Wednesday 24 June 2020

મમતા જૂન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે





મમતા જૂન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૫૯૮ શબ્દો)

આ અંકમાં મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૯ની પુરસ્કૃત વાર્તાઓ પ્રસિદ્ધ થઇ છે. 
સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્થાને આવેલી વાર્તાઓ વિષય-વસ્તુ કે રજૂઆતની દ્રષ્ટિએ વિશિષ્ઠ નથી, પણ સારી છે.

૧. ખારાં આંસુ (વિષ્ણુભાઇ ભાલિયા) : એક માતાની લાગણીઓની વાત. દૂધના દાઝેલાં છાસ ફૂંકીને પીએ એમ મોટા દીકરાને દરિયો ગળી ગયો છે એટલે એક માતા નાના દીકરાને દરિયો ખેડવાની રજા આપતી નથી. દુનિયા માટે રોજની સામાન્ય ઘટના કોઈકને માટે કેટલી મહત્વની બની જતી હોય છે! ખારવા કોમની બોલીનો સારો પ્રયોગ.    

૨. સંપર્કસૂત્ર (સુષ્મા શેઠ) :  એક રોંગ નંબરના કારણે યંત્રવત જીવન જીવતી એક સ્ત્રીના જીવનમાં વસંત ખીલે છે. સુંદર કલ્પના, સરસ રજૂઆત. પઠનીય વાર્તા. જો કે ખુલાસાવાળી વાત વિગતવાર કહેવાની જરૂર ન હતી. સામેવાળાને ખબર પડી જાય કે રોંગ નંબર જોડે વાત થાય છે એટલે એ વાત વાળી લે અને પછી ફોન કરવાનું બંધ કરી દે તે એવું બતાવવું વધુ યોગ્ય રહેશે. કારણ કે પ્રત્યક્ષ મુલાકાત ના થાય તો પણ થોડાંક દિવસોની વાતચીત નાયિકાના જીવનમાં પરિવર્તન લાવવા માટે પૂરતી છે. 
નોંધનીય અભિવ્યક્તિ: “...ચશ્માનો નંબર બરાબર છે, જોવાની દ્રષ્ટિ બદલાઇ છે.”  જો કે આ વાક્ય આ રીતે લખાય તો વધુ અસરકારક લાગશે:  “...ચશ્માનો નંબર નથી બદલાયો, જોવાની દ્રષ્ટિ બદલાઇ છે.”

૩. ઉંબરો (નરેન્દ્રસિંહ રાણા) : મુગ્ધાવસ્થામાંથી યુવાનીમાં સંક્રમિત થતી એક કન્યાની સરસ વાર્તા. શીર્ષક ઉંબરો યથાર્થ. અંતમાં આવતું ઉંબરાનું રૂપક સૂચક.
નોંધનીય અભિવ્યક્તિ: “...જીન્સ પહેરેલું હતું જે શરીરના વળાંકો પર જાણે બીજી ચામડી હોય એમ...”  પહેરેલું વસ્ત્ર ત્વચાને ચપોચપ હતું એમ કહેવાને બદલે જરા શબ્દાળુ પણ જુદી રીતની અભિવ્યક્તિ.   

આ ઉપરાંત સ્પર્ધામાં કેટલીક સન્માનિત નીવડેલી વાર્તાઓ પણ છે, જેમાંની કેટલીક સામાન્ય છે તો કેટલીક નબળી છે.  

સામાન્ય વાર્તાઓ:

૧. સીધી હથેળી, વાંકી રેખા (સ્વાતિ નાયક) :  આ ફેન્ટેસી વાર્તામાં ઉલ્લેખનીય છે ભવિષ્યના માણસો અંગેની કલ્પના. લેખકે કલ્પના કરી છે કે ભવિષ્યની પેઢી પોતાનાં માતાપિતાને “નાહકનો બોજ” સમજતાં હશે.  રોબોટ અંગેની મોટા ભાગની વાર્તાઓમાં અંતે થાય છે એમ અહીં પણ રોબોટ માણસની જગ્યા લઇ લે છે. જો કે આ વાર્તા કરુણાંત છે. મમતા વાર્તાસ્પર્ધા-૨૦૧૯ ની એક શરત પ્રમાણે અંતમાં આવતું “ઉલાલા” આ વાર્તામાં બંધબેસતું નથી. 

૨. ઇરોટિક ઉલાલા (નીતિન ત્રિવેદી) : જાદુઇ તળાવમાં સ્નાન કરવાથી થઇ જતાં લિંગપરિવર્તન અંગેની એક પૌરાણિક કથાની યાદ અપાવે એવી રોમાંચક ફેન્ટેસી વાર્તા.   

૩. સાંભળવું તે (કલ્પના જિતેન્દ્ર) : વાર્તાનો મુખ્ય ધ્વનિ છે પુત્ર દ્વારા પિતાની ઉપેક્ષા. છેક જ જૂનો વિષય. ઓછું સાંભળતા વૃદ્ધ નાયકને  સાંભળવાનું મશીન મળ્યા પછી વાસ્તવિકતા જણાતાં મશીનમાં રસ રહેતો નથી. સામાન્ય વાર્તા.

૪. મનષા (મેઘા અંતાણી) : સેવાના નામે મેવા ખાવાની ઈચ્છા રાખતાં લોભિયા માણસની હળવી શૈલીમાં રજૂઆત.

૫. સુખપુર (રીતા ત્રિવેદી) : એકલવાયા વૃદ્ધોની વાત. 

નબળી વાર્તાઓ:

૧. ઉછીના પૈસા (વીરેન પંડ્યા) : તાલમેલિયો અકસ્માત કરાવીને કરુણાંત વાર્તા બનાવી. ચાની દુકાન કેવા સંજોગોમાં ઊભી થઇ એનો ઈતિહાસ કહેવાની જરૂર ન હતી. ૨. માણસથખારા (મેઘા ત્રિવેદી) : આ વાર્તાની સૌ પ્રથમ વિશેષતા એ છે કે એના બે શીર્ષક છે. અનુક્રમણિકામાં “માણસથખારા” અને વાર્તામાં “માણસ”. વાર્તાની કથનશૈલીમાં ગરબડ છે. શરૂઆતમાં વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં નાયકની માતા કહે છે. અધવચ્ચે જ વાર્તા ત્રીજા પુરુષમાં કહેવાતી થાય છે. આ વાર્તામાંથી અર્થ કાઢવો મુશ્કેલ છે. હા, એવું કહી શકાય કે આમાં માણસની આદિમ પ્રકૃતિની વાત થઇ છે. રજૂઆતમાં બીભત્સ રસ પ્રધાન છે. આલેખન છેક જ નબળું છે.       

અ-વાર્તા:

ક્રોસિંગ (બકુલેશ દેસાઈ) : આ વાર્તા નથી, સ્મરણકથા છે.

એક ખાસ વાત: આ વાર્તામાસિકના કેલેન્ડરમાં ઇ.સ.૨૦૨૦ માં માર્ચ-એપ્રિલ-મે મહિનાઓ નથી!

આ અંકની પહેલાં પ્રસિદ્ધ થયેલો છેલ્લો અંક હતો ફેબ્રુઆરી ૨૦૨૦ અંક; સળંગ અંક ક્રમાંક ૯૩. એ પછી છેક આ જૂન ૨૦૨૦ ના અંકનો સળંગ અંક ક્રમાંક છે ૯૪. યાદ રહે, આ અંક માર્ચ-એપ્રિલ-મે-જૂન ૨૦૨૦ નો સંયુક્ત અંક નથી, કેવળ જૂન ૨૦૨૦ નો અંક છે. વચ્ચેના ત્રણ મહિનાનાં અંકો કેમ નથી નીકળ્યા એની ચોખવટ આખા અંકમાં ક્યાંય નથી. તાત્પર્ય: આ વાર્તામાસિકના કેલેન્ડરમાંથી વર્ષ ૨૦૨૦ માં માર્ચ-એપ્રિલ-મે નામના ત્રણ મહિનાઓ અદ્રશ્ય થઇ ગયાં છે.

--કિશોર પટેલ; મંગળવાર, 23 જૂન 2020; 1:54 ઉત્તર મધ્યાહ્ન

 ###
  

No comments: