Tuesday 4 August 2020

એતદ જૂન ૨૦૨૦ (ઉત્તરાર્ધ) અંકની વાર્તાઓ વિષે


એતદ જૂન ૨૦૨૦ (ઉત્તરાર્ધ) અંકની વાર્તાઓ વિષે


(૫૪૧ શબ્દો)

આ અંકમાં ચાર વાર્તાઓમાંથી બે સારી વાર્તા છે, એક સામાન્ય વાર્તા છે અને એક અ-વાર્તા એટલે કે સ્મરણકથા છે. આ ઉપરાંત વિદેશી ભાષાની એક સરસ અનુવાદિત વાર્તા પણ છે. 

સહુ પ્રથમ બે સારી વાર્તાની વાત.

ઊધઈ (બિપીન પટેલ) : કોરોનાગ્રસ્ત દેશ અને દુનિયાની હાલની સ્થિતિ પર કટાક્ષ કરતી સરસ વાર્તા. આ વાર્તા બે સ્તર પર ચાલે છે. અભિધાના સ્તરે દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબના વડીલે ઘરમાં વંદા, ગરોળી અને ઊધઈની સાફસફાઇનું કરવાનું ફરમાન છોડ્યું છે. છોકરાઓ સફાઈ અભિયાનમાં મંડી પડે છે. દિવસમાં કેટલી ગરોળી અને કેટલાં વંદાને પાકા રંગે રંગ્યા એના આંકડાઓ જાહેર થાય છે. વ્યંજનાના સ્તરે જોઇએ તો હાલમાં ચાલુ રહેલા કોરોના વાયરસના ઉપદ્રવની વાત છે. દેશના અને રાજ્યના નેતાઓ આ મહામારી સામે લડવા અવનવા ફરમાન છોડે છે. સમાચાર માધ્યમોમાં રોજે રોજ સંક્રમિત થયેલાં દર્દીઓનાં આંકડા જાહેર થાય છે. કેન્દ્ર સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિશ્વના દેશોને દર્દી દીઠ પૂરી પડાતી રોકડ મદદની જેમ ઘરના વડીલ સફાઈકામ કરતાં છોકરાઓને વિવિધ રીતે મદદ પૂરી પાડે છે. સરસ વાર્તા.

તૂટેલો અરીસો (જયંત રાઠોડ) : જાતીય સુખથી વંચિત રહેલી સ્ત્રી જંગલમાં મોર અને ઢેલની રતિક્રીડા સહન કરી શકતી નથી. ઈર્ષા અને આક્રોશની મારી એ મોરની હત્યા કરી બેસે છે. પણ આ કેવળ મોરની હત્યાની વાત નથી. “અંતે નરનો ફફડાટ શાંત થઇ ગયો.” વાક્ય સૂચક છે. સ્ત્રીએ કદાચ આક્રોશમાં  પોતાના નરની હત્યા કરી હોય એવો સંકેત લેખકે અહીં આપ્યો છે.

બસના પ્રવાસમાં કુદરતી હાજત દબાવી રાખવી પડે એ સૂચવે છે કે નાયિકાને જીવનમાં નૈસર્ગિક અભિવ્યક્તિ કરવા મળી નથી. રહેઠાણ પર એના પુરુષે પોતાને મન થાય ત્યારે એની પાસે આવવું બતાવે છે કે એ કેટલો સ્વાર્થી છે. સ્થિતિ એવી થઇ જાય છે કે સ્ત્રી પોતાની જાતને તેતરની કક્ષાને ઉતરી ગયેલી જુએ છે.   

જેલવાસમાંથી મુક્ત થઈને સ્ત્રી પોતાને ઘેર પહોંચે એટલા પ્રવાસની આ વાર્તા છે. દરમિયાન ફ્લેશબેક પદ્ધતિથી આખી વાર્તા ભાવક સમક્ષ રજૂ થાય છે. આમ રચનારીતિની દ્રષ્ટિએ સરસ વાર્તા.        

નાસ્તિક (સતીશ વૈષ્ણવ) : એક નાસ્તિક માણસની આસ્તિક બનવાની સ્થૂળ યાત્રાની વાત. આ યાત્રા સૂક્ષ્મ સ્તરે ચાલી હોત તો વાર્તા સારી બની હોત.  અજયના બાળપણના કિસ્સાથી શરૂઆત કરી છે તે ભૂલ છે. વાર્તા નિરંજનના લંડનપ્રવાસના આરંભથી અંત સુધીની જ હોવી જોઇતી હતી. ભૂતકાળના જરૂરી પ્રસંગો યોગ્ય સ્થળે ફ્લેશબેક તરીકે મૂકી શકાયા હોત.

આ એક વાક્ય વાંચો: // ઘોંઘાટ શમાવવા જતાં વધી પડેલા ઘોંઘાટથી દૂર જતા રહેવામાં જ શાણપણ છે એવું સમજીને નિરંજન બીજા બેડરૂમમાં જઈને ઝટપટ ઓફિસનાં વસ્ત્રો પહેરીને બહાર આવ્યો ત્યારે રસોડામાં લલિતાના ખભે હાથ મૂકીને અજય કંઇ કહી રહ્યો હતો. // આટલું બધું એક વાક્યમાં! બે-ત્રણ ટુકડાં કરીને કહ્યું હોત તો ના ચાલત?

એક અ-વાર્તા      

વેરવિખેર સ્મરણ (દલપત ચૌહાણ) : આ વાર્તા નથી. શીર્ષકમાં જ સૂચવાયું છે એમ એક આદમીની વીતેલાં દિવસોની સ્મૃતિનોંધ છે.  મુખ્યત્વે ઇ.સ.૨૦૦૧ ની ૨૬મી જાન્યુઆરીના દિવસે કચ્છ-ગુજરાત-મહારાષ્ટ્રમાં આવેલા ગોઝારા ધરતીકંપની યાદો. એક સરસ અનુવાદિત વાર્તા

વિન્ડ કેવ (હારુકી મુરાકામીની મૂળ જાપાની નવલકથાના એક અંશનો અંગ્રેજી અનુવાદ: ફિલિપ ગેબ્રિયલ;  અનુ: વીનેશ અંતાણી) : નાયકની ત્રણ વર્ષ નાની બહેન હ્રદયના વાલ્વની તકલીફના કારણે મૃત્યુ પામી છે. મૃત બહેનની સ્મૃતિ નાયક તીવ્રપણે અનુભવે છે. એની બહેનને સાંકડા કોફિનમાં મૂકીને દફનાવવામાં આવી હતી.  એ પછી નાયકને નાનકડી અને સાંકડી જગ્યાનો ફોબિયા થઇ જાય છે. પ્રસ્તુત વાર્તામાં પોતાના મામા જોડે એ બંને ભાઈબહેન એક ગુફા જોવા ગયેલાં એ પ્રસંગનું વર્ણન છે. ત્યાં એની બહેન એને એક વિચિત્ર વાત કહે છે: “એલિસ ઇન વન્ડરલેન્ડ વાર્તાની નાયિકા એલિસ  અને  અન્ય પાત્રો સાચે જ જીવે છે.” સુંદર વાર્તા.

--કિશોર પટેલ; ગુરુવાર, 30 જુલાઈ 2020; 8:57 ઉત્તર મધ્યાહ્ન        

###

--કિશોર પટેલ; ગુરુવાર, 30 જુલાઈ 2020; 8:57 ઉત્તર મધ્યાહ્ન        


No comments: