Wednesday 16 September 2020

જલારામદીપ સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

જલારામદીપ સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૪૬૪ શબ્દો)

આ અંકમાં કુલ નવ વાર્તાઓ છે. નવ વાર્તાઓમાંથી મારી દ્રષ્ટિએ ત્રણ સરસ, ત્રણ સરેરાશ, બે સામાન્ય, અને એક નબળી છે.      

સહુ પ્રથમ ત્રણ સારી વાર્તાઓ વિષે:

જીજાજી (જગદીપ ઉપાધ્યાય) : આપણે ત્યાં જમાઇને સામાન્ય રીતે ઘણાં માનપાન મળતાં હોય છે. પ્રસંગોપાત એમાં ઓગણીસ-વીસ થઇ જાય તો કેટલાક જમાઈઓ નાનાં બાળકની જેમ રીસાઈ પણ જતાં હોય છે. એવા એક જમાઈની વાર્તા. બનેવી અને સાળા બંનેનું પાત્રાલેખન સરસ. બનેવીની ભાષામાં ગ્રામ્યબોલીનો સરસ પ્રયોગ. હળવી શૈલીમાં મજેદાર રજૂઆત. સારી વાર્તા.

ઊભા રે’જો (લતા હિરાણી) : આયખું જેની જોડે કાઢ્યું એ હવે રહ્યાં નથી એટલી જાણ થતાં જ ડોસીએ પણ જીવ કાઢી નાખ્યો. પાડોશી દયાકાકા, દીકરાઓ રમેશ-સુરેશ, વહુનું, નાનકા છોકરાનું સહુનું ઓછાં શબ્દોમાં સરસ પાત્રાલેખન. ઘટનાનું આલેખન સારું. સરસ રજૂઆત. સારી વાર્તા.

રામ તુલસી શ્યામ તુલસી (દીના પંડ્યા) : એક માતા અને બે પત્નીઓ. ત્રણેત્રણ પીડિતાઓ એક થઇ ગઇ અને શોષણખોર પુરુષ એકલો પડી ગયો એટલે સીધો દોર થઇ ગયો. અંત સારો એનું સઘળું સારું. તળપદી ભાષાનો સરસ પ્રયોગ. ગ્રામ્ય વાતાવરણ સરસ ઊભું કર્યું. પ્રારંભમાં અંગમાં માતા આવવાના દ્રશ્યનું સરસ વર્ણન. સારી વાર્તા.   

ત્રણ સરેરાશ વાર્તાઓ:

ટ્રાન્સફર (ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’) : પતિ,પત્ની ઔર વો. પતિનું માનસ શંકાશીલ. રજૂઆત સરેરાશ. દેવી (કિશોર વ્યાસ) : ગામડાની બસમાં નાયિકાને એકલી જોઇને એક મવાલી તેનો વિનયભંગ કરવા ઈચ્છે છે; ડ્રાઈવર-કંડકટર પણ એના મળતિયા હોય એવું લાગે છે. વચ્ચેના સ્ટોપ પરથી બસમાં કિન્નરોની ટોળી પ્રવાસમાં જોડાય છે અને ચિત્ર બદલાઇ જાય છે. નાયિકાના મનોભાવોનું આલેખન સારું. જાહેર જીવનમાં અસભ્ય વર્તન કરતાં પુરુષો વિષે લેખક એક સ્ટેટમેન્ટ કરે છે. સરેરાશ વાર્તા. હાથતાળી (એકતા દોશી) : માણસ હજી પણ તેના કર્મ કે ગુણથી નહીં પણ કયા ધર્મમાં જન્મ્યો છે એના પરથી ઓળખાય છે એ અંગે સ્ટેટમેન્ટ કરતી વાર્તા. વર્ષો પહેલાં છૂટા પડી ગયેલા બે પ્રેમીઓ નાટ્યાત્મક પરિસ્થિતિમાં ફરી મળે છે. રજૂઆત સરેરાશ.

બે સામાન્ય વાર્તાઓ :

પહેલો પ્રેમ (મનહર ઓઝા) : નાના શહેરની છોકરીઓને પ્રેમમાં પાડી વેશ્યાવ્યવસાયમાં ધકેલી દેનારી એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ કરનારી ટોળકીની વાત છે. પ્રસંગોનું નાટ્યાત્મક નિરૂપણ થયું છે છતાં આ કૃતિ વાર્તા બનતી નથી. હા, એક નવલકથાનો કાચો મસાલો જરૂર છે. ઉડાઉ દીકરો (રમણ મેકવાન) : “છોરું કછોરું થાય, માવતરથી કમાવતર ના થવાય.” કહેવતના અર્થની બાઈબલમાં કહેવાયેલી એક કથાની સામાન્ય રજૂઆત.

એક નબળી વાર્તા:

તાઝેરાતે હિન્દ (સદાશિવ વ્યાસ) : માનસિક અસ્થિર દર્દીઓની હોસ્પિટલના એક દર્દીની વાત છે. આ રહી વાર્તાની મોટી ભૂલો: ૧.  પ્રથમ પુરુષ એકવચન કથનશૈલીમાં શરુ થયેલી વાર્તા અંત સુધી જતાં જતાં ત્રીજા પુરુષ એકવચનમાં બદલાઇ જાય છે. ૨. અહીં દાખલ થયેલાં દર્દીઓનો ઉલ્લેખ કથક “પાગલ” તરીકે કરે છે. વાર્તાનો કથક ડોક્ટર છે. કમસે કમ એક ડોક્ટર તો એમને પાગલ ના કહે. ડોક્ટર સામાન્યપણે એમનો ઉલ્લેખ “દર્દી” તરીકે કરતાં હોય છે. ૩. જે વિશેષ દર્દીની વાત થાય છે એને માટે કથક કહે છે કે “તે ન્યાયાલયમાં  માનનીય જ્યુરીના પદે હતા.” જ્યુરી નામનો કોઈ હોદ્દો હોતો નથી. જ્યુરી નીમવામાં આવતી હોય છે; જ્યુરી એક કરતાં વધુ સભ્યોની બનેલી હોય છે. નબળી વાર્તા.

--કિશોર પટેલ; બુધવાર, 16 સપ્ટેમ્બર 2020;13:13

###


No comments: