Monday, 6 May 2024

મમતા એપ્રિલ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

મમતા એપ્રિલ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૫૪૧ શબ્દો)

ઓળખ (દિવ્યેશ પુરોહિત)

દાંપત્યજીવનમાં વિખવાદ.  પતિ અકસ્માતપણે અપંગ બન્યા પછી પતિ-પત્ની વચ્ચે પડી ગયેલા અંતરની વાત. બીજી વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ કહેવાયેલી વાર્તા. રહસ્ય સાધંત જળવાયું છે. જો કે આંચકાદાયક અંત તાર્કિક જણાતો  નથી.  

પણ જવાના ક્યાં? (બાદલ પંચાલ)

જે ઘરમાં આખી જિંદગી વીતાવી હોય એ ઘર રિડેવલપમેન્ટ માટે ખાલી કરતાં સ્વાભાવિકપણે ઘરમાલિકને પીડા થાય. સરલાબેનને અનેક સ્મૃતિઓ ઘેરી વળી છે. એમાંની એક છે એક સ્ત્રીની આત્મહત્યાની. કોના મન પર કઈ વાત કબજો જમાવી દે એ સંકુલ વાત છે. વાર્તામાં કરુણ રસ ઠાંસોઠાંસ ભરેલો છે.

ક્યારેક થાય એવું (દિવ્યા જાદવ)

દાંપત્યજીવનની ખાટીમીઠી. વિષય જૂનો પણ રજૂઆત પ્રવાહી.

અલ્મા (સુનીલ અમીન)

અતિવાસ્તવવાદની વાર્તા.

“મ” નામની સ્ત્રી અને “અલ્મા” નામના પક્ષીના મૈત્રીસંબંધની વાત. પક્ષી માણસોની ભાષા બોલે છે.  “મ”એ  કોન્ટ્રાક્ટ કિલિંગનો વ્યવસાય અપનાવ્યો છે એટલે અલ્મા એનાથી નારાજ છે.  કાલ્પનિક દુનિયાની કાલ્પનિક વાર્તા.  

પુરુષોત્તમ (નિમિષા મજમુદાર)

સાંપ્રત સમસ્યા. કૃત્રિમ ગર્ભાધાન જેવા વિષય પર વાર્તા લખાઈ છે એટલે  આ વાર્તાનું સ્વાગત છે.  

આઈયુઆઈ (ઈન્ટ્રા યુટ્રેઈન ઈનસેમિનેશન) એટલે એક એવી પ્રજનનક્ષમતા સારવાર જેમાં શુક્રાણુઓને ઇંડાને ફળદ્રુપ કરવાની વધુ સારી તક આપે છે. આ સારવાર કેટલાક યુગલો અને વ્યક્તિઓ માટે ગર્ભાવસ્થાની તકોને સુધારી શકે છે.

સામાન્ય રીતે આ સારવારમાં સ્પર્મ ડોનર અને એ મેળવનાર એમ બંનેની ઓળખ એકબીજાથી ગુપ્ત રાખવામાં આવતી હોય છે. પણ અમુક સંજોગોમાં દાન મેળવનાર દંપતી સ્પર્મ ડોનરની પસંદગી કરી શકે છે.

ખડકીની સાંકડી ગલી (વિજય સેવક)

ધણીને નશો કરવા સિવાય કોઈ વાતે રસ ના હોવાથી તેમ જ પતિસુખથી વંચિત રહેવાથી સવલી ફળિયાના જ એક યુવાન જોડે લગ્નબાહ્ય સંબંધ રાખે છે. શિક્ષણ પૂરું થતાં પેલો યુવાન નોકરી માટે શહેર જતો રહે એટલે સવલીની વાર્તા સમાપ્ત થઈ જાય. તળપદી બોલીનો પ્રયોગ થયો છે.

સોલો ટ્રીપ (ઉમા પરમાર)

અમિત અને સુહાસી,  પતિ-પત્ની બંને પ્રવાસ કરવાના શોખીન. બંનેએ હંમેશા સાથે જ પ્રવાસ કર્યાં હતાં. સોલો ટ્રીપ કરવાની ઈચ્છા હોવા છતાં ક્યારેય બંને એકલા પ્રવાસે ગયાં નહોતાં. છેવટે અમિતે સોલો ટ્રીપ પર નીકળવું  પડે છે કારણ કે એની પત્ની તો એનાથી પણ વહેલી વનવે સોલો ટ્રીપ પર નીકળી ચૂકી છે. અમિતના મનોભાવોનું સરસ આલેખન.     

પુરુષાતન (નિરંજન મહેતા)

રહસ્યકથા. રાધિકાનો પતિ નપુંસક છે અને છતાં રાધિકા ગર્ભવતી બની છે. રાધિકાના પતિને શંકા છે કે રાધિકા જ્યાં કામ કરવા જાય છે તે ઘરમાલિકે રાધિકા જોડે દુષ્કર્મ કર્યું છે. ઘરમાલિક પોતે નપુંસક હોવાનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરે છે. રાધિકા જોડે દુષ્કર્મ કર્યું કોણે? રસપ્રદ વાર્તા. 

દગડુ પરબનો અશ્વમેધ (જયંત કાયકિણી લિખિત મૂળ કન્નડ વાર્તા, અનુ. સંજય છેલ)

ફટાકડાના અવાજથી વરઘોડામાંનો  ઘોડો ભડકે અને વરરાજાને લઈને ભાગે અને માલિકના તબેલામાં પાછો ફરે. ઘોડાનો માલિક ખોવાયેલો ઘોડો પાછો લાવનાર યુવાન ગુલામ જોડે પોતાની દીકરીને પરણાવી દે!

ગુલામના જેની જોડે લગ્ન નિરધાર્યાં હતાં એ છોકરી હાથ ઘસતી રહી જાય! ગુલામના મોટાભાઈને ઘોડાનું ભાડું અને  જાનને જમાડવાનો ખર્ચો માથે પડે! કોણ ખર્ચો કરે, કોણ કોને પરણે! ટોટલ ગોસમોટાળો! સરસ હાસ્યવાર્તા!  

ભવિષ્યવેત્તા (કાહરેલ ચાપેક લિખિત મૂળ ત્યેક ભાષાની વાર્તા, પોલ સેલ્વરના દ્વારા થયેલા એના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ યામિની પટેલ દ્વારા)

એક ગપ્પું સાચું પડી જાય! રસપ્રદ વાર્તા.

આપણે બેય...( નોર્મન આકાર્વી લિખિત અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યશવંત મહેતા)

જ્યારે એક પુરુષ રોબોટ સેલ્સમેન કંપનીની પ્રોડ્કટ વેચવા એક સ્ત્રીના ઘેર જાય ત્યાં શું થાય? રસપ્રદ વાર્તા.

--કિશોર પટેલ, 07-05-24 10:21

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

No comments: