Sunday 19 July 2020

મમતા જુલાઇ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે



મમતા જુલાઇ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૪૪૬ શબ્દો)

આ અંકમાં વાર્તા સ્પર્ધા ૨૦૧૯ ની એક સન્માનિત વાર્તા અફલાતૂન બનતાં બનતાં જરાકમાં રહી ગઈ. સૌથી પહેલાં એની વાત:

સૂકી ધરતી ભીનું આકાશ (પ્રવીણ સરવૈયા) : માનસિક વિકલાંગ તરુણની આ વાર્તા સર્વાંગસુંદર અફલાતૂન બનતાં બનતાં રહી ગઇ. નાજુક ઉંમરે ટીચર પ્રત્યે માનસિક અક્ષમ સંદીપને આકર્ષણ જાગ્યું હતું, પણ જ્યારે એ ટીચર “સંદીપને જોઇને મને મારો મૃત ભાઇ યાદ આવ્યો.” બોલી કે તરત જ સંદીપ ટીચરને માતા તરીકે જોવા લાગ્યો! અહીં જ વાર્તા માર ખાઇ ગઈ. સંદીપને હતાશ થતો બતાવ્યો હોત, એણે પ્રેમના સાચા ભાવ પ્રગટ કર્યા હોત, વખતે હિંસક બનીને ટીચર પર કે કોઈ અન્ય પર હુમલો પણ કર્યો હોત અથવા કંઇ પણ અણછાજતું વર્તન કર્યું હોત તો વાર્તા સારી બની હોત. નૈતિકતાના ચક્કરમાં વાર્તા માર ખાઇ ગઇ.  “...ટીચરની ઓઢણીની સુગંધને નાનકડી દાબડીમાં ભરીને ખોપરીની ગુફામાં ઊંડે સંતાડીને મૂકી છે...” કેટલી સુંદર અભિવ્યક્તિ!

આ અંકમાં રંગ રાખ્યો છે દિલીપ ગણાત્રા અને યશવંત મહેતાના યોગદાને.   

જોસેફનો દીકરો (સુધીર નાઓરોઇબામની મૂળ મણિપુરી વાર્તા ; પ્રસ્તુતિ: દિલીપ ગણાત્રા ) : જુવાન દીકરાના અકસ્માત મૃત્યુની વાત. મૃત દીકરાનો પિતા એક ત્રાહિત માણસને આ વાત કહી સંભળાવે એ રીતે વેગળી અને પ્રભાવી રજૂઆત થઇ છે. જાદુ (વિક્ટર કોમારોવની મૂળ રશિયન વાર્તા; પ્રસ્તુતિ યશવંત મહેતા) : એક કાલ્પનિક ગ્રહની મુલાકાતની રોમાંચક વિજ્ઞાન-કલ્પના કથા છે.

આ અંકમાં મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૯ની કેટલીક “સન્માનિત” વાર્તાઓ પ્રસિદ્ધ થઇ છે. સ્પર્ધાની એક શરત મુજબ સમાવવાના વાક્યો કમનસીબે એક પણ વાર્તામાં સ્વાભાવિક લાગતાં નથી.

સ્પર્ધાની એક ઠીકઠાક વાર્તા:

અંદર બહાર (સોનિયા ઠકકર) : પૂર-હોનારત પ્રસંગે ઘર જોડે સ્વજનોની સ્મૃતિને સાંકળીને એક વૃધ્ધા જીવ બચાવવાની તક નકારી કાઢે છે. લાગણીઓના આરોહ-અવરોહથી રજૂઆત ઠીકઠાક થઇ છે.  

આ સિવાય અન્ય સર્વે વાર્તાઓમાં લઘુતમ સાધારણ અવયવ છે એમનું સામાન્યપણું.

ટ્રેન ટુ કબ્રસ્તાન (ધર્મેશ ગાંધી) : મોબાઇલ પર થતાં ચેટિંગના સ્વરૂપમાં રજૂ થયેલી  પ્રયોગાત્મક વાર્તા. વિષય સામાન્ય, રજૂઆતમાં નાવીન્ય. લગન (જગદીપ ઉપાધ્યાય) : રજૂઆતની પદ્ધતિ ખોટી છે. લગ્નમાં કન્યા બદલાય જાય એવી કરુણ-રમૂજી વાત સંસ્મરણરૂપે કહેવાય છે એ સ્વયં મોટી કરુણતા છે. ડામરેજ (સુરેશ કટકિયા) : વધુ એક અતાર્કિક વાર્તા. પતિ અને દીકરીના સાસરિયાં સાથે બનાવટ કરવાની હિંમત કરતી હોય એવી નાયિકા પતિની સામે ખુલ્લો વિદ્રોહ કેમ કરી ના શકે? ગ્રામ્યબોલી પાત્રોના સંવાદમાં ચાલે,  ત્રીજા પુરુષ એકવચન શૈલીમાં વાર્તા કહેવાઇ હોય ત્યારે કથનમાં ના ચાલે. ટૂંકમાં, વાર્તા જોડે મૂકાયેલી મમતા મંડળીની ટીપ્પણી જોડે શત પ્રતિશત સહમત.

સ્પર્ધા સિવાયની વાર્તાઓ:

ઝંખના (નીલેશ રાણા) : વાર્તાનું વસ્તુ સરસ છે પણ સ્વરૂપ તાર્કિક નથી. એક સ્ત્રીએ ગર્ભપાત કરાવ્યો હોય એનો અપરાધબોધ એના જન્મી ચૂકેલા સંતાનમાં શા માટે હોવો જોઈએ? આ નહીં જન્મી શકેલો જીવ જન્મેલા જીવને મદદ કરતો અથવા હાનિ પહોંચાડતો હોય તો વાર્તા કંઇક તાર્કિક બને. વડવાગોળ (સપન પાઠક) : નિર્દોષ કન્યા પર સમૂહબળાત્કારની વાત. સામાન્ય રજૂઆત વાર્તા. ડાયવર્ઝન (જાનકી શાહ) : પ્રેમમાં ધોખો ખાધેલા આદમીની વાત. આલંકારિક ભાષા વાર્તાનો મોટો માઇનસ પોઈન્ટ છે. સામાન્ય વાર્તા.

--કિશોર પટેલ; શનિવાર, 11 જુલાઈ 2020; 8:58 ઉત્તર મધ્યાહ્ન

### 

No comments: