Monday 14 September 2020

પરબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૦ અંકોની વાર્તાઓ વિષે:



 

પરબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૦ અંકોની વાર્તાઓ વિષે:

(૨૫૬ શબ્દો)

બંને અંકમાં એક એક વાર્તા છે, બંને સરસ, વાચનક્ષમ વાર્તાઓ છે.

વેલ્યુ (સંજય ચૌધરી) :

માનવમન એટલું તો સંકુલ છે કે ક્યારે કોના મનને કેવી રીતે ઠેસ લાગી જશે કંઇ કહેવાય નહીં. એમાં પણ શૈક્ષણિક, સામજિક કે આર્થિક સ્તર જેટલું નીચું એટલો જેનો તેનો અહં મોટો. પ્રસ્તુત વાર્તામાં બે અલગ અલગ વર્ગના પાત્રોનો અલગ અલગ સ્થિતિમાં અહં ઘવાય છે. સાતમી ચોપડી પાસ પણ ગ્રેજ્યુએટના સ્તરનું કામ કરતાં શંભુને સામાન્ય વાતમાં મંડળીના પ્રમુખ એક લાફો મારી દે છે અને શંભુને ખોટું લાગી જાય છે. “આપણી કોઇ વેલ્યુ જ નહીં?”  આ જ પ્રશ્ન એના મિત્ર અને એનાથી વધુ શિક્ષિત અને વધુ જવાબદારીનું કામ કરતાં કોન્ટ્રકટર ચેતનને થાય છે. ચેતનનો અહં ક્યારે અને શું કામ ઘવાય છે? વેલ, આ રજૂઆતની કમાલ છે કે ક્યાંય સીધું કહ્યું નથી અને છતાં એ વાત સ્પષ્ટ થાય છે. સરસ વાર્તા! (ઓગસ્ટ ૨૦૨૦)

માછલી (વીનેશ અંતાણી) :

ગરીબીમાં સબડતી એક કન્યાની કરુણતાની વાત. પિતા છે પણ કામકાજ કંઇ કરતા નથી. માતા શ્રીમંતોને ત્યાં ઘરકામ કરીને કુટુંબનું પાલનપોષણ કરે છે. ક્યારેક માને સારું ના હોય ત્યારે દીકરી કામ કરવા જાય છે. એવે કોઈક પ્રસંગે જુવાન છોકરી જોડે ના બનવાનું બન્યું હશે અને ગર્ભ રહી ગયો હશે. કન્યાની એ અવસ્થાનો શ્રીમંતો જે ઈલાજ કરી શકે તે કરાવ્યો છે.

આ વાર્તાની રચનારીતિ જુઓ, ગર્ભપાત પછીની સ્થિતિના વર્ણનથી વાર્તાનો ઉપાડ થાય છે અને હોસ્પિટલની અસહ્ય પરિસ્થિતિમાંથી ભાગી છૂટીને એ છોકરી નદીના પાણીમાં ઊતરીને એક માછલીને પોતાની છાતીએ વળગાડે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સંપૂર્ણ વાર્તામાં વિષાદ છવાયેલો છે. નીવડેલા વાર્તાકાર તરફથી મળેલી વાર્તામાં સરસ વાર્તાનુભૂતિ. (સપ્ટેમ્બર ૨૦૨૦)

--કિશોર પટેલ, ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020;17:15

તા.ક. પરબનાં આ બંને અંકો વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:

www.gujaratisahityaparishad.org

###             

No comments: