Monday 20 July 2020

જલારામદીપ જુલાઇ ૨૦૨૦ વાર્ષિક વિશેષાંકની વાર્તાઓ વિષે



જલારામદીપ જુલાઇ ૨૦૨૦ વાર્ષિક વિશેષાંકની વાર્તાઓ વિષે :

(૯૫૫ શબ્દો)

આ વાર્તામાસિકની પરંપરા પ્રમાણે જુલાઇ મહિનાનો અંક વિશેષાંક હોય છે, એમાં એક ચોક્કસ વિષય પરની વાર્તાઓ રજૂ થતી હોય છે. પણ તંત્રીલેખમાં શ્રી સતીશભાઈ ડણાકસાહેબે નોંધ્યું છે તે પ્રમાણે આ વર્ષે મહામારીના પ્રતાપે ચોક્કસ વિષય પર વિશેષાંક તૈયાર થઇ શક્યો નથી.  એમણે ટહેલ નાખી એ પ્રમાણે આમંત્રિત લેખકોએ એમની તાજી રચના મોકલી આપી છે.
પ્રસ્તુત સંપુટમાં વિષય-વસ્તુ અને રજૂઆતની દ્રષ્ટિએ સારી, સરેરાશ અને સામાન્ય વાર્તાઓ છે.     

સારી વાર્તાઓ:

કોઇનું ચાલ્યું જવું (માવજી મહેશ્વરી) : કરુણતા એ છે કે એક મોભાદાર અને પ્રતિષ્ઠિત કુટુંબને દુઃખ એક સ્વજન ખોવાયાનું નથી પણ કુટુંબની પ્રતિષ્ઠાને થતી હાનિનું છે. આ વાર્તામાં રચનારીતિ ધ્યાનાકર્ષક છે. સમસ્યા શું થઇ છે એનું રહસ્ય સાદ્યંત જળવાયું છે અને ધીમે ધીમે વાર્તાના એક એક પડ ખૂલતાં જાય છે. આરંભમાં ટાવરમાં તિરાડ પડવાની વાત સૂચક. સરસ અને પઠનીય વાર્તા.    

તદ્દન (રજનીકુમાર પંડ્યા) : ઓફિસમાં હેડક્લાર્ક જેવી બઢતી મળતાં એક સામાન્ય માણસની માનસિકતામાં કેવો ફેરફાર આવે છે એનું સરસ આલેખન.

વાંક (રવીન્દ્ર પારેખ) : કરુણાંતિકા. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી એક ડોક્ટર દર્દીને મોતના મોંમાંથી તો બચાવે છે પણ દીકરીનું બલિદાન આપીને. ફરજ્પરસ્તીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. સારવારની ચોક્કસ તાંત્રિક વિગતોનું વર્ણન વાર્તાને અધિકૃતતા બક્ષે છે.       

ભગવાનનો દીકરો (પારુલ ખખ્ખર) : પોતાની મહેચ્છાઓનું સંતાનોમાં આરોપણ કરીને માતાપિતા તેમનો સ્વાભાવિક વિકાસ રૂંધે છે. આ વાર્તાનો નાયક શીખેલું ભૂલવાની યાત્રા શરુ કરે છે. સારી વાર્તા. માઇનસ પોઈન્ટ: ૧. નાયકની ચાલ માટે  પ્રયોજાયેલી ઉપમા “ફિલ્મી હીરો જેવી ચાલ” બેહુદી લાગે છે.  ૨. મનોચિકિત્સકના અવાજ માટે “હુંફાળો અવાજ” એકાદ વાર ઠીક લાગે, પણ ચાર ચાર વાર?  

યે તેરા ઘર, યે મેરા ઘર (ડો. પ્રફુલ દેસાઈ) : વિદેશમાં સ્થળાંતરિત થયેલાં કુટુંબોની ત્યાં જ જન્મેલી-ઊછરેલી બીજી પેઢીના વિદેશી રંગઢંગને કારણે લાગતાં સાંસ્કૃતિક આઘાતોની વાત. સુરેખ રજૂઆત.  

પેકેજ ટુર (વિપુલ વ્યાસ) : સરસ ફેન્ટેસી વાર્તા. અજાણ્યા મિશન પર રોમાંચક અનુભવો માણવા ગયેલા સાહસિકો આપસમાં થયેલા વિખવાદને કારણે છૂટા પડી જઇને સહુ સ્વતંત્રપણે એકલાં એકલાં અવકાશમાં વિહરી રહ્યાં છે એવી ભયાવહ કલ્પના આ વાર્તામાં થઇ છે.  જો કે મુખ્ય વિષય પર આવતાં ઘણું ફૂટેજ ખાધું.   

સરેરાશ વાર્તાઓ:  

નિરુત્તર (અજય સોની) : માવજત સારી પણ બલિદાન અને અધૂરી પ્રેમકહાણી જેવું જૂનું વિષય-વસ્તુ.  ભૂખ (હસમુખ કે.રાવલ) : રજૂઆતમાં નવું એટલું કે મૂર્તિમાં સજીવારોપણ થયું. પોતાની ભૂખ ભાંગવા ગાયને ભૂખી રાખતા માણસ સામે ભગવાન આંખ લાલ કરે છે.  બે પેઢીની વચ્ચે (દલપત ચૌહાણ) : વૃદ્ધાવસ્થામાં સંતાનો તરફથી થતી અવહેલનાની વાત. રાક્ષસો (દિવાન ઠાકોર) : સ્વર્ગ-નર્કની કલ્પના અને કોરોના મહામારીની વાસ્તવિકતાનું સંયોજન કરીને લખાયેલી આ ફેન્ટેસી વાર્તા કર્મ પ્રમાણે ફળ મળશે એવો સંદેશો આપતી સામાન્ય બોધકથા છે.  

સામાન્ય વાર્તાઓ:

કલપ (કલ્પેશ પટેલ) : લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતમાં પરપ્રાંતીય શ્રમિકોની સ્થિતિ વિષે સ્ટેટમેન્ટ. શીર્ષક “તલપ”ને વાર્તા જોડે સંબંધ નથી.   કાલો હિ  દુરતિક્રમ (સતીશ વૈષ્ણવ) : નોકરી-વ્યવસાય નિમિત્તે વિદેશ ગયેલાં સંતાનોનો ઝૂરાપો અનુભવતાં માવતરોની વાત.   સંજયરંગ (નીતિન ત્રિવેદી) : ટુચકા જેવી વાર્તા. પરિવારમાં સહુની લાગણી દુભાવીને પણ ફલર્ટ કર્યા કરતા નાયકની સાન સહુ મળીને ઠેકાણે લાવે છે. એક છબરડો: નાયકના પુત્રનું નામ નીરજ છે પણ એક ઠેકાણે નિહાર લખાયું છે. શીર્ષક ‘સંજયરંગ’  અયોગ્ય છે કારણ કે ‘સંજય’ એક પૌરાણિક પાત્રનું નામ છે; એ નામના અર્થો ઘણાં જ વેગળાં છે. આવું શીર્ષક ખોટા સંકેત આપે છે. અધૂરી જિંદગી (યોસેફ મેકવાન) : પતિના લગ્નબાહ્ય સંબંધના કારણે તૂટેલાં લગ્નજીવનની કરુણાંતિકા. અંત અચાનક આટોપી લેવાયો. સામાન્ય રજૂઆત.       

પુનશ્ચ (દશરથ પરમાર) : બે પ્રેમીઓ સંજોગવશાત પરણી શક્યા નહીં પણ વરસે એક વાર ચોક્કસ તારીખે ચોક્કસ સ્થળે મળવાનું નક્કી કરી દર વરસે મળતાં રહે છે. ત્રીજા પુરુષ એકવચનમાં શરુ થયેલી વાર્તા વચ્ચે જ એક પાત્રના મનોભાવ દર્શાવવા માટે પ્રથમ પુરુષમાં કહેવાવા માંડે; એ લાંબુ ચાલે; વળી પાછું યાદ આવે એટલે અચાનક ત્રીજા પુરુષમાં! આ ટાળી શકાયું હોત.
નોંધ: આ વિષય-વસ્તુ નવું નથી.  “સેમ ટાઇમ નેક્સ્ટ ઇયર” નામનું અંગ્રેજી નાટક (૧૯૭૫, લેખક: બર્નાડ સ્લેડ); એ જ નામની જાણીતી અંગ્રેજી ફિલ્મ (૧૯૭૮) અને “મોસમ છલકે” નામનું ગુજરાતી નાટક (૧૯૮૦, લેખક: તારક મહેતા, દિગ્દ: પ્રવીણ જોશી). આ બધી જ પ્રસ્તુતિઓમાં આ જ વિષય-વસ્તુ હતાં.          

વાર્તા નહીં પણ રેખાચિત્ર / સ્મૃતિલેખ / આત્મવૃતાંત    

એ માણસ (નીતા જોશી) : આ વાર્તા નથી પણ એક પાત્રનું રેખાચિત્ર છે. આપણે જેમને નાનાં અને સામાન્ય માણસ કહીએ છીએ એવા લોકોમાં પણ ક્યારેક ઊંચી કિસમના માણસ ભટકાય જાય છે ને એટલે જ ક્થકને પેલા કાકાનું નામ પણ ના પૂછ્યાનો અફસોસ થાય છે. સરસ, હ્રદયસ્પર્શી રેખાચિત્ર. 

અમરતવેલ (ડો. ભરત સોલંકી) : આ વાર્તા નથી; એક રેખાચિત્ર છે. અન્યો માટે પોતાની જાતને ઘસી નાખી અંતિમ દિવસોમાં છેક જ એકલવાયું જીવન વીતાવતી એક સ્ત્રીના જીવનનો આલેખ અત્યંત હ્દયસ્પર્શી બન્યો છે.
માઇનસ પોઈન્ટ:  ૧.  આ વાક્ય વાંચો: “...કહી હું તેમના પગે સ્પર્શ કરી બે હાથ જોડી પગે લાગ્યો...”   શું  ‘પગે સ્પર્શ કરવો’ અને ‘પગે લાગવું’ એ બંને જુદી જુદી ક્રિયાઓ છે? ૨. આ એક વાક્ય વાંચો:  “...મારો અવાજ સાંભળીને ઘેલીભાભુ  લઘરવઘર ગોદડી પાથરેલી ખાટલીમાંથી પરાણે બેઠાં થવા જતાં આંખો ઉપર હાથનું નેજવું ને આંખો ઝીણી કરી રૂની પૂણી જેવા અસ્તવ્યસ્ત વાળ સરખા કરતાં બોલ્યા: “કુણ ભૈ...?”

આ એક વાક્યમાં લેખક કેટલી વાત કહેવા માંગે છે? : (૧) ઘેલીભાભુએ કથકનો અવાજ સાંભળ્યો. (૨) ખાટલીમાં ગોદડી પાથરેલી હતી. (૩) એ ગોદડી લઘરવઘર હતી. (૪) ભાભુ પરાણે બેઠાં થવા લાગ્યાં. (૫) ભાભુએ આંખો પર નેજવું કર્યું. (૬) ભાભુએ આંખો ઝીણી કરી. (૭) ભાભુના વાળ રૂની પૂણી જેવા હતાં. (૮) ભાભુના વાળ અસ્તવ્યસ્ત હતાં. (૯) ભાભુએ કથકને પ્રશ્ન કર્યો. (૧૦) પ્રશ્ન:  “કુણ ભૈ...?”. એક વાક્યમાં પાંચ ક્રિયા, ત્રણ વિગત, એક ઉપમા અને એક પ્રશ્ન. 
આ એક વાક્યમાં આટલું બધું! ત્રીસ શબ્દોના આ વાક્યના થોડાંક સરળ ટુકડાઓ બની શક્યા હોત કે નહીં?        

વનવાસ (ડો. હાસ્યદા પંડ્યા) : આ વાર્તા નથી, એક સરેરાશ ભારતીય સ્ત્રીનું આત્મવૃતાંત છે જેણે ભાતભાતની સામાજિક મર્યાદાઓ વચ્ચે આયખું વીતાવી દીધું છે. સંકોચાતો પડછાયો (રાજેશ અંતાણી) : વાર્તા નથી, સ્મૃતિલેખ છે. ધીંગામસ્તી (મહેશ ધીમર) : આ વાર્તાની પૂર્વધારણા સ્પષ્ટ નથી. આરંભમાં મહિલાઓની એક કલબની વાત થાય છે જ્યાં સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો અને પ્રવૃત્તિ થાય છે. આગળ ઉપર વાર્તા રહસ્યમય વળાંક લે છે.  પોલીસ કે ન્યાયવ્યવસ્થા સમાજના ગુનેગારો પર કાબૂ કરી શકતી નથી ત્યારે અજાણ્યાઓ એવા ગુનેગારોને મોતને ઘાટ ઉતારવા માંડે છે.  

--કિશોર પટેલ; રવિવાર, 19 જુલાઈ 2020; 1:09 ઉત્તર મધ્યાહ્ન

તા.ક. અંકમાં આ લખનારની પણ એક વાર્તા “આજની તારીખ” છે; એના વિષે તમે કંઇક લખોને? નીચે ટીપ્પણીના ખાનામાં?

###

No comments: