Sunday 13 September 2020

શબ્દસૃષ્ટિ માર્ચથી ઓગસ્ટ ૨૦૨૦ અંકોની વાર્તાઓ વિષે:

 




શબ્દસૃષ્ટિ માર્ચથી ઓગસ્ટ ૨૦૨૦ અંકોની વાર્તાઓ વિષે:

(૬૮૧ શબ્દો)

ચાલુ વર્ષનાં માર્ચથી ઓગસ્ટ છ મહિનાના સમયગાળામાં શબ્દસૃષ્ટિ સામયિકના કુલ ચાર અંકો પ્રસિદ્ધ થયાં છે. માર્ચ અંકમાં એક, એપ્રિલ-મે-જુન સંયુક્ત અંકમાં ચાર, જુલાઇ અંકમાં બે અને ઓગસ્ટ  અંકમાં બે એમ બધું મળીને કુલ નવ વાર્તાઓ પ્રગટ થઇ છે.

આ નવ વાર્તાઓમાંથી મારી દ્રષ્ટિએ એક સરસ વાર્તા, પાંચ સારી વાર્તાઓ, બે સામાન્ય વાર્તાઓ અને એક અ-વાર્તા છે.

સહુ પ્રથમ સરસ વાર્તાની વાત.

તરસ્યા કુવાને કાંઠે (ગુણવંત વ્યાસ) : સંપૂર્ણ વાર્તા વ્યંજનામાં ચાલે છે. નાની બાળકી જીવીને સમજાતું નથી કે રોજ રાતે ગામના લોકો કૂવો ખોદવા કેમ આવે છે, રોજ કેમ એણે બાપની આંગળી ઝાલીને બીડીની દુકાને જઇને બેસી રહેવું પડે છે, રાત્રે ઊંઘ ઊડી જાય ત્યારે પડખે મા કેમ નથી હોતી. ગામ આખું કૂવામાં કચરો નાખે છે, એક દિવસ કૂવો કોહવાઇને ગંધાઈ ઊઠે છે! માણસજાતના ઈતિહાસ જેટલાં જ જૂનાં વેશ્યાવ્યવસાયની વાત લેખકે કેવા સરસ રૂપક વડે કહી છે! સરસ વાર્તા! (જુલાઇ ૨૦૨૦)

પાંચ સારી વાર્તાઓ:

૧. શરત (ધરમાભાઇ શ્રીમાળી) : સ્ત્રી સશક્તિકરણની વાત. ગામડામાં એક સ્ત્રી પર બળાત્કાર થયો છે. ફરિયાદ થઇ છે અને આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. આરોપી ગામના આગેવાનનો દીકરો છે. ફરિયાદ પાછી ખેંચી લેવા માટે નાયિકા પર ચારે તરફથી દબાણ થાય છે. નાયિકાને એક વાર તો એમ થાય છે કે ભરી સભામાં આરોપીની પત્નીને પોતાનો પતિ કસકસીને એક ચીમટો ભારે ભરે તો થઇ જાય સમાધાન.   પણ આવી શરતની અર્થહીનતા નાયિકાને સમજાય છે. નાયિકાના મનોમંથનનું આલેખન સારું થયું છે. પતિ, સાસુ અને ગામ આખાના દબાણ સામે ના ઝૂકવાની મક્કમતા અને એક નિર્દોષ સ્ત્રીને અન્યાય ના થવા દેવાની ભાવના વડે ગૌરીના પાત્રનું કદ મુઠી ઊંચેરું સાબિત થાય છે. સારી વાર્તા. (માર્ચ ૨૦૨૦) 

૨. ગજું (કેશુભાઇ દેસાઇ) : અંધશ્રદ્ધા અને અતૃપ્ત ઈચ્છાઓને લીધે પાકટ વયના મનોહરલાલ એક બાવાના હાથે ઠગાઇ જાય છે. એ જ બાવા પાસે ઠગાઇ થયાની રાવ ખાવા એ જાય ત્યારે બાવો હજી એને ઊંધા રવાડે ચડાવે છે: “હાલીમુવાલીનું એ ગજું નહીં!” સામાન્ય માણસની નબળાઇ પર જબરો કટાક્ષ. સારી વાર્તા. (એપ્રિલ-મે-જૂન ૨૦૨૦) 

૩. ખરે ટાણે (ગોરધન ભેસાણિયા) : વિધિની વક્રતા. એક દંપતી છે જેને ત્યાં શેર માટીની ખોટ છે. બીજું એક દંપતી છે જે કહે છે કે આવો નપાવટ દીકરો આપ્યો એના કરતાં ભગવાને અમને વાંઝિયા રાખ્યાં હોત તો સારું હતું. બસમાં એક કલાકાર કાકાનું પાકીટ તફડાવી જાય છે. અણીના સમયે એક યુવાન કાકાને રોકડા રૂપિયાની મદદ કરે છે. મદદ કરનારની અસલિયત કાકાને પાછળથી જાણવા મળે છે. જો કે આ વાતની જાણ કાકાને ન થતાં ફક્ત વાચકને-ભાવકને થઇ હોત તો વાર્તા વધુ સારી બની હોત. સારી વાર્તા. (એપ્રિલ-મે-જૂન ૨૦૨૦)

૪. ટનલ (કિશનસિંહ પરમાર) : સાયન્સ ફિક્શન વાર્તા. અજાયબ કણની શોધ કરતાં કરતાં ડો. કેયુર જોશી પ્રયોગશાળામાં કોઇ ભૂલના કારણે ટાઈમ ટ્રાવેલ કરીને  પંદર વર્ષ પહેલાંના સમયમાં પહોંચી જાય છે. સારી વાર્તા. (જુલાઇ ૨૦૨૦)

૫. પથરો (લતા હિરાણી) : ઘરમાં સાસુનું વર્ચસ્વ એવું છે કે નથી સસરા કંઇ બોલી શકતા કે નથી પતિનું કંઇ ઉપજતું. એવા ઘરમાં દુઃખી થયેલી નાયિકા ફારગતી ઈચ્છે છે, સગાં-સ્નેહી પણ સત્ય સમજે છે એટલે ફારગતી માટે સહુ એકમત થાય છે પણ છેલ્લી ઘડીએ પાડોશનો એક નાનો છોકરો હકદાવો રજૂ કરે છે કે “ભાભી અમારા છે! એને તમે લઇ જઇ નહીં શકો!” નાયિકાને જાણે બહાનું મળી ગયું હોય એમ નિર્ણય ફેરવી તોળે છે.  માનવીય લાગણીઓનું સારું આલેખન. સારી વાર્તા. (ઓગસ્ટ ૨૦૨૦)

બે સામાન્ય વાર્તાઓ:

૧. ઉડાન (રેખા જોશી) : પુરુષપ્રધાન માનસિકતાથી પીડિત નાયિકા નથી અન્યાય સહન કરી શકતી કે નથી વિદ્રોહ કરી શકતી. સામાન્ય વાર્તા. (ઓગસ્ટ ૨૦૨૦)

૨. નમાલો (અન્નપૂર્ણા મેકવાન) : ‘નમાલો’ કહીને આખું ગામ જે આદમીને ચીડવતું હતું  એ આદમી યુક્તિપૂર્વક પોતાની દીકરીને અયોગ્ય ઠેકાણે પરણતી અટકાવે છે. અહેવાલાત્મક સામાન્ય વાર્તા. (એપ્રિલ-મે-જૂન ૨૦૨૦) 

એક -વાર્તા:

એન્ટિક પીસ (રાજેન્દ્ર પાટણવાડિયા) :  આ વાર્તા નથી.

જૂનું ઘર પાડીને વેચી નખાયું છે. મૃત માતાની યાદગીરી રૂપે જૂની બે પૈડાવાળી ઘંટી નાનો ભાઈ માંગી લે છે.

આ વાર્તાની રજૂઆત ભારે આંચકાજનક છે. લાગે છે કોઇ તદ્દન નવા નિશાળિયાની આ પહેલી વાર્તા છે.  શબ્દસૃષ્ટિ જેવા પ્રતિષ્ઠિત સામયિકમાં આટલી પ્રાથમિક કક્ષાની વાર્તા કઇ રીતે પ્રસિદ્ધ થઇ શકે એ સમજાતું નથી. વાર્તાનું કથન નરેન્દ્ર નામનું એક પાત્ર પહેલા પુરુષ એકવચનમાં કરે છે પણ જ્યાં જ્યાં એનો પોતાનો ઉલ્લેખ આવે ત્યાં એટલું વાક્ય ત્રીજા પુરુષ એકવચનમાં લખાયું છે. વળી ‘નરેન્દ્ર’ એવું લખીને કૌંસમાં ‘હું’ લખાયું છે. આવું “નરેન્દ્ર એટલે કે હું” આખી વાર્તામાં કુલ દસ વખત આવે છે!  વાર્તાનું કથન  પહેલા પુરુષમાંથી ત્રીજા પુરુષમાં સતત બદલાતું રહે છે. (એપ્રિલ-મે-જૂન ૨૦૨૦)   

--કિશોર પટેલ; બુધવાર, 09 સપ્ટેમ્બર 2020;19:41.

###

 

 

 

  


No comments: