Wednesday 31 May 2023

નવનીત સમર્પણ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

 





નવનીત સમર્પણ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૯૯ શબ્દો)

ટ્રેપ્ડ (વર્ષા અડાલજા):

ટ્રેપ થઈ જવું એટલે છટકામાં ફસાઈ જવું. મનોરંજનની દુનિયામાં એવું થતું હોય છે કે કલાકારનાં ચાહકોમાં એની એક ચોક્કસ છબી બની જતી હોય છે. એ કલાકારને પછી તેઓ અન્ય રૂપે સ્વીકારતાં નથી.  આ વાર્તામાં રાજ નામના એક કલાકારની વાત થઈ છે જે એની બનાવટી ઓળખમાં ટ્રેપ્ડ (કેદ) થઈ ગયો છે. નિશાળમાં ભણતો હતો એ સમયથી જ એ સ્ત્રીવેશ ભજવવા માટે જાણીતો થઈ ગયો હતો. પુખ્ત વયે રાજને તખ્તા પર અભિનયમાં કારકિર્દી બનાવવી છે, પણ એને ફક્ત સ્ત્રીવેશમાં (ડ્રેગ ક્વીન) ભૂમિકાઓ ભજવવાના પ્રસ્તાવ મળ્યા કરે છે. છેવટે રાજ શું કરે છે? શું એ પોતાની સ્વતંત્ર કેડી કંડારી શકે છે?  કે પછી એણે સંજોગોને શરણે જવું પડે છે?  એનાં નિર્ણયની એનાં પોતાના વ્યક્તિત્વ પર શું અસર પડે છે? આ અંગે એનાં સ્વજનોનું વલણ શું છે?

સરસ અને પ્રવાહી રજૂઆત. પ્રતિષ્ઠિત વાર્તાકાર પાસેથી મળેલી જુદાં જ વિષયની રસપૂર્ણ વાર્તા.

ઘાટબંધન (ધર્મેશ ગાંધી):

પિતાને ગુમાવ્યાનું પ્રાયશ્ચિત. મુરલીધરને દુઃખ એ વાતનું છે કે તેના પિતાને પોતાની પત્ની એક બોજ સમજતી હતી. પોતાની પત્નીને પોતે સમજાવી શક્યો નહીં અને પિતાને કાયમ માટે ગુમાવી દીધા. વરસો પછી પત્નીનાં અસ્થિનું ગંગાઘાટે વિસર્જન કરવા આવેલો મુરલીધર વિચારમાં પડે છે. આ જ ગંગાઘાટ પર પિતા એનો ત્યાગ કરી ગયા હતા, એને થાય છે કે પિતા સાથે કરેલા અપરાધનું અન્યાયનું પોતે પ્રાયશ્ચિત કરવું જોઈએ. મુરલીધર એ પ્રાયશ્ચિત કેવી રીતે કરે છે? ભૂલ અને પ્રાયશ્ચિતની ભાવવાહી વાર્તા. સુરેખ રજૂઆત.  આ લેખકના લખાણમાં હવે પુખ્તતા આવતી જાય છે.  

ખરખરો (ધર્મેન્દ્ર ત્રિવેદી):

લઘુતાગ્રંથિથી પીડાતા એક નાના માણસની વાત. કેટલાંક માણસો સામાજિક રીતે મોભાદાર માણસોની શેહમાં આવી જઈને પોતાનાં નાના કદને વધુ નાનું કરી નાખતાં હોય છે. સાહિત્યકાર કૃતા અને એના પતિ જે ઉચ્ચ સરકારી અધિકારી છે તે બંને એક જશુભાઈ નામના નવોદિત લેખકને ઘેર શોકપ્રસંગે ખરખરો કરવા જાય છે. પ્રસંગનું ઔચિત્ય ભૂલીને જશુભાઈ ઘરનાં સહુ માણસો જોડે મોભાદાર મહેમાનોની ઓળખાણ કરાવવા મંડી પડે છે.

હળવી શૈલીમાં મજેદાર રજૂઆત. સર્વત્ર પોંખાયેલા વાર્તાકાર પાસેથી મળેલી વાચનક્ષમ વાર્તા.    

થોડાંક સુખી (સુનીલ મેવાડા):

જિંદગીની હાલકડોલક થતી નાવને સ્થિર કરવાની વાત.

નાનકડા એક ગામમાં ઉછરેલાં રાકેશ-પિનાએ સંઘર્ષ કરીને વડોદરા શહેરમાં કારકિર્દી બનાવી, પોતાનું ઘર બનાવ્યું, સંસાર વસાવ્યો, બાળકો મોટાં કર્યા. એમનાં પર દુઃખનો પહાડ ક્રમશઃ તૂટી પડે છે. બીમારી સાથે જ જન્મેલો દીકરો પંદર વર્ષની વયે મૃત્યુ પામ્યો. આવી દુઃખદ બીનાના કેવળ છ મહિના પછી મોટી દીકરીએ માતાપિતાને અંધારામાં રાખી ઘેરથી ભાગી જઈને લગ્ન કરી લીધાં.  રાકેશનું મન વડોદરામાંથી અને નોકરીમાંથી ઊઠી જાય છે. એ અમીરગઢ પાછો ફરવા માંગે છે. વડોદરા છોડી દેવા માટે પિના રાકેશનું મન ફેરવવા મથે છે.  

સામાન જોડે ટેમ્પો વિદાય થવાનો છે એ ક્ષણે પાડોશીઓ રાકેશ-પિનાને વિદાય આપવા એમને ઘેરીને ઊભાં છે. પાડોશની એક નાનકડી બાળકીને આ બધી ધમાલ સમજાતી નથી. એ પૂછે છે, “પણ તમે અહીંથી જાઓ છો કેમ?”

હ્રદયસ્પર્શી વાર્તા, ભાવવાહી રજૂઆત. સ્વરૂપ સાથે પ્રયોગ કરવા જાણીતા આ વાર્તાકારે અપવાદરૂપે પારંપારિક સ્વરૂપમાં એક સારી વાર્તા આપી છે એની નોંધ લેવી ઘટે.

--કિશોર પટેલ, 01-06-23; 10:58

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

       


No comments: