Friday 5 May 2023

એતદ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

એતદ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૧૧૨૨ શબ્દો)

માતાજીએ લાજ રાખી (રામ મોરી):

સમાજમાં સ્ત્રી સાથે થતા અન્યાયની વાત.

આપણી સમાજવ્યવસ્થામાં સ્ત્રીને પસંદગીની તક મળતી નથી. શિક્ષણ અને જીવનસાથીની પસંદગી જેવી મહત્વની વાતમાં સ્ત્રીની ઈચ્છાને માન અપાતું નથી. જીવનમાં એણે શું કરવું અને શું નહીં એની પુરુષો દ્વારા ઘડવામાં આવેલી તૈયાર માર્ગદર્શિકાનો અમલ થતો રહે છે. પ્રસ્તુત વાર્તામાં ધારા નામની એક કન્યાની ઘરનાં જ માણસોએ હત્યા કરી નાખી કારણ કે એણે એમનાં સમાજની બહારના કોઈ યુવકને પ્રેમ કર્યો હતો!  એનાં પ્રેમપ્રકરણની ખબર પડતાં એને ઘરમાં નજરકેદ કરવામાં આવી એટલે તક મળતાં ધારાએ ઘર છોડીને ભાગી જવાનું સાહસ કર્યું હતું!     

હર્ષા નામની છોકરી ઉંમરલાયક થઈ જવા છતાં એને માસિકચક્ર શરુ થતું ન હતું એટલે એનાં માતાપિતા તણાવગ્રસ્ત હતાં. એક તરફ ધારાનો મામલો ગૂપચૂપ પતાવવામાં આવ્યો ને બીજી તરફ હર્ષાને માસિક શરુ થયું. આ બંને ઘટનાઓ એકસાથે બને છે. હર્ષાની માતા જયારે એમ કહે કે હાશ, માતાજીએ લાજ રાખી, ત્યારે એ હાશકારો બંને ઘટનાના સંદર્ભે લાગુ પડે છે. એક જુવાન છોકરી ભલે મૃત્યુ પામી, પણ બીજી ન્યાતમાં જતી અટકી એટલે માતાજીએ લાજ રાખી!

આપણો સમાજ કેટલો પછાત છે તેનું એક ઉદાહરણ જુઓ: એક માણસ બીજા માણસ જોડે હિંસા આચરે એ સ્વીકાર્ય છે પણ એક ઉંમરલાયક કન્યા એક પુખ્ત યુવકને પ્રેમ કરે એનો સ્વીકાર થતો નથી! ન્યાતજાતના વાડાઓ માનવવિકાસના માર્ગમાં મોટો અવરોધ છે.

ધારાની બહેનપણી હર્ષા કથકની ભૂમિકામાં છે, કથનની ભાષામાં ગુજરાતના જે તે પ્રદેશની તળપદી બોલીનું સરસ આલેખન થયું છે. કન્યાઓની બોલીમાં અંગ્રેજી ભાષાનાં શબ્દો છૂટથી વપરાવાં માંડયા છે તેની અસર કથનમાં ઝીલાઈ છે. વળી એમાં રહેલી વિનોદની છાંટ મજેદાર છે.

આપણી જનતાની દરિદ્ર માનસિકતાનું એક ઉદાહરણ વાર્તાકારે સરસ આપ્યું છે. ગામડાઓમાં ઘેર ઘેર શૌચાલય બનાવવા માટે સરકાર અનુદાન આપે છે એ અનુદાનની રકમ લોકો અન્ય કામમાં વાપરી નાખે છે અને પહેલાંની જેમ જ ખુલ્લામાં હાજતે જાય છે! આમ સરકારનો ઉદ્દેશ માર્યો જાય છે, પૈસા વેડફાઈ જાય છે અને જનતાનું જીવનધોરણ ત્યાંનું ત્યાં જ રહે છે. સ્ત્રીઓની સમસ્યા અંગે આપણા દેશનાં પુરુષોમાં હજી સમજ કેળવાઈ નથી.                      

નોંધનીય અને પઠનીય વાર્તા.

પ્રોજેક્ટ ઓ (ધર્મેશ ગાંધી):

મિત્રવિરહની પીડા. પહેલી નજરે વિજ્ઞાનકથા લાગતી આ વાર્તા નથી વિજ્ઞાનકથા કે નથી વિજ્ઞાન કલ્પનાકથા. આ વાર્તા છે નિહારિકા નામની એક સ્ત્રીની જે ચાલીસ વર્ષ પહેલાં અવકાશયાત્રામાં ધ્રુવ નામના એક સાથીને/મિત્રને ગુમાવીને પાછી આવી છે. ચાલીસ વર્ષથી એ અવકાશમાં દૂરબીન માંડીને બેઠી છે કે અવકાશમાં ક્યાંક ભૂલેચૂકે ધ્રુવ દેખાઈ જાય! ધ્રુવ અને નિહારિકા વચ્ચે કદાચ મૈત્રી કરતાં પણ વધુ ગાઢ સંબંધ હતા.  

મંગળગ્રહ પર પ્રાણવાયુ છે કે કેમ એની શોધ કરવા નીકળેલા યાન જોડે ગયેલા ચાર અવકાશયાત્રીઓમાંથી એક ધ્રુવ નામનો યુવાન અકસ્માતપણે અવકાશમાં મૃત્યુ પામે છે. અવકાશયાત્રામાં કોઈ અવકાશયાત્રીનું મૃત્યુ થઈ જાય તો એનાં મૃતદેહના નિકાલનું કોઈ આયોજન ના હોવાથી એ લોકો ધ્રુવના મૃતદેહને અવકાશમાં તરતો છોડી મૂકે છે.

એક અર્થમાં આ વાર્તાને ફેન્ટેસી કહી શકાય. વિજ્ઞાનની આગેકૂચમાં આજે નહીં તો આવતી કાલે આવા અકસ્માતની કદાચ રોજબરોજની ઘટના પણ બની રહે.

આજની પેઢીના પ્રતિભાશાળી અને યુવા વાર્તાકાર તરફથી મળેલી કંઇક જુદી અને વાચનક્ષમ વાર્તા.

તું મારો સાથ આપીશ? (બાદલ પંચાલ):

એબ્સર્ડ વાર્તા. એક છોકરો અને એક છોકરી દરિયાકિનારે આવીને બેસે અને મૂંગા મૂંગા પ્રેમાલાપ કરે એમાં સમસ્ત સૃષ્ટિને ભલા શું રસ હોય? અહીં કવિ, હા, વાર્તાકાર નહીં પણ કવિ કારણ કે અહીં ગદ્યમાં પદ્ય લખાયું છે, અહીં કવિ એવી કલ્પના કરે છે કે છોકરા-છોકરીનો મૂક સંવાદ સમજી ના શકતાં દરિયો કિનારે આવી ફીણ ફીણ થઈ જતો, સૂરજ ખાલી હાથે આથમી જતો, પવન બેચેન થઈને આમતેમ અફળાયા કરતો, આકાશના રંગો અંધારાની કાળાશમાં સમાઈ જતા હતા, વગેરે વગેરે. એબ્સર્ડ વાર્તામાં દરિયો/પવન/આકાશ સહુ પાત્ર બની જાય! એ દરેકને માણસની જેમ ગમાઅણગમા હોય!

અંતે એક દિવસ છોકરો છોકરીને પ્રશ્નો પૂછે છે, ફલાણી સ્થિતિમાં કે ઢીંકણી સ્થિતિમાં તું મને સાથ આપીશ? આ ફલાણી કે ઢીંકણી સ્થિતિ એટલે જુદી જુદી સ્થિતિના એક કરતાં વધુ પર્યાયો છોકરો ગણાવે છે, એ બધી જ તદ્દન એબ્સર્ડ, અગમ્ય સ્થિતિઓ છે. જવાબ આપ્યા વિના છોકરી ઊઠીને ચાલતી થાય છે. છોકરીનું ચાલ્યા જવું પણ સાવ એબ્સર્ડ છે, વાર્તાકારનું વર્ણન જુઓ: “...એ ઝાટકા સાથે ઊભી થઈ અને એની સાથે જ સુંવાળા સમયની ચાદર સરી પડી. પોતાની બટકાઈ ગયેલી નજરના ઝીણા કણો રેતીમાં તગતગી રહ્યા. પોતાની નજરને ત્યાં જ પડી રહેલી મૂકી એ ઊંધી ફરીને ચાલવા લાગી...”

એ છોકરીએ નજરને ત્યાં જ પડી રહેવા દીધી એટલે શું? છોકરી આંધળી થઈ ગઈ? એણે આંખો ફોડી નાખી?

ખરા અર્થમાં એબ્સર્ડ વાર્તા. સાહિત્યના આ પ્રકારમાં અર્થો શોધવાનાં ના હોય, સંકેત અને ઈંગિત શોધવાનાં કે સમજવાનાં ના હોય. આ પ્રકાર આપણે ત્યાં ઝાઝો ખેડાયો નથી, આજની પેઢીના અન્ય એક પ્રતિભાવંત અને યુવા વાર્તાકારની એબ્સર્ડ વાર્તાનું સ્વાગત છે.        

જવું એટલે... (પારુલ ખખ્ખર):

એક પત્ર આવ્યો છે. બસ, આટલી જ ઘટના છે, કોઈ એક અજાણી વ્યક્તિનો કોઈ બીજી અજાણી વ્યક્તિને મોકલાયેલો પત્ર છે. કથકને મોકલનાર કે પત્ર મેળવનાર વ્યક્તિ સાથે સંબંધ નથી. વળી પત્રમાં કંઈ લખાણ પણ નથી, છે કેવળ એક છબી. એક યુવાનની છબી. બસમાં બેઠેલો એ યુવાન ક્યાંક જતો હોય એવું જણાય છે. એક છબી પરથી કથક નાના પ્રકારની કલ્પનાઓ કરે છે કે એ યુવાન ક્યાં જતો હશે તેમ જ કયા હેતુથી પત્ર લખાયો હશે. સંપૂર્ણ વાર્તા આ પત્રનું કારણ ધારવા વિષે જ લખાઈ છે.

વાર્તાના અંતમાં ચમત્કૃતિ છે. કોઈના જવાની નહીં પણ આવવાની વાત છે. સંપૂર્ણ વાર્તા નવેસરથી વિચારવી પડે એવી સરસ ચમત્કૃતિ છે.

મજાની વાર્તા.       

બર્ડે (મૂળ હિન્દી વાર્તા, લેખક: સ્વયં પ્રકાશ, અનુવાદ: મીનલ દવે):  

ઉચ્ચ મધ્યમવર્ગની એક સ્ત્રીની વાત. પાંચ વર્ષના છોકરા સ્વીટુના જન્મદિવસની પાર્ટી નિમિત્તે વાર્તાકાર એક નવશ્રીમંત સ્ત્રીના માનસમાં ડોકિયું કરાવે છે. મૂળમાં શ્રીમતી બૈજલ પોતાના પતિદેવથી નારાજ હતાં. શ્રીમાન બૈજલે મોટા સરકારી હોદ્દાની નોકરી છોડીને કોલેજમાં પ્રોફેસરની નોકરી લીધી હતી એ શ્રીમતી બૈજલને ગમ્યું ન હતું. જાણે ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાંથી ઉતારીને એમને ત્રીજા વર્ગના ડબ્બામાં ધકેલી દેવાયાં હોય એવી લાગણી એમને આખી પાર્ટી દરમિયાન સતત પીડતી રહે છે. બર્થડેમાં આવેલાં છોકરાં ગપચૂપ બેસી રહેલાં, જે લોકો ગિફ્ટ લાવેલાં એ કેવી સામાન્ય! રંગીન કાગળમાં બબ્બે બિસ્કીટ અથવા ચોકલેટ!  વળી શ્રીમતી બૈજલની રસોઈના વખાણ કોઈએ કર્યા નહીં!  એમની મોંઘી ક્રોકરીના વખાણ કોઈએ કર્યા નહીં! બાબાનો ઘોડાગાડીવાળો વિના બોલાવ્યે પાર્ટીમાં આવી ગયો એ શ્રીમતી બૈજલને ગમ્યું નથી. એને ઘરમાં ના લેતાં બહાર વરંડામાં જ બેસાડીને એનું જેવુંતેવું સ્વાગત કરવામાં આવે છે. જો કે એને બર્થડેમાં સ્વીટુએ બોલાવેલો અને સ્વીટુ પણ એનાં આગમનથી ખાસો ખુશ થયેલો છે.  

શ્રીમતી બૈજલ પોતે મૂળે મધ્યમ વર્ગમાંથી આવેલાં છે. પતિની પહેલી સરકારી નોકરી મલાઈદાર હતી એટલે એમને સીધું જ ઉચ્ચ મધ્યમવર્ગમાં પ્રમોશન મળી ગયેલું. પતિના પૈસે જાહોજલાલી કરવાનું શ્રીમતી બૈજલને માફક આવી ગયેલું. પાર્ટી કલ્ચરમાં ખુશ રહેવાનો એમનો સ્વભાવ ઘડાઈ ગયેલો. પણ પરિસ્થિતિ હવે બદલાયેલી છે. પતિ સરકારી નોકરીમાં ઉપરની કમાઈ બાબતે ક્યાંક સલવાયા હશે એટલે એમણે નોકરીમાં રાજીનામું મૂકીને નવી નોકરી લીધેલી.  નવા વાતાવરણમાં શ્રીમતી બૈજલ ગૂંગળાઈ રહ્યાં છે, એમને માફક આવે એવા લોકો આસપાસમાં નથી, નોકરો પર એમને વિશ્વાસ નથી, એ લોકો કામ ઓછું કરે છે અને ખાય છે ઘણું બધું એવી એમની ફરિયાદ છે.  

આભાસી દુનિયામાં રહેતાં લોકોની માનસિકતાની ઝલક અને એમનાં વિષે સરસ વ્યંગ. સરસ અનુવાદ, સરસ વાર્તા.

--કિશોર પટેલ, 06-05-23; 08:27      

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: