Thursday 2 July 2020

નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે



નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૩૫૨ શબ્દો)

આ અંકની ઉપલબ્ધિ છે છાયા ઉપાધ્યાય લિખિત એક ફેન્ટેસી વાર્તા.

કલ્પદ્રશ્ય (છાયા ઉપાધ્યાય) : વીસ-બાવીસ વર્ષ પછીના સમયની ફેન્ટેસીની ફેન્ટાસ્ટિક વાર્તા. કોરોના વાયરસના આક્રમણ પછી હાલમાં પ્રચલિત સોશિયલ ડિસ્ટન્સિંગવાળી જીવનપદ્ધતિ પછીથી નિયમ બની જશે એવી ધારણા આ વાર્તામાં થઇ છે. અવનવાં ગેઝેટ્સ, સ્માર્ટ દીવાલો, શરીર અને મનની ભીતરમાં થતાં સંચલનો પકડી પાડતાં સાધનો...આવનારા સમયમાં જીવનપધ્ધતિ કેટલી બદલાઈ ગઈ હશે એની રોચક કલ્પના થઇ છે. આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ થકી ચૌદ-પંદર વર્ષનાં ટાબરિયાં ચતુર-ચાલાક બની ગયાં હશે.  નાયકનું નામ યયાતિ હોવું સૂચક છે. પૌરાણિક કથા પ્રમાણે યૌવનનો આનંદ માણવા યયાતિ પોતાના પુત્ર પાસેથી યુવાની માંગી લે છે. આ વાર્તામાં યયાતિ નામનો પંદર વર્ષનો કિશોર યૌવનાવસ્થામાં પ્રવેશતાં થતાં શારીરિક પરિવર્તન અંગે જાણવા ઉત્સુક છે.  દરેક ત્રીજી પેઢીને પોતાના દાદા-દાદી કે નાના–નાની જોડે સારું ફાવે એ શિરસ્તો ભવિષ્યમાં પણ રહેશે એવું અહીં દર્શાવાયું છે. રજૂઆતમાં અંગ્રેજી ભાષાનાં શબ્દો અને વાક્યો છૂટથી વપરાયાં છે. ‘યયાતિમોજી’ અને ‘ગેઝેટોપ્લબ્ધ’ જેવાં નવા મજેદાર શબ્દો મળ્યા છે. આ વાતાવરણમાં  ‘ચોકન્ના’ શબ્દ ખૂંચ્યો.

પઠનીય, મનનીય અને સરસ વાર્તા.   

ગમી ગયેલી વાર્તા (શરીફાબેન વીજળીવાળા) :

જોનાર બાળક હોય પણ કથક વયસ્ક હોય એવી ફ્રેન્ક ઓ’કોનરની એક “હટ કે” વાર્તા The drunkard નો પરિચય ‘ગમી ગયેલી વાર્તા’ વિભાગમાં શરીફાબેન વીજળીવાળાએ કરાવ્યો છે. આ વાર્તામાં પાત્રોની ભૂમિકાની અદલાબદલી થઇ ગઈ છે. બાપ દારુ પીને છાકટો થઇ ગયો હોય ત્યારે એનો દીકરો રોજ એને સંભાળીને પીઠામાંથી ઘેર સુધી લઇ આવતો હોય છે. એક દિવસ એવું થાય છે કે દીકરો દારુ પીને છાકટો થઇ જાય છે અને બાપ એને સંભાળીને ઘેર લઇ આવે છે. મજેદાર વાર્તા.

આ ઉપરાંત આ અંકમાં પારંપારિક સ્વરૂપમાં બે સરેરાશ વાર્તાઓ છે:

૧. ધોળી ધૂળ (જયંત રાઠોડ) : પ્રાણીઓ માટે અભયારણ્ય બને એ સારી વાત છે પણ એ જમીન પર વરસોથી મીઠું પકવતા અગરિયાઓને કેમ વિશ્વાસમાં લેવામાં આવતાં નથી?  અગરિયાઓના જીવનનિર્વાહની સમસ્યા પર પ્રકાશ પાડતી વાર્તા.

૨. રમકડાની બસનું પૈડું (કિરણ વી. મહેતા) : ચીજ-વસ્તુ જોડે માણસો ભૂતકાળની કે સ્વજનોની સ્મૃતિ સાંકળી લેતાં હોય ત્યારે એવી વસ્તુઓ જે તે માણસ માટે કિંમતી હોવાની. પણ એ જ વસ્તુ અન્ય કોઈ માટે નજીવી કે કિંમત વિનાની હોઈ શકે. પ્રસ્તુત વાર્તામાં નાયકની જૂના ઘરની સ્મૃતિની વાત છે.    

--કિશોર પટેલ; ગુરુવાર, 02 જુલાઈ 2020; 12:57 ઉત્તર મધ્યાહ્ન  

-------------------------------------------------------------------


No comments: