર્તિનું દર્શન કરવાની મંજૂરી આપતો નથી. ભીમાનો પુત્ર અસ્પૃશ્યતા વિરુદ્ધની ચળવળનો એક લડવૈયો છે. પુત્રના આગ્રહથી ભીમો ઘરમાં રાખેલી ભગવાનની મૂર્તિનું નદીમાં વિસર્જન કરી દે છે. એ સાથે જ લડતના ભાગરૂપે સફાઈકામનો પણ એ બહિષ્કાર કરી દે છે. લડાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એવા ચિહ્નો જણાય છે. રજૂઆતમાં વાર્તાકારે સંકેતો પાસે સારું કામ લીધું છે.    

જાગીને જોઉં તો (ઇમરાન દલ):

અતિવાસ્તવવાદ (surrealism) ની વાર્તા. વધુ પડતું કામ, થાક અને ઉજાગરાને કારણે નાયક સરખી ઊંઘ આવતી નથી. અર્ધજાગ્રત અવસ્થામાં એ જુએ છે કંઈ, પાડોશની કન્યા જોડેની વાતચીતમાં એ સાંભળે છે કંઈ, બોલે છે કંઈ. અનેક પ્રકારની ભ્રમણાઓમાં એ અટવાયા કરે છે. સારી વાર્તા.

*surrealism= અજાગ્રત મનની પ્રવૃત્તિઓને વ્યક્ત કરવાનો દાવો કરનાર કલા કે સાહિત્યનો પ્રકાર; સંદર્ભ: ગુજરાતી લેક્સિકોન. 

સાભાર પરત (જસ્મીન ભીમાણી):

હાસ્યકથા. નવોદિત લેખક પોતાની વાર્તા સામયિકના તંત્રીને સુપરત કરવા જાય એ પ્રસંગે બનતી રમૂજભરી કરુણ ઘટના. નવોદિત લેખકની સામાન્ય વાર્તામાં અસામાન્ય ફેરફારો કરાવ્યા પછી તંત્રી એ વાર્તાનો અસ્વીકાર કરી દે છે. લેખક હતાશ થઈને પાછો વળે છે. વિનોદી આલેખન.

ગાઈડ (હરીશ પાંચોટિયા):

એક નવપરિણીત દંપતી ફરવા નીકળ્યું છે, પણ પતિની એ બિઝનેસ-કમ-હનીમૂન ટુર છે. પતિ ચોવીસ કલાક બિઝનેસમાં વ્યસ્ત રહેવાના કારણે નવોઢા માનસી નાખુશ છે. ટૂરમાં જે ગાઈડ છે એ કોઈકના ઇશારે અથવા કોઈકની સાથે મળીને માનસી પર નજર રાખે છે. અંતમાં ખુલાસો થાય છે કે ગાઈડ તો પોતાની પત્ની જોડે મળીને માનસીની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરતો હતો. પણ માનસીની સમસ્યા ઉકેલવામાં ગાઈડ અને એની પત્નીને શું રસ હોવો જોઈએ? એમનો માનસી જોડે આગળપાછળનો કોઈ સંબંધ તો છે નહીં! એવા તો કેટલાય ટુરિસ્ટ ફરવા આવતાં હોય!  

વાર્તા ગૂંચવણભરી છે, માનસી જોડે પેલા ગાઈડનો શું સંબંધ હતો? એ કોની સૂચના પર કામ કરતો હતો? માનસી જોડે ચર્ચા કર્યા વિના એની સમસ્યાનો હલ કઈ રીતે કાઢી શકાય?  આખી વાતમાં માનસીના પતિની કોઈ ગણતરી જ નથી થતી! માનસીની કોઈ સમસ્યા હોય તો એના પતિની પણ કોઈક તો ભૂમિકા હોય કે નહીં? વાર્તામાં ઘણાં બધાં છેડા ખુલ્લા રહી ગયા છે. અધકચરો પ્રયાસ.   

*વાર્તા જોડે પ્રગટ થયેલી નગીન દવે નામના લેખકની છે, આ વાર્તાના લેખક હરીશ પાંચોટિયાની નથી. નગીન દવેની વાર્તાઓ અને એમની છબીઓ આ પહેલાં પણ મમતા વાર્તામાસિકમાંમાં પ્રગટ થઈ ચૂકી છે.   

ભૂલમાં જ (કિરણ વી.મહેતા):

નિર્ધન બ્રાહ્મણ કુટુંબની પાયમાલીની વાર્તા. ગામમાં કર્મકાંડ અને પૂજાપાઠનું મહત્વ ઓછું થતાં બબજીના પિતાને ખાસ કામ મળતું નથી. બબજીની બહેનના લગ્નપ્રસંગે એમણે ઘર ગીરવે મૂકવું પડે છે. આર્થિક સંકડાશ દૂર કરવા બબજીના પિતા શહેર તરફ ગયા એ ગયા. પિતાની શોધમાં શહેરમાં ગયેલા પુત્રને જાણવા મળે છે કે એના પિતા તો ઘણાં સમય પહેલાં એક માર્ગઅકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ગામ પાછો ફરીને બબજી મજૂરીકામ કરી વૃદ્ધ માતા જોડે દિવસો વીતાવે છે અને પિતાને યાદ કરી દુઃખી થયા કરે છે. આલંકારિક ભાષામાં લંબાણભરી રજૂઆત. આ વાર્તાકારે પિતા-પુત્ર સંબંધ વિશેની એકથી વધુ વાર્તાઓ આપી છે.    

જાળું (સરદારખાન મલેક):

એક નાનકડા શહેરમાં કોમી રમખાણની વાત. ટોળાની હિંસાથી બચવા એક માણસ ટોળાની જોડે સામેલ થઈ જાય છે અને બીજો માણસ ટોળાની હિંસાનો શિકાર બને છે એની વાત. સામાન્ય વાતની સાધારણ રજૂઆત.

થઈ? (ઉર્મિલા પાલેજા):

હાસ્યવાર્તા.  મધ્યમવર્ગીય વસાહતમાં એક નીમુ નામની સ્ત્રીને પેટ સાફ આવતું નથી એની ખબર આડોશ-પાડોશમાં સર્વત્ર ફેલાઈ ગઈ છે. બધાંય લોકો ફાવે એમ નુસ્ખાઓ બતાવે રાખે છે પણ નીમુને કોઈ લાભ થતો નથી. અંતે બીજા દિવસે નીમુને પેટ સાફ આવે ત્યારે રાહત થાય છે ખરી, પણ જોડાજોડ બીજી મોંકાણના સમાચાર આવે છે કે એને હવે ઝાડાની તકલીફ શરુ થઈ! હળવી શૈલીમાં મઝાની વાર્તા!    

દિલ્હી ૧૯૮૧ (એમ.મુકુંદનની મલયાલમ વાર્તા, અનુ: સંજય છેલ):

દિલ્હી શહેરમાં ધોળે દિવસે ગુંડાગર્દી થાય છે, બાળક સહિતના પરિવારના પુરુષને માર મારવામાં આવે છે, રડતાં બાળકને મેદાનમાં નિરાધાર તરછોડીને બે ગુંડાઓ સ્ત્રી પર બળાત્કાર કરે છે. નજીકના એક મકાનમાંથી આ દ્રશ્ય જોતાં બે યુવાનો દુર્ઘટનાને રોકવા કંઈ ના કરતાં પીડિતાની દુર્દશા જોઇને આનંદ માણી રહ્યા છે.

આ ઘટનાના સાક્ષી બે યુવાનોનું મકાન એક બહુમાળી મકાનમાં ફેરવાઈ જાય છે અને જાણે પંચાવન લાખની આબાદીવાળું આખું શહેર આ દ્રશ્ય જોતું હોય એવું વાર્તામાં વર્ણન આવે છે. એક બાજુ કોઈ નેતા ભાષણ આપે છે, બીજી બાજુ કોફીહાઉસમાં બૌદ્ધિકો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ ચાલે છે.

આપણી અસંવેદનશીલ માનસિકતા પર એક વ્યંગ. સારી વાર્તા.

મમ્મી કેમ છે? મઝામાં (સાયમન બ્રેટની વિદેશી ભાષાની વાર્તા, અનુ:યામિની પટેલ):

મઝાની રહસ્યકથા. વાર્તાના નાયક પર આરોપ મૂકાય છે કે એણે પોતાની માતાની હત્યા કરી છે જે હકીકતમાં ક્યારેય હતી નહીં. તપાસના અંતે એ નિર્દોષ છૂટી જાય છે ત્યારે ખરેખર એની માતા પ્રગટ થાય છે જે ક્યારેય હતી જ નહીં! રસપ્રદ વાર્તા. રહસ્ય સરસ જળવાયું છે. મજેદાર વાર્તા!   

* મમતાના માર્ચ ૨૦૨૩ અંકમાં આ વાર્તા પ્રગટ થયેલી પણ લેખકનું નામ સરતચૂકથી માર્જરી એલિંગહામ એવું ખોટું છપાયું હતું, આ વાર્તાના ખરા લેખક છે: સાયમન બ્રેટ. લેખકના સાચા નામ/છબી સાથે વાર્તા આ અંકમાં પુન: પ્રસિદ્ધ થઈ છે. મમતાએ યોગ્ય કામ કર્યું છે, ક્ષતિસુધારનો આ જ સાચો ઉપાય છે. મમતા વાર્તામાસિકનો આભાર અને અભિનંદન!

જે રોપાઈ ગયાં (યાસુતાકા ત્સુત્સુઈની વિદેશી વાર્તા, અનુ: યશવંત મહેતા):

ફેન્ટેસી વાર્તા. તાનાશાહી વિરુદ્ધ વ્યંગ. એવી કલ્પના થઈ છે કે કોઈ માણસ જો સરકારની ટીકા કરે તો સરકાર એને માનવ-વૃક્ષમાં ફેરવી નાખે અને યોગ્ય ઠેકાણે રોપી દે. આવી સજા થયાં પછી વૃક્ષમાં થોડોક વખત સંવેદના રહે, અન્ય માણસો જોડે એ માણસની જેમ વાતચીત સુધ્ધાં કરી શકે, પણ ધીમે ધીમે એ પૂર્ણપણે વૃક્ષમાં ફેરવાઈ જાય. એક ટપાલીએ ઓછા પગાર વિષે ટીકા કરેલી તો સરકારે એને વૃક્ષમાં ફેરવી નાખ્યો. કથકની પત્નીએ ભાવવધારા અંગે ફરિયાદ કરેલી એટલે એને વૃક્ષમાં ફેરવી નખાયેલી. કથક લેખક છે, પોતાનાથી શાસકો વિરુદ્ધ લખાઈ/બોલાઈ ના જાય એની તકેદારી એ રાખે છે. રસપ્રદ કલ્પના.

--કિશોર પટેલ, 13-05-23; 10:03

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

No comments: