Sunday, 5 May 2024

પરબ એપ્રિલ ૨૦૨૪ અંકની વાર્તા વિશે નોંધ



 

પરબ એપ્રિલ ૨૦૨૪ અંકની વાર્તા વિશે નોંધ

(૩૧૨ શબ્દો)

વાંભ (રાકેશ દેસાઈ)

રતિલાલ સામાન્ય પાપભીરુ માણસ છે. બીજાનાં ઝઘડા ઉછીનાં લેવાની વાત તો દૂર રહી, પોતાને અન્યાય થતો હોય ત્યાં પણ વિરોધ કરવાનું કે ઝઘડવાનું સાહસ એ કરી શકતો નથી. ટંટાફિસાદથી દૂર રહેવાનું બહાનું કોઈક રીતે એ શોધી કાઢે છે. યુવાનીમાં કોઈ મવાલીએ ભીડનો લાભ લઈને એની પત્ની શોભાને ધક્કો મારેલો ત્યારે પણ એણે પેલા મવાલીને પડકારેલો નહીં. શોભાને એ વાતનું ઘણું ખોટું લાગેલું. શોભા ઈચ્છતી હતી કે એવા સમયે રતિલાલ કોઈક રીતે વલણ લે અને સત્યને પડખે ઊભો રહે.

આ રતિલાલ એક કન્યા જોડે થયેલા દુર્વ્યવહારનો સાક્ષી છે. રમા નામની છોકરી મોડી રાતે એને રસ્તે ખરાબ સ્થિતિમાં મળી છે. રમાની વાતો પરથી રતિલાલને જાણ થાય છે કે એક નેતાએ દુષ્કર્મ કરીને એને રઝળતી મૂકી દીધી છે. રતિલાલ પોતાના મિત્ર રમેશને ઘટનાસ્થળે બોલાવે છે. રમેશ એ સ્થળે જાય છે ખરો પણ પોલીસ પાસે જવામાં એનો સાથ આપવાની ના પાડી દે છે. પોતાની દીકરીનો લગ્નપ્રસંગ માથા પર ઊભો છે એવું એની પાસે બહાનું છે. રતિલાલને એની પત્ની શોભા ખૂબ પાનો ચઢાવે છે કે એણે રમાને ન્યાય અપાવવો જોઈએ. રતિલાલ પોતે પણ ઈચ્છે છે કે દુષ્કર્મ કરનાર નેતાને સજા મળે. એ સામે ચાલીને પોતાનું બયાન આપવા પોલીસ સ્ટેશને જાય છે.

વાંભ શબ્દનો એક અર્થ થાય છેઃ એક માપ, બે હાથ સીધા એક લીટીમાં રાખવાથી થતું માપ કે અંતર અને બીજો અર્થ ભગવદગોમંડલ પ્રમાણે વાંભ એટલે આરડ, ગાયોને બોલાવવાનો અવાજ, વાછરડાં કે ઢોરને વાળીને એકઠાં કરવા કરાતો અવાજ.

રતિલાલ પોલીસમાં જઈને નેતા વિરુધ્ધ જુબાની આપે છે કે પછી ભગવદગોમંડલે આપેલા અર્થ પ્રમાણે રખેવાળ સાદ કરે ત્યારે બરાબર ચોક્કસ ઠેકાણે ઢોરની જેમ ઊભા રહી જવાનું એને બહાનું મળી રહે છે? 

વાર્તામાં રતિલાલના માનસિક સંઘર્ષનું યથાયોગ્ય આલેખન થયું છે.

--કિશોર પટેલ, 06-05-24 10:16

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: