Wednesday 3 August 2022

વાર્તારસિકો માટે એક નિવેદન


 

વાર્તારસિકો માટે એક નિવેદન

(૪૦૫ શબ્દો)

મિત્રો, આપ સહુ જાણો છો એમ છેલ્લા કેટલાક સમયથી હું આપણા ગુજરાતી સાહિત્યમાં લખાતી / પ્રગટ થતી સાંપ્રત ટૂંકી વાર્તાઓની નોંધ રાખતો / લખતો આવ્યો છું.  આ જ ઉપક્રમમાં ઈ.સ. વર્ષ ૨૦૨૦ ની ટૂંકી વાર્તાઓ વિષેનો મારો એક લેખ એતદના જૂન ૨૦૨૧ અંકમાં પ્રગટ થયો હતો.          

એ લેખ માટે કેલેન્ડર વર્ષમાં કુલ છ સામયિકોમાં પ્રગટ થયેલી તમામ વાર્તાઓ આવરી લીધી હતી. એ છ સામયિકો હતાં: એતદ, પરબ, શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, જલારામદીપ અને મમતા વાર્તામાસિક.  એ વર્ષે આ છ સામયિકોમાં કુલ મળીને ૩૧૯ વાર્તાઓ પ્રસિદ્ધ થઈ હતી. વર્ષ ૨૦૨૧ માં જલારામદીપના માલિક/પ્રકાશક મનુભાઈ પટેલ વાસદવાળા અને તંત્રી/સંપાદક સતીશ ડણાક એમ બંને મહાનુભવોના અવસાનના કારણે સામયિક બંધ પડી ગયું. ૨૦૨૦ ની કુલ ૩૧૯ વાર્તાઓમાંથી એકલા જ.દીપ નો ફાળો હતો: ૧૫૦ વાર્તાઓ! એટલે કે ૪૭ ટકા! વિચાર કરો કે સંપૂર્ણપણે ટૂંકી વાર્તાને વરેલું કોઈ સામયિક આમ બંધ પડી જાય ત્યારે સાહિત્યજગતને કેટલી મોટી ખોટ પડે છે! વર્ષ ૨૦૨૧ ના સરવૈયાનો લેખની તૈયાર કરતી વખતે આ ખોટ સરભર કરવા અન્ય ત્રણ સામયિકો (કુમાર, બુદ્ધિપ્રકાશ અને શબ્દસર) ની વાર્તાઓની પણ નોંધ લેવાનું જુલાઈ-ઓગસ્ટ મહિનાથી શરુ કર્યું. ઉપરાંત આનંદના સમાચાર એ કે ઓક્ટોબર ૨૦૨૧ થી એક નવું વાર્તામાસિક “વારેવા” શરુ થયું જે સંપૂર્ણપણે ટૂંકી વાર્તાને સમર્પિત છે.  

હાલમાં ધ્યાનમાં આવ્યું છે કે વર્ષમાં પ્રગટ થતી કુલ વાર્તાઓના પ્રમાણમાં બુદ્ધિપ્રકાશ અને શબ્દસરની વાર્તાઓનું પ્રમાણ અત્યંત અલ્પ છે.  આ બે સામયિકોના છેલ્લા બાર મહિનાના અંકોમાં પ્રગટ થયેલી વાર્તાઓના આંકડા આ પ્રમાણે છે: બુદ્ધિપ્રકાશ: ૬ અને શબ્દસર: ૯.  એટલે કે મહિને ૧ વાર્તાની પણ સરેરાશ આ સામયિકોમાં જળવાતી નથી!

વર્ષ ૨૦૨૦ માં કુલ વાર્તાઓ હતી: ૩૧૯ અને વર્ષ ૨૦૨૧ માં કુલ વાર્તાઓ હતી: ૨૫૨. સરેરાશ ગણીએ તો વર્ષે ૨૮૬. હવે આ કુલ ૨૮૬ માં બુદ્ધિપ્રકાશ અને શબ્દસર બંને સામયિકોની કુલ વાર્તાઓનો ફાળો ૧૫ ગણીએ તો એમના યોગદાનની ટકાવારી થઈ કેવળ ૫.૨૪ %!  

આ સંજોગોમાં લવાજમ ભરીને આ બે સામયિકો મંગાવવા મારા માટે વ્યવહારુ નથી.   

લેખકમિત્રો નોંધ લે કે હવે પછી “બુદ્ધિપ્રકાશ” અને “શબ્દસર” સામયિકમાં પ્રગટ થતી વાર્તાઓની નોંધ હું નહીં લઈ શકું, સિવાય કે જે તે લેખક એમની વાર્તાની નકલ મને બારોબાર પહોંચાડે.

આ ઉપરાંત અન્ય એક સામયિકમાં પ્રગટ થતી વાર્તાઓની નોંધ પણ હું નહીં લઉં કારણ કે એ સામયિક લેખકોને પુરસ્કાર આપતું નથી. લેખકો પ્રતિ એમની આવી અન્યાયી નીતિ સામે હું મારો વિરોધ આ રીતે નોંધાવું છું.       

--કિશોર પટેલ, 04-08-22; 09:52

તા.ક.: આ ત્રણ સામયિકોની વાર્તાઓની નોંધ અટકાવવાની સામે બે અન્ય સામયિકોમાંની વાર્તાઓની નોંધ લેવાનું ઠરાવ્યું છે. આ બે સામયિકો છે: “નવચેતન” અને “અખંડ આનંદ.” આ ઉપરાંત કોઈ સામયિક બાકી રહી જતું હોય તો મને જાણ કરવા મિત્રોને વિનંતી.

###  

 

No comments: