Wednesday 31 August 2022

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૫૮ શબ્દો)

જાણ્યે અજાણ્યે યોગાનુયોગ એવો થયો છે કે અંકની પાંચેપાંચ વાર્તાઓ સ્ત્રીલેખકોની છે. નારીચેતના ઝિંદાબાદ!

પક્ષાઘાત (મેધા ત્રિવેદી):

પક્ષાઘાતના હુમલાના કારણે નાયિકા પથારીવશ થયેલી છે. સામેના ઘરમાં રહેતી એક અપરિચિત સ્ત્રીની દિનચર્યાનું રસપૂર્વક નિરીક્ષણ કરતાં રહીને એ પોતાના મન-મગજને સક્રિય રાખે છે. એક સમયે રંગમંચ ગજાવી ચૂકેલી અભિનેત્રી માટે આ સ્થિતિમાં મન અને મગજનું સંતુલન રાખવું સહેલું નથી. બાળકને જન્મ આપવાની તૈયારી કરતી પેલી સ્ત્રી જોડે નાયિકા સમરસ થાય છે. જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાની વાત. સરસ વાર્તા.       

નાળ (પન્ના ત્રિવેદી):

ઘોડાના પગમાં નાળ બેસાડવામાં આવે છે જેથી કરીને ગાડી ખેંચીને દોડવામાં એને સરળતા રહે, એના પગનાં પહોંચા વહેલાં ઘસાઈ ના જાય અને ઘોડો લાંબો વખત માલિકની સેવા કરી શકે. આ નાળ અહીં રૂપક બનીને આવ્યું છે વાર્તાની નાયિકા નિમ્મી માટે. નિમ્મીની જોડે એની બહેનપણી ધની માટે પણ આ રૂપક લાગુ પડે છે. નિમ્મીએ આખી જિંદગી ઘરનો ભાર વેંઢાર્યો છે, નાની બહેનોને યોગ્ય ઠેકાણે પરણાવ્યાં, નાના ભાઈને ઉછેર્યો, ભાઈના બાળકોને ઉછેર્યા, માંદી રહેતી માને ટેકો કર્યો. આ બધી જવાબદારીઓ સંભાળવા માટે એણે પોતાની અંગત જિંદગીની કુરબાની આપી દીધી છે, એનું પોતાનું લગ્ન ગોઠવાયું નહીં અને કોઈએ એવો રસ પણ લીધો નહીં. આટલું કર્યા પછી પણ ઘરમાં એની કદર થતી નથી. ભત્રીજીના લગ્નપ્રસંગે એની અવગણના થાય છે. કંઇક એવું જ એની બહેનપણી ધની જોડે પણ થાય છે. એના ઘરમાં પણ ભત્રીજાના જન્મદિવસે એની ગેરહાજરીમાં જ કેક કપાઈ જાય છે.

આપણા સમાજમાં આવાં ઉદાહરણ મળી આવશે જેમણે ઘર-પરિવાર માટે જાત ઘસી નાખી હોય પણ એમની કદર ના થઈ હોય. ખૂબ સહેલાઈથી એમને “ભૂલી જવાતા” હોય છે.  સરસ વાર્તા.                                                                  

એવી ને એવી જ (ગિરિમા ઘારેખાન):

માતા-પુત્ર સંબંધ વિશેની એક લઘુકથા. સ્ત્રીસૌંદર્યમાં વાળનું સ્થાન મહત્વનું માનવામાં આવે છે. કેન્સરના ઉપચાર દરમિયાન કેમોથેરેપીની આડઅસરના લીધે સ્ત્રીના માથાના વાળ ખરી પડતાં હોય છે. આમ થાય ત્યારે સ્ત્રીના દર્શનીય રૂપમાં ફરક પડતો હોય છે. કોઈને ફરક જણાય કે નહીં પીડિત વ્યક્તિને પોતાને આ વિષે ગ્રંથિ બંધાઈ જતી હોય છે. નાયિકાનો ચાર વર્ષનો દીકરો માતાના રૂપમાં આવેલા આ પરિવર્તનને સહજતાથી સ્વીકારી લે છે.   

ગૃહસ્થાશ્રમ (ચંદ્રિકા લોડાયા):

પુત્ર અને પુત્રવધુ વચ્ચે પડી ગયેલી ગેરસમજની ગાંઠ માતા-પિતાએ ખોલી આપી. ખાધું પીધું ને રાજ કર્યું. ફીલગુડ વાર્તા. 

બીજી પારી (અલકા ત્રિવેદી):

પાડોશમાં કોલેજિયન યુવાનો-યુવતી ભાડેથી રહેવા આવ્યાં એ પછી એકાકી જીવન ગાળતા જયંતિભાઈની દુનિયા બદલાઈ ગઈ. છોકરાંઓને વડીલ જોઈતા હતા અને જયંતિભાઈને સાથ-સંગાથ જોઈતો હતો. જિંદગીનો બીજો દાવ જયંતિભાઈ હસીખુશીથી રમ્યા. એક વધુ ફીલગુડ વાર્તા.

“બીજી પારી” જેવા શીર્ષકમાં ગુજરાતી-હિન્દી શબ્દનું જોડકું ખૂંચે છે. બીજો દાવ / દૂસરી પારી / સેકન્ડ ઇનિંગ: આ ત્રણ પર્યાયમાંથી એકાદ ઉચિત રહ્યું હોત.  

--કિશોર પટેલ, 01-09-22; 09:43

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

           

No comments: