Saturday 12 September 2020

નવનીત-સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 


નવનીત-સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૨૯૩ શબ્દો)

આ અંકમાં એક સરસ વાર્તા અને બે સારી વાર્તાઓ છે. આ ઉપરાંત એક ચમત્કારની વાર્તા છે.

સહુ પ્રથમ સરસ વાર્તા વિષે:

સાવિત્રીનો સંસાર (જયંત રાઠોડ) : સ્વજનો માટે જાત ઘસી નાખતી એક સ્ત્રીની જિંદગીનો ચિતાર આપતી વાર્તા.  પતિ-પત્ની બંનેના અંગમાં ખોડ છે પણ છતાં પતિમાં પુરુષ હોવાનું મિથ્યાભિમાન છે. એવા સંવેદનાશૂન્ય પતિ પાછળ આખી જિંદગી ઘસી નાખીને પણ પતિ તરફથી સાવિત્રીને આદર મળ્યો નથી.  એકના એક પુત્રમાં પણ પુરુષ હોવાના મિથ્યાભિમાનના લક્ષણો સાવિત્રીને દેખાય છે. થોડો ઘણો આદર મળ્યો છે, એના વ્યક્તિત્વનો સ્વીકાર થયો છે તો એ નિશાળનાં સ્ટાફ જેવા બહારનાં  માણસો દ્વારા. પુત્રવધુનો હાથ પકડીને સાવિત્રી ઘરમાં લઇ જાય છે એવો અંત સૂચક છે. સરસ વાર્તા.     

નોંધનીય અભિવ્યક્તિ : // જાતને ભૂંસીને ટેકો આપેલું ઘર આ આંચકો ખમી શકશે કે કેમ? // બહુ પાછળથી સમજાયું કે શરીરની કોઇ ગ્રંથિ પોતાના કરતાં એના પતિમાં ઓછી સક્રિય હતી. // જાણે એ એકલી એકલી ધર્મનો એક માત્ર ફેરો  ફરતી રહી. //   

બે સારી વાર્તાઓ:

ભૂખ (મેઘા ત્રિવેદી) : પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લા દેશ) અને ભારતનાં યુદ્ધગ્રસ્ત સરહદી વિસ્તારમાંથી કોલકાતા શહેરમાં આવી ચઢેલા એક તરુણની વાત. જીવનમાં ટકી રહેવાનો સંઘર્ષ માણસને કેવો સ્થિતિસ્થાપક બનાવી દે છે એની વાત. વાર્તામાં ઠેર ઠેર કારુણ્યસભર શબ્દચિત્રો નજરે પડે છે. સારી વાર્તા.  

રોગ (અશ્વિની બાપટ) : બેકારી, નિષ્ક્રિયતા અને ઉદ્દેશહીન જીવન માણસના મનને કેવી રીતે નબળું પાડી દઇ શકે છે એનું ઉત્તમ  ઉદાહરણ એટલે આ વાર્તામાં અકુનું પાત્ર. સારી વાર્તા.  

ચમત્કારની વાર્તા:

વામની... (અરવિંદ બારોટ) : સાચા હ્રદયથી ભક્તિ કરનારા ભક્તને ઈશ્વર સાક્ષાત દર્શન આપે છે એવી ચમત્કારિક કથા.

ગમી ગયેલી વાર્તા (શરીફા વીજળીવાળા) : સ્ટેફાન ત્સ્વાઈકની જાણીતી વાર્તા a letter from an unknown woman નો પરિચય શરીફાબેને કરાવ્યો છે. એકપક્ષી પ્રેમનું એકરારનામું. આ વાર્તા પરથી બે વાર ફિલ્મ પણ બની છે.

# આ અંકની વાર્તાઓ વાંચવા માટે ક્લિક કરો: http://www.navneetsamarpan.com

--કિશોર પટેલ ; લખ્યા તારીખ: શનિવાર, 05 સપ્ટેમ્બર 2020; 18:01

###

    


No comments: