Monday 17 August 2020

જલારામદીપ ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

જલારામદીપ ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૪૨૨ શબ્દો)

આ અંકની શ્રેષ્ઠ વાર્તા આપણી ભાષાની નથી પણ તેલુગુ ભાષાની છે. બાકીની આઠ વાર્તાઓમાંથી ત્રણ સારી, એક સારી બની શકી હોત એવી અને ચાર સામાન્ય વાર્તાઓ છે. આ ઉપરાંત આ અંકમાં બે અ-વાર્તાઓ પણ છે.

સહુ પ્રથમ અંકની શ્રેષ્ઠ વાર્તાની વાત

અયોનિ (પોપુરી લલિતાકુમારી ‘વોલ્ગા’ની મૂળ તેલુગુ વાર્તા; અનુ:સ્વાતિ મેઢ) : ઘણી જ સરસ વાર્તા. એક નિર્દોષ બાળકીની નજરે વિશ્વના સૌથી જૂના વ્યવસાયની દુનિયાનું ચિત્ર રજૂ થયું છે. એક સમયે પરીકથાઓમાં રાચતી બાળકીને હવે પોતાના જ દેહ પ્રત્યે નફરત થઇ ગઇ છે. હૈયું હચમચાવી દે એવી કરુણાંતિકા.  રજૂઆત આ વાર્તાને પૈસા વસૂલ વાર્તા બનાવે છે. 

ત્રણ સારી વાર્તાઓ

છીંકાયણ (બકુલેશ દેસાઇ) : હળવી શૈલીમાં છીંક અંગેની મજેદાર વાર્તા કહેતાં કહેતાં એક સ્ત્રીની આખી જિંદગીની ખાનાખરાબીની વાત પણ લેખકે કહી દીધી. એક પંથ દો કાજ! સારી વાર્તા.

સન્માન (જિતેન્દ્ર પટેલ) : થોડુંક જે વર્ણન છે તેની જો ચોક્કસ વ્યવસ્થા થાય તો એક શુદ્ધ સંવાદકથા બની શકે. દલિતો માટે પ્રત્યે સમાજમાં હજી પણ દેખાતી અસ્પૃશ્યતા અંગે વિધાન કરતી વાર્તા. ચોટદાર અંત. સરસ રજૂઆત.

ધમકી (દુર્ગેશ ઓઝા) : કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં સલામત અંતર વિશેની એક સારી વાર્તા. 

સારી બની શકી હોત એવી એક વાર્તા

સ્વાગત (યશવંત ઠક્કર) : બીજા પુરુષ એકવચન કથનશૈલીમાં ઓછી વાર્તાઓ લખાય છે માટે આ કથનશૈલીમાં રજૂઆત થઇ એ પ્લસ પોઈન્ટ. વાર્તા છેક જ સીધી સરળ રીતે કહેવાઇ ગઇ એ માઈનસ પોઈન્ટ. ગામડાના માણસોની નિર્મળતા વિરુદ્ધ શહેરી માણસોનો વ્યવહારુ અભિગમ જેવો વિષય-વસ્તુ નવો નથી. આ વાર્તાને થોડીક રમાડીને, થોડીક મલાવીને કહી હોત તો સરસ બની શકી હોત.   

ચાર સામાન્ય વાર્તાઓ

શેઢો (ડો.એન એચ કોરિન્ગા ‘કોનાહ’) : સીધીસાદી સરળ રજૂઆત ; બાળપણની ભૂતકાળની પીડાદાયી સ્મૃતિ વર્તમાનને પણ દુ:ખદ બનાવી દે છે.  ભૂંસાઇ જતાં લિસોટા (કિરણકુમાર વી.મહેતા) : રજૂઆત સારી પણ વિષય-વસ્તુની દ્ર્રષ્ટિએ કાળબાહ્ય વાર્તા. એક સમય હતો જયારે ટ્રેડ યુનિયનનાં આગેવાનો સભ્યો જોડે દાદાગીરી કરતાં; હવે યુનિયનનો અભિગમ ઘણો વ્યવસાયિક બન્યો છે, સામ-દામ-દંડ-ભેદ બધી જ પદ્ધતિઓ અપનાવે છે. સાચી કે ખોટી હડતાળને ટકાવી રાખવા જરૂરિયાતમંદ સભ્યોને રોકડ રકમ તેમ જ કાચું સીધુંની મદદ કરે છે. શીર્ષક અગમ્ય છે. સિસિફસનો પડછાયો (નંદકુમાર વૈષ્ણવ) : રુટિન જિંદગીથી કંટાળેલી એક સ્ત્રી પતિ સમક્ષ એક નવો વિચાર રજૂ કરે છે. પતિના પ્રતિભાવ રજૂ થતાં નથી.  આ રચનાને વાર્તા કહેવી મુશ્કેલ છે. માઇનસ પોઈન્ટ: “ડોરબેલની રિંગ” એટલે શું? ડોરબેલ એટલે જ દરવાજાની ઘંટડી. અલગથી વધારાનો શબ્દ “રિંગ” લખવાનું શું કારણ? યુઝ એન્ડ થ્રો (નટવર હેડાઉ): વ્યાપારીકરણની વાત. કટાક્ષિકા.

બે અ-વાર્તાઓ

ઈશ્વર હોવાની સાબિતી (યોગેશ પંડ્યા) : ગામડાગામમાં કથાકારો અભણ ગામડિયાઓને કહે એવી ચમત્કારિક પરચાની કથા. એકસોએક ટકા અ-વાર્તા. ભાઇ હો તો... (અર્જુનસિંહ રાઉલજી) :  મનમોહન દેસાઈની ફિલ્મોની વાર્તા જેવી લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફોર્મ્યુલાની વાર્તા. ટૂંકમાં, આ અંકની શ્રેષ્ઠ અ-વાર્તા.

--કિશોર પટેલ, મંગળવાર, 18 ઑગસ્ટ 2020; 6:22 પૂર્વ મધ્યાહ્ન

###  


No comments: