Tuesday 21 July 2020

એતદ જૂન ૨૦૨૦ (પૂર્વાર્ધ) અંકની વાર્તાઓ વિષે



એતદ જૂન ૨૦૨૦ (પૂર્વાર્ધ) અંકની વાર્તાઓ વિષે:

(૩૫૪ શબ્દો)

કોરોના વિશેષાંકની આ બંને વાર્તાઓનો વિષય સ્વાભાવિકપણે “કોરોના” છે. એક વાર્તા ખતરનાક વાયરસના પરિણામ અંગેની છે જયારે બીજી વાર્તા લોકડાઉનની અસર અંગેની છે. બંને વાર્તાઓ રસ પડે એવી બની છે.   

નિષ્ક્રમણ (હર્ષદ ત્રિવેદી) :

નિષ્ક્રમ શબ્દ પરથી નિષ્ક્રમણ શબ્દ બન્યો છે. આ શબ્દનો અર્થ ભગવદગોમંડલ અનુસાર સંન્યાસ, ગૃહત્યાગ, ઉપાધિ છોડી સંસારમાંથી નીકળી જવું તે વગેરે થાય છે. આમ શીર્ષક સંકેત કરે છે સિદ્ધાર્થના નિષ્ક્રમણ તરફ. વાર્તામાં પણ વાત એ જ છે, પત્ની અને પરિવારને ઊંઘતા મૂકીને ગૃહત્યાગ કરી જતા નાયકની. હેતુ પણ લગભગ એક જ છે: સિદ્ધાર્થનું નિષ્ક્રમણ હતું સત્યની શોધ માટેનું અને આ વાર્તાના નાયકનું નિષ્ક્રમણ છે સત્યની (મૃત્યુની) સન્મુખ થવાનું.

નાયકને હજી રોગ લાગુ પડ્યો નથી. હજી થોડાંક ચિહ્નો વર્તાય છે, ટેસ્ટ કરવાનો બાકી છે, ફેમિલી ડોક્ટર તો ના પાડે છે કે એવું કશું નથી. પણ પરિવારની સલામતી માટે નાયક ગૃહત્યાગ કરવા ઉતાવળો બન્યો છે.

નાયકની મનોદશા તો એવી છે જાણે અંતિમ યાત્રાએ નીકળવાનું હોય! બે વખત બહાર નીકળીને બે વખત એ ઘરમાં પાછો આવે છે. ના, મૃત્યુથી ડરીને નહીં પણ પરિવારની ચિંતામાં. આપણી પાછળ કોઈને તકલીફ પડવી ના જોઈએ.

નોંધનીય અભિવ્યક્તિ: // આખી જિંદગી બધાં ને પોઝિટિવ બનો, પોઝિટિવ બની રહો-નો ઉપદેશ આપનારો આજે નેગેટિવ રિપોર્ટ ઈચ્છે છે!  //  

અનુભવી કલમ પાસેથી મળેલી સારી વાર્તા.  

લોકડાઉન (કોશા રાવલ) :

આપણે જોયું અને જાણ્યું છે કે માત્ર ચાર કલાકની નોટિસમાં દેશની જનતા પર લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. સંચારબંધી લાગુ થઇ ગઇ એટલે જે જ્યાં હતાં ત્યાં સ્ટેચ્યુ થઇ ગયાં!

હરિતા જોડે ફક્ત એક રાત ગાળવા માટે રોકાયેલા સુજોયને એની જોડે ફરજિયાત એકવીસ દિવસ રોકાવું પડે છે. સોશિયલ મીડિયા પર ફુરસદે ચેટિંગ કરવું એક વાત છે અને ફરજિયાત ચોવીસ કલાક જોડે રહેવું અલગ વાત છે. ફરજિયાતપણે જોડે રહેવું પડે તો જુદી જુદી પાર્શ્વભૂમિના બે પાત્રો વચ્ચેના સંબંધો કેવો આકાર લઇ શકે એનો સરસ અભ્યાસ આ વાર્તામાં થયો છે.

રસપ્રદ પરિસ્થિતિ ઊભી કર્યા પછી વિષય-વસ્તુને લેખકે સારી બહેલાવી છે. ડાયરીનાં પાનાં લખાતાં હોય એમ બંને પાત્રોનાં મનોભાવ વારાફરતી રજૂઆત પામે છે અને વાર્તા આકાર લે છે.

નોંધનીય અભિવ્યક્તિ: // પ્રેમ સાચી માની લીધેલી કોઈ દંતકથા લાગે છે અને ઉન્માદ શરીરની રાસાયણિક પ્રક્રિયાનો કોઈ પ્રત્યુત્તર લાગે છે. //

પ્રતિભાશાળી અને આશાસ્પદ કલમ પાસેથી મળેલી રસપૂર્ણ વાર્તા.      

---કિશોર પટેલ, રવિવાર, 19 જુલાઈ 2020; 6:02 ઉત્તર મધ્યાહ્ન.  

###   

No comments: