Monday 29 August 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૭ ઓગસ્ટ ૨૦૨૨

 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૭ ઓગસ્ટ ૨૦૨૨  

(૩૮૪ શબ્દો)

કોરોના પ્રતિબંધ હળવા થયાં પછી શનિવાર તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ ની સાંજનો બાલભારતી વાર્તાવંતના વાર્તાપઠનનો આ કાર્યક્રમ એ શ્રેણીમાં બારમો મણકો છે એવું આરંભમાં આયોજક હેમંતભાઈ કારિયાએ જણાવ્યું.

ભવાઈની પરંપરાના જાણકાર અને એસએનડીટીના યુવા પ્રાધ્યાપકશ્રી કવિત પંડયાએ કાર્યક્રમના સંચાલનનો પ્રારંભ કરતાં કહ્યું કે બાલભારતીમાં વાર્તાપઠનનો આ કાર્યક્રમ એટલે એક મહાયજ્ઞ. મુંબઈના પશ્ચિમ વિભાગના આ પરામાં આવી સરસ સાંસ્કૃતિક પ્રવૃત્તિ થાય છે તે ઘણી આનંદની વાત છે.   

કાર્યક્રમમાં આ વખતે નાવીન્ય એ કે સાંપ્રત વાર્તાઓને બદલે અર્વાચીન સાહિત્યના પ્રારંભ કાળની વાર્તાઓ જોડે રસિક શ્રોતામિત્રોનું પુન: સંધાન થયું.  

સૌ પ્રથમ નિકિતા પોરિયાએ રજૂ કરી ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા તરીકે જેની ગણના થાય છે તે મલયાનિલ કૃત વાર્તા “ગોવાલણી”. પોતાની પાછળ આસક્ત થયેલા વાર્તાનાયકને ગામડાની એક ગોવાલણી કેવી કુનેહપૂર્વક નિયંત્રણમાં રાખે છે એની હળવી શૈલીમાં મજેદાર રજૂઆત.

બીજા ક્રમે પ્રણવ રૂપારેલિયાએ રજૂ કરી કનૈયાલાલ મુનશી લિખિત વાર્તા “મારી કમલા”. વાર્તામાં આજથી સોએક વર્ષ પહેલાંના સમાજજીવનનું પ્રતિબિંબ મળે છે. પેટની બળી ગામ બાળે એમ કેટલીક દુખિયારી સ્ત્રીઓ અન્યોને ગેરમાર્ગે દોરીને એમનું પણ જીવન દુઃખી કરી મૂકે છે. નાયક પોતાની પત્ની કમલાને ખૂબ ચાહતો હતો પણ પોતાની માતાની ઉશ્કેરણીથી કમલા નાયક જોડે કંકાસ કરવા માંડે છે. કમલા પોતે તો દુઃખી થાય જ છે અને જોડે પતિને પણ એ દુઃખી કરે છે.

કોફીબ્રેક પછી ત્રીજા ક્રમે કૃષ્ણા ઓઝાએ રજૂ કરી સુન્દરમ લિખિત વાર્તા “ખોલકી”.

પરણ્યા પછી પ્રથમ પ્રેમમિલન પ્રસંગે જ એક કોડભરી કન્યાના સ્વપ્નાંઓને ચકનાચૂર કરી નાખે છે એનો મોટી ઉંમરનો બીજવર પતિ. નાયિકા જોડે એ છેક જ રુક્ષ અને અસભ્ય વર્તન કરે છે, પત્ની જાણે પશુ હોય એવું એ વર્તે છે.

ચોથી અને છેલ્લી વાર્તા રજૂ કરી કવિત પંડયાએ રમેશ પારેખ લિખિત વાર્તા “ત્રેપ્પનસિંહ ચાવડા હજી જીવે છે.

આ એક કપોળકલ્પિત વાર્તા છે. એક સ્થાનિક પત્રકાર કાચની ફોટોફ્રેમની અંદર મઢાયેલા લાંબી મૂછોવાળા લાલજી અથવા ભૂરાજીનો ઇન્ટરવ્યુ લે છે. આ લાલજી અથવા ભૂરાજીએ ત્રેપ્પન સિંહોનો શિકાર કરેલો એટલે એમનું નામ ત્રેપ્પનસિંહ ચાવડા પડેલું. ચોપ્પનમા સિંહ વખતે બાજી પલટાઈ ગયેલી એટલે લાલજી અથવા ભૂરાજી ફોટોફ્રેમમાં જડાઈ ગયેલા. આ લાલજી અથવા ભૂરાજી એક મિથ્યાભિમાની પુરુષનું પ્રતિક બની રહે છે. આ પાત્રના માધ્યમથી વાર્તાકારે પુરુષો અને સમાજજીવન અંગે સરસ વ્યંગ કર્યો છે.

સભાનું સમાપન કરતી વેળા કાર્યક્રમના આયોજક અને પુરસ્કર્તા એવા બાલભારતીના ટ્રસ્ટીશ્રી હેમાંગભાઈ તન્નાએ વાર્તાપઠનની સમાંતરે ચાલતી સંસ્થાની અન્ય એક મહત્વની પ્રવૃત્તિ એટલે કે બાલભારતી નાટયશાળાનો ઉલ્લેખ કર્યો અને આગામી નાટયપ્રયોગોની માહિતી આપી.  

એકંદરે ઉપસ્થિત સહુ શ્રોતામિત્રોએ માણી એક મજાની સાંજ!

--કિશોર પટેલ, 30-08-22; 08:05

###

       

   

 

       


No comments: