Tuesday 23 June 2020

મમતા ફેબ્રુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે





મમતા ફેબ્રુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૬૫૬ શબ્દો)

૧. આ અંકમાં કેશુભાઈ દેસાઈ અને દિલીપ ગણાત્રા જેવા બે વરિષ્ઠ વાર્તાકારો અને નવી પેઢીનાં વાર્તાકાર પારુલ ખખ્ખરની એક એમ કુળ ત્રણ વાચનક્ષમ વાર્તાઓ છે. 

ઓમલેટ (કેશુભાઈ દેસાઈ) : મોટી ઉંમરના એક વિધુર શિક્ષક અને એમની એક યુવાન ત્યકતા વિદ્યાર્થીની વચ્ચેના પ્રેમસંબંધની વાત. વિશ્વ કેટલું પણ આગળ વધી ગયું હોય, આપણો સમાજ આવા સંબંધોને હજી તંદુરસ્ત નજરે જોતો નથી. પોતપોતાની વિવિધ જવાબદારીઓ વચ્ચેથી મહિને-બે મહિને આ બંને જણા માંડ નજીક આવતાં હોય ત્યારે ભાતભાતના વિઘ્નો એમને નડે છે. વિશિષ્ઠ વિષયવસ્તુ અને હળવી શૈલીમાં રજૂઆતના કારણે વાર્તા નોંધનીય બની છે. (એક જાણકારી: આ વાર્તા અન્ય એક જાણીતા વાર્તામાસિક   ‘જલારામદીપ’ ના  ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦ ના સંયુક્ત અંકમાં પણ પછીથી પ્રસિદ્ધ થઇ છે.)

મંગળ મૂળજી (દિલીપ ગણાત્રા) : સ્ત્રીને માલિકીની વસ્તુ સમજતા પુરુષને એની પત્ની ત્યજી જાય ત્યારે? મુખ્ય પાત્રોનું અર્થપૂર્ણ પાત્રાલેખન + ઘટનાની રસપૂર્ણ માંડણી + ચમત્કૃતિભર્યો અંત + કસાયેલી કલમ= સરસ વાર્તાનુભવ.

ઉઝરડા (પારુલ ખખ્ખર) : સોશિયલ મીડિયા પર બનેલો વિજાતીય મિત્ર પૂર્વસૂચના વિના ઘેર આવી પહોંચે અને નાયિકાની ઈચ્છા વિરુદ્ધ એના હોઠો પરથી ચુંબન ચોરી લે તો? આ દુર્ઘટનાના પરિણામે નાયિકાના મનને થયેલા ઉઝરડાનું આલેખન સરસ થયું છે. બગીચામાં વાછરડો તોફાન મચાવે એવું બોલકું રૂપક યોજાયું છે. બગીચામાં ગુલાબના એ ઘવાયેલાં છોડવાંની માવજત સાથે જ વાર્તાનો અંત આવી જવો જોઈતો હતો. કારણ કે એ પછી તો કેવળ માહિતી અપાય છે જેની જરૂર જ નથી. એકંદરે સરસ અને  પઠનીય વાર્તા.    

૨. બે વાર્તાઓ બોધપ્રધાન છે: ફટકડી અને સંવેદના.  

ફટકડી (નીલેશ મુરાણી) : છરી એટલે ગૃહિણીને શાક સમારવા માટેનું એક ઉપયોગી સાધન. પણ એ જ છરીનો ઉપયોગ એક ગુનેગાર કોઈની કતલ કરવા માટે વાપરી શકે. ભાવાર્થ એવો કે બુરાઈ વસ્તુમાં નહીં, એના વપરાશકર્તામાં હોય છે. આ વાર્તામાં પાણીને શુદ્ધ કરવા વપરાતી ફટકડીનો ઉપયોગ કથક દૂધને બગાડવા માટે કરે છે. વાર્તાનો બીજો એક સૂર છે વગોવાઇ ગયેલાં માણસો માટે સમાજમાં ભળવું મુશ્કેલ હોય છે.     

સંવેદના (મહેબુબ સોનાલિયા) : જેનાં પર વીતી હોય એ બીજાનું દુઃખ સમજી શકે. આ દુનિયામાં એવાં માણસો છે જે પોતાના અંધ ભાઇને અર્ધે રસ્તે મૂકીને પલાયન થઇ જાય છે. એના સામે છેડે એવાં પણ માણસો છે જે અજાણ્યાઓને માણસને નિ:સ્વાર્થભાવે મદદ કરતાં હોય છે. “કર ભલા તો હો ભલા” એવો સંદેશો આપતી બોધપ્રધાન વાર્તા. 

માઈનસ પોઈન્ટ: આ વાક્ય વાંચો:  “...ભાઇ, મારી પાસે દેવા માટે પૈસા નથી, મારે નથી જમવું...સૂરદાસ ખુદ્દારીની લાગણી અનુભવતાં બોલ્યો..” હવે જે માણસ ખુદ્દાર હોય એ એવું બોલે ખરો કે મારી પાસે પૈસા નથી? એ તો એટલું જ કહેશે: “મને ભૂખ નથી.” અથવા “મારે નથી જમવું!”

૩. વાર્તા નહીં, શબ્દચિત્ર: ભાદરિયું ગામ

ભાદરિયું ગામ (અનિલ જોશી) :   આ વાર્તા નથી, એક ગામનું શબ્દચિત્ર છે. આ રચનામાં દસ-પંદર ચીલાચાલુ વાર્તાઓના કથાબીજ વેરાયેલાં પડ્યાં છે. જેટલાં પાત્રો એટલી વાર્તા. આ બધાં પાત્રો કોઈ પણ ગામડાંમાં મળી આવે એવાં જ બીબાંઢાળ પાત્રો છે. ખબર આવે છે કે બંધ બંધાવાનો છે એટલે ગામ ડૂબમાં જવાનું છે ને ગામ ખાલી કરવાનું છે. જાણે બોમ્બ ફાટવાનો હોય એવી આ ખબરના પરિણામે દોડાદોડ.  
૪. અંકમાં ત્રણ નબળી વાર્તાઓ છે: ને તે મધરાતે, બારણે તોરણ એક જાતનું, બેકલોગ 

ને તે મધરાતે ( સંગીતા દયાળ) : કારમી ગરીબી+ મખ્ખીચૂસ શેઠ+બે મૃત્યુ+શેઠના દીકરાની મેલી મુરાદ= કંટાળાજનક પ્રલાપ. બારણે તોરણ એક જાતનું (નટવર પટેલ) : મૈત્રી ખાતર એક મિત્રનાં સંયમ+બલિદાન. એક પ્રશ્ન: વાત ખાનગી રાખવામાં જોખમ હતું કે નહીં? પ્રેમિકાનું લગ્ન થઇ ગયું છે એવું સાંભળીને નાયકે અમેરિકામાં જ કોઇ ગોરી છોકરી જોડે લગ્ન કરી લીધાં હોત તો? બેકલોગ (મનીષા રાઠોડ) : અભ્યાસમાં સારો દેખાવ કરવાનું દબાણ અને ઘરમાં હોંશિયાર ભાઇ કે બહેન જોડે થતી સરખામણી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પ્રવૃત્ત કરતી હોય છે. નિસર્ગના રૂમમેટ નૈષધને ખબર પડે છે કે નિસર્ગ એક વિષયમાં નાપાસ થયો છે પણ એ વાતે એ કોઈ પ્રતિક્રિયા આપતો નથી. નિસર્ગની ચિંતામાં નૈષધ વેકેશનની અધવચ્ચે જ પાછો ફરે છે. વેકેશન હજી પૂરું થયું નથી, નવું સત્ર હજી શરુ થયું નથી તો પણ નિસર્ગની આત્મહત્યાના પગલે કેમ્પસમાં તેમ જ હોસ્પિટલની બહાર વિદ્યાર્થીઓના ટોળેટોળા આવ્યાં કેવી રીતે? દરેક પાત્રના સંવાદ પછી પાત્રના મનમાં ચાલતાં ભાવ પણ લખાયાં છે. સંવાદ પરથી પાત્રના મનના ભાવ વાચકને સમજાતાં હોય છે, પુનરાવર્તન શીદ કરવું? આવી રીતે વાર્તામાં બિનજરૂરી લંબાણ ઘણું છે. આવું નવા નિશાળિયા લખે.      

--કિશોર પટેલ, શુક્રવાર, 19 જૂન 2020; 6:49 ઉત્તર મધ્યાહ્ન.

##########

No comments: