Monday 15 May 2023

પરબ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

પરબ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૮૭  શબ્દો)

આ અંકની બંને વાર્તાઓ મોટા કેનવાસ પર દોરાયેલા ચિત્રો જેવી છે. કેનવાસ પ્રમાણમાં જેટલું મોટું તેટલા પ્રમાણમાં ચિત્રમાં ખૂબીઓ અને ખામીઓ પણ વધારે. 

મા (અમૃત બારોટ):

માતૃપ્રેમની વાર્તા. માતાવિહોણા બાળક અને સંતાનવિહોણી માતા વચ્ચેના સ્નેહસંબંધની વાત. એક તરફ લગ્નનાં છેક પાંચ વર્ષના અંતે જાતજાતની માનતા માન્યા પછી તરુને જન્મેલો દીકરો સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો. બીજી તરફ પાડોશી વજાભાઇની બહેન નાનકડા અમરને નોંધારો મૂકીને મૃત્યુ પામી. મોસાળમાં મામીને નમાયા ભાણેજ તરફ જોવાની ફુરસદ નથી. વજાભાઈની મંજૂરી લઈને તરુ અમરને ઉછેરે છે. આ અમર મોટો થઈને પરણીને યશોદા જેવી એની માતા તરુના ખોળે પોતાનો દીકરો રમતો મૂકે છે.

વાર્તાનો આરંભ જે આશા જગાવે છે એ પૂરી થતી નથી. છૂટા થઈ ગયેલા બળદ ઘઉંમાં મોંઢું નાખી બગાડ કરવા લાગ્યા એટલે ખોળામાંના છોકરાને ખાટલીમાં સૂવડાવીને તરુ બળદોનો બંદોબસ્ત કરવા ગઈ એ દરમિયાન છોકરાને સાપ કરડી ગયો. આ ક્ષણે વાર્તા ફલેશબેકમાં જાય છે. ત્યારે એવું લાગે કે કથક વર્તમાનમાં પાછો ફરે એટલે સાપ અને બાળકના સંઘર્ષની વાર્તા આગળ વધશે. પણ અચાનક વચ્ચે “...કરમ આડે આવ્યાં, તરુના સાત ખોટના દીકરાનો  કાળોતરાએ જીવ લીધો...” એવો ઉલ્લેખ આવે અને સંઘર્ષની વાત પર ઠંડુ પાણી! કથક તદ્દન સહજભાવે એ પોઈન્ટ પરથી કથાનું અનુસંધાન આગળ ધપાવે છે! ટૂંકમાં, આરંભ છેતરામણો છે.  

તરુના જીવનનાં પૂરા પચીસ વર્ષના ઇતિહાસની ગાથા અહીં કહેવાઈ છે. વચ્ચે એક વાર પાડોશી પાસે માંગીને લાવેલો અમર ઘેરથી ભાગી ગયેલો ને છેક બીજે દિવસે મળેલો,  આખી રાત એ તરુથી ગભરાઈને સ્કુલના એક ઓરડામાં સંતાઈને રહેલો એવી એક રહસ્યમય રોમાંચક ઉપકથા પણ આવે છે. વાર્તાકાર શું કહેવા માંગે છે એની અટકળો વચ્ચે વાર્તા પૂરી થાય છે. કેવળ માતૃપ્રેમની વાત કરવા આટલાં મોટા ફલક પર વાત વિસ્તારવાની જરૂર હતી કે કેમ એવો પ્રશ્ન થાય છે.

અમરનો દીકરો તરુના ખોળે રમતો મૂકાય એ ક્ષણે તરુ ફલેશબેકમાં જાય અને આખી વાર્તા કહેવાય એવી રચના કદાચ આકર્ષક બની શકી હોત.

જે તે પ્રદેશની તળપદી ભાષાની ઝલક વાર્તામાંથી મળે છે એ છે આ વાર્તાનો એકમાત્ર પ્લસ પોઈન્ટ.

આ વાર્તાકારની વાર્તાઓ મોટે ભાગે વ્યંજનામાં લખાયેલી હોય છે, અપવાદરૂપે આ વાર્તા સરળ છે પણ અફસોસ, સાધારણ કક્ષાની છે.           

પુનર્જીવન (પ્રવીણ ગઢવી):

પહેલી વાર્તામાં પચીસેક વર્ષનો ઈતિહાસ આપણે ભણી ગયા, આ બીજી વાર્તા કંઈ કમ નથી, અહીં ત્રીસ-પાંત્રીસ વર્ષનો ઈતિહાસ આપણે ભણવાનો છે.

કોલેજમાં ભણતાં ભણતાં દીનાને અમૂલ જોડે પ્રેમ થઈ ગયો. અમૂલ પછાત વર્ગનો હોવાથી દીનાના માતા-પિતાની મંજૂરી ના મળી. ન્યાતના જ, સ્વતંત્ર વ્યવસાય કરતાં કુટુંબના વિનેશ  જોડે દીનાના લગ્ન થયાં. અમૂલની યાદોને હ્રદયમાં ભંડારી દઈને દીનાએ વિનેશ  જોડે સંસાર માંડયો. દીનાને ત્યાં વિભા જન્મી. આ વિભાને કોલેજમાં સુધીર જોડે પ્રેમ થયો. પણ સુધીર બ્રાહ્મણ હતો એટલે એનાં માબાપ આગળ વિભા માટે વાત કરવાની દીનાની હિંમત થઈ નહીં. દીનાના માતાપિતા વિભા માટે લંડનનું સરસ સ્થળ શોધી લાવ્યા. સુદીપકુમારને પરણીને વિભા લંડન ગઈ. પછી વિભાની સુવાવડ કરવા દીનાએ લંડન જવું પડયું. અહીં દીના વગર એકલો પડી ગયેલો વિનેશ  માંદો પડયો. એને એક જ શોખ હતો, દીનાની ગેરહાજરીમાં એ શોખની પૂર્તિ થતી ન હતી, વિનેશને હ્રદયરોગનો હુમલો આવ્યો એમાં મૃત્યુ પામ્યો!

આટલાં વર્ષો પછી પણ દીનાના હ્રદયમાં કોલેજકાળના અમૂલ પટેલના પ્રેમનો ઝરો જીવંત રહ્યો છે. એ અમૂલની તપાસ કરે છે, સોશિયલ મીડિયા પર, મિત્રવર્તુળમાં અને જૂનાં સરનામે.  ક્યાંયથી ના મળેલો અમૂલ છેવટે મળે છે યોગના વર્ગમાં!

અમૂલ એની ન્યાતમાં પરણેલો ખરો, પણ પત્નીને એની જોડે ખાસ ફાવેલું નહીં એટલે ટૂંક સમયમાં એમનાં છૂટાછેડા થઈ ગયેલાં,  દીના-અમૂલ બંને પરણવાનું નક્કી કરે છે. પણ આટલાં વર્ષે હજી પણ દીનાના માતાપિતાને દીના પછાત વર્ગના અમૂલ સાથે પુનર્લગ્ન કરે એનો વાંધો છે! દીનાના પુત્ર સંજયને પણ વાંધો છે! કેવળ દીનાની લંડનસ્થિત દીકરી વિભા ટેકો આપે છે એટલે દીના -અમૂલ કોર્ટમાં જઈને મૈત્રીકરાર કરે છે.  દીનાનો દિયર અમૂલને જાનથી મારવાની ધમકી આપે છે અને ન્યાતમાં ઠરાવ કરીને દીનાને ન્યાત બહાર મૂકાવે છે.

આટલી દીર્ઘકથા વાંચીને એમ થાય કે વાર્તાકાર આખરે કહેવા શું માંગે છે? સમાજમાં જાતિભેદ છે એટલું કહેવા આટલો પથારો ફેલાવ્યો હશે?

દીના-વિભા મા-દીકરીની આ મેરેથોન કથામાં કેટલીક ઉપકથાઓ પણ છે. જેમ કે ૧. દીનાના મિત્રવર્તુળમાં દરેક છોકરીનું “લફરું” (વાર્તાકારનો શબ્દ) હતું! દરેક છોકરીઓ એમનાં પ્રિયતમ જોડે એકાંતની ક્ષણો માણી લેતી હતી. ૨. દીનાના સાસરિયાં પૈસાપાત્ર હતાં પણ રસોઈ, કપડાં-વાસણ, ઘરની સાફસફાઈ વગેરે બધું ઘરકામ તો પુત્રવધુએ જ કરવાનું એવો નિયમ એ ઘરમાં હતો. ૩. દીનાના પતિ વિનેશને એક જ શોખ હતો, હનીમૂન માટે હવા ખાવાના સ્થળે એ નવદંપતી ગયેલું ત્યાં બહાર ક્યાંય ફરવા ના જતાં હોટલના ઓરડામાં એ શોખ એણે પૂરો કરેલો, જીવતો રહ્યો ત્યાં સુધી રોજેરોજ એણે એ શોખ દીનાના સહકારથી પૂરો કર્યો, દીકરીની સુવાવડ કરાવવા દીના લંડન ગઈ ત્યારે દીના હવે નજીક નહીં હોય એવા વિચારે વિનેશને હાર્ટએટેક આવ્યો ને એ ગુજરી ગયો! ૪. દીના લંડન ગયેલી ત્યારે એરપોર્ટ પર વિનેશ એટલું બધું રડેલો કે એના સસરાએ એને ઠપકો આપવો પડેલો! ૫. લંડનમાં દીનાના વેવાઈના નાના ભાઈ એટલે કે વિભાના કાકાસસરાની નજર દીનાને જોઇને બગડી હતી. ૬. વિભાના લગ્ન થાય અને એ સાસરે જાય ત્યારે વિભાને એનો પ્રેમી સુધીર યાદ આવતો હતો કે નહીં કોણ જાણે પણ દીનાને એમ થતું હતું કે જેમ પોતાનો પ્રેમભંગ થયો હતો એમ વિભા પણ પ્રેમભંગ થઈ છે, પોતે અમૂલને યાદ કરીને દુઃખી થયેલી એમ વિભા પણ સુધીરને યાદ કરીને દુઃખી થતી હશે!   

આ દરેક ઉપકથા પર એક એક સ્વતંત્ર વાર્તા લખી શકાય!        

છેલ્લાં પાંચેક વર્ષમાં આ વાર્તાકારની જેટલી પણ વાર્તાઓ વાંચવામાં આવી છે એ બધી ઘણું કરીને પૌરાણિક વિષયવસ્તુની જ હતી, પહેલી વાર

એમની પાસેથી સામાજિક વિષયની પણ નવલકથાનો વ્યાપ ધરાવતી વાર્તા મળી છે.

--કિશોર પટેલ, 16-05-23 11:59

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

 

         

 

No comments: