Sunday 28 January 2024

ભવનની એકાંકીસ્પર્ધા

 





ભવનની એકાંકીસ્પર્ધા

 

પરફોર્મિંગ આર્ટસમાં નાટકની વાત જ્યાં સુધી થાય ત્યાં મુખ્ય ધારામાં પૂર્ણ કદનાં નાટકો (બે થી અઢી કલાક ચાલે એવાં બે અથવા ત્રણ અંકના નાટકો) ની ભજવણી થતી હોય છે. એક અંકનાં એટલે કે ત્રીસ મિનિટથી માંડીને પિસ્તાલીસ મિનિટની સમયમર્યાદામાં ભજવાતાં એકાંકીઓ સમાંતર અથવા પ્રાયોગિક પ્રવાહની નાટ્યપ્રવૃત્તિ ગણાય છે.

મુખ્ય ધારાનાં નાટકો સામાન્યતઃ નિયમિત પ્રેક્ષકોનું મનોરંજન કરતાં હોય છે. સમાંતર પ્રવાહનાં નાટકો (એકાંકીઓ અને એકાંકીઓની સ્પર્ધાઓ) પ્રેક્ષકો માટે મનોરંજન ઉપરાંત રંગભૂમિ માટે નવી પ્રતિભા પણ પૂરી પાડતાં હોય છે. કોઈ પણ સમયે જેટલી આવશ્યકતા મુખ્ય ધારાનાં નાટકોની હોય છે એટલી જ આવશ્યકતા સમાંતર ધારાનાં નાટકોની પણ હોય છે.   

ઈ.સ. ૨૦૧૪ માં શરુ થયેલી ભારતીય વિધા ભવનની અદી મર્ઝબાનની સ્મૃતિને સમર્પિત જાહેર એકાંકી સ્પર્ધાની સાતમી આવૃત્તિના પ્રiથમિક ચરણમાં સોમવાર ૮ જાન્યુઆરીથી ગુરુવાર ૧૧ જાન્યુઆરી એમ ચાર દિવસોમાં કુલ ૨૧ એકાંકીઓની રજૂઆત થઈ.  શનિવાર તા ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે ભવન ખાતે સ્પર્ધાનાં અંતિમ ચરણમાં છ એકાંકીઓ રજૂ થયાં. આ સર્વે છ એકાંકીઓનાં વિષય-વસ્તુ અને રજૂઆત એકમેકથી ભિન્ન અને રસપ્રદ હતાં. એક નજર આ એકાંકીઓ પરઃ

૧. કામરુ (લેખકઃ ડો. સતીશ વ્યાસ, દિગ્દર્શનઃ  ડો. વિક્રમ પંચાલ-ડો. શૌનક વ્યાસ. પ્રસ્તુતકર્તાઃ સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ)  

પુરુષમાત્રની હાજરી નિષિધ્ધ હોય તેવા રાજ્યમાં અકસ્માતપણે પુરુષ પ્રવેશી જતાં શું ઉથલપાથલ થઈ જાય છે તેની કળાત્મક રજૂઆત. સમૂહનૃત્યના દ્રશ્યો સંગીતના સથવારે સરસ રચાયાં. મુખ્ય પાત્રોમાં કળાકારોનો અભિનય પ્રભાવી.

૨. ડાયલના પંખી (લેખકઃ ચીનુ મોદી, રક્ષા પ્રોડક્શન, અમદાવાદની પ્રસ્તુતિ)

જૂનાં એબસર્ડ એકાંકીની નવી ભાતીગળ રજૂઆત. સમય સર્વોપરી છે એ વિચાર અહીં અધોરેખિત થાય છે. કવિના લખેલા મૂળ એકાંકીમાં કેવળ બે પાત્રો છે જ્યારે અહીં અડધો ડઝનથી વધુ પાત્રોના સથવારે ભજવણી થઈ છે. ઘડિયાળનો સેટ આ એકાંકીનું આકર્ષક પાસું છે. ૩. ૬. ૯ અને ૧૨ ના આંકડા માટે અભિનેતાઓ જુદી જુદી સ્થિતિમાં સ્થિર બેઠાં છે અને સેકન્ડ કાંટો પૂરઝડપે દોડતો દેખાડવા એક નટી વેગપૂર્વક ચાલતી રહે છે.

૩. પિક્ચર... હજી બાકી છે. (મીઠીબાઈ કોલેજ, મુંબઈની પ્રસ્તુતિ)

મનપસંદ કારકિર્દી બનાવવા માણસે સંઘર્ષ કરવો પડે છે. પૂરી એકાગ્રતાથી પ્રયાસ કરીએ ત્યારે કુદરત પણ માણસને મદદ કરે છે એવો સંદેશો આપતું એકાંકી. કોર્પોરેટ ઓફિસ અને મધ્યમવર્ગીય ઘર એમ બે લોકાલમાં આકાર લેતું એકાંકી. મુખ્ય ભૂમિકામાં ખુશી આચાર્યનો અભિનય નોંધનીય.

૪. વિતરાગ શાહ આપઘાત કરે છે. લેખક-દિગ્દર્શનઃ વિતરાગ શાહ, કર્ટન કોલ પ્રોડક્શન, સુરતની પ્રસ્તુતિ.

જીવનમાં જીવવા જેવું ઘણું છે. હતાશા ખંખેરી હકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો આપઘાત કરવાને બદલે સંઘર્ષ કરીને જીવવાનો ઉત્સાહ જગાવે એવું એકાંકી. મુખ્ય પાત્રોમાં ડો. ધૈવત ઉપાધ્યાય અને સહકળાકાર બંનેનો અભિનય નોંધનીય.

૫. દ્રષ્ટિ (યોગેશ સોમણ લિખિત મૂળ મરાઠી કૃતિનું ગુજરાતી રુપાંતર, દિગ્દર્શનઃ ડિંકેશ કનાઢિયા, આર્ટિસ્ટિક ગ્રુપ ઓફ થિયેટર, સુરતની  પ્રસ્તુતિ)

દ્રષ્ટિહીન યુવતી અને એના પ્રશિક્ષક વચ્ચેના સંબંધની અનોખી વાત. એક ટ્રેનર એની દ્રષ્ટિહીન શિષ્યાને “જોતાં” શીખવે છે. કમાલની વાત એ છે કે ટ્રેનર પોતે પણ દ્રષ્ટિહીન છે! ઝડપથી ફેંકાતા દડાને ઝીલતાં શીખવવાનું દ્રશ્ય બેનમૂન. યુગ્મનૃત્યનું દ્રશ્ય ખૂબ જ સુંદર. મુખ્ય પાત્રોમાં બંને કલાકારોનો નૈસર્ગિક અભિનય. ટ્રેનરના ઘરનો સેટ અને પ્રકાશયોજના કલાત્મક.  

૬. લિટોડાં (લેખક-દિગ્દર્શકઃ દ્રષ્ટિ દોડિયા, કલાજીવી, વડોદરાની પ્રસ્તુતિ.)

લગ્નોત્સુક યુવક અને યુવતીની મુલાકાત. યુવતી સોશિયલ મિડીયામાં ઈન્ફ્લુએન્સર છે અને સતત ઓનલાઈન રહે છે. યુવક સરળ સ્વભાવનો પણ વ્યવહારુ અભિગમ ધરાવે છે. એ યુવતીને આભાસી દુનિયામાં જીવવાને બદલે વાસ્તવિક દુનિયામાં જીવવાની સરળ તરકીબો શીખવે છે. પણ આ મુલાકાત એક મોટો ગોટાળો હોય છે. યુવકે જે કન્યાને જોવાની હોય એ તો એના માતાપિતા જોડે યુવકનાં ઘેર પહોંચી ગઈ છે અને યુવતીએ જેને મળવાનું હોય એ યુવક મોડેથી આવે છે! મુખ્ય પાત્રોમાં દ્રષ્ટિ દોડિયા અને કિરણ પંડ્યા બંનેનો અભિનય ઉમદા.

* * *

સ્પર્ધાના પ્રાથમિક ચરણમાં એકવીસ એકાંકીઓ રજૂ થયાં. આ એકવીસ એકાંકીઓમાંથી વિષય-રજૂઆતની દ્રષ્ટિએ ચડિયાતાં જણાયેલાં છ એકાંકીઓને અંતિમ ચરણમાં મોકલવાની કામગીરી બજાવી જાણીતા કવિ-ગીતકાર-નાટ્યલેખક દિલીપ રાવલ, ગુજરાતી નાટકો અને ફિલ્મોનાં જાણીતા  અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ અને વાર્તાકાર-નાટ્યસમીક્ષક કિશોર પટેલે. અંતિમ ચરણમાં નિર્ણાયકોની ભૂમિકા કામગીરી સંભાળી ગુજરાતી નાટકો અને હિન્દી ફિલ્મોના જાણીતા લેખક પ્રકાશ કાપડિયા, જાણીતા નાટ્યદિગ્દર્શક રાજુ જોશી અને જાણીતા નાટ્યદિગ્દર્શક અંશુમાલી રુપારેલે. અંતિમ સ્પર્ધાનું પરિણામ આ પ્રમાણેઃ

૧. સંન્નિવેશના શ્રેષ્ઠ ઉપયોગ માટે છેલ-પરેશ એવોર્ડઃ વનરાજ સોલંકી (ડાયલના પંખી)

૨. સંગીતના શ્રેષ્ઠ ઉપયોગ માટે દિલીપ ધોળકિયા એવોર્ડઃ પ્રથમેશ ભટ્ટ (કામરુ)

૩. પ્રકાશયોજનાના શ્રેષ્ઠ ઉપયોગ માટે રમેશ જમીનદાર એવોર્ડઃ ડિન્કેશ કનાઢિયા (દ્રષ્ટિ)

૪. શ્રેષ્ઠ અભિનય પ્રથમ સ્થાન (સ્ત્રીકલાકાર) માટે દીના પાઠક એવોર્ડઃ ક્રિષ્ણા પંચાલ (દ્રષ્ટિ)

૫. શ્રેષ્ઠ અભિનય દ્વિતીય સ્થાન (સ્ત્રીકલાકાર) માટેઃ દ્રષ્ટિ દોડિયા (લિટોડાં)

૬. શ્રેષ્ઠ અભિનય તૃતીય સ્થાન (સ્ત્રીકલાકાર) માટેઃ ખુશી આચાર્ય (પિક્ચર અભી બાકી હૈ)

૭. શ્રેષ્ઠ અભિનય પ્રથમ સ્થાન (પુરુષ કલાકાર) માટે પ્રવીણ જોશી એવોર્ડઃ કિરણ પંડ્યા (લિટોડાં)

૮. શ્રેષ્ઠ અભિનય દ્વિતીય સ્થાન (પુરુષ કલાકાર) માટેઃ ડિન્કેશ કનાઢિયા (દ્રષ્ટિ)

૯. શ્રેષ્ઠ અભિનય તૃતીય સ્થાન (પુરુષ કલાકાર) માટેઃ ડોં ઘૈવત ઉપાધ્યાય (વિતરાગ શાહ આપઘાત કરે

છે)

૧૦. શ્રેષ્ઠ એકાંકી પ્રથમ સ્થાન માટે ક.મા.મુનશી એવોર્ડઃ  દ્રષ્ટિ

૧૧. શ્રેષ્ઠ એકાંકી દ્વિતીય સ્થાન માટેઃ ડાયલના પંખી

૧૨. શ્રેષ્ઠ એકાંકી તૃતીય સ્થાન માટેઃ કામરુ

૧૩. શ્રેષ્ઠ લેખન માટે પ્રબોધ જોશી એવોર્ડઃ દ્રષ્ટિ દોડિયા (લિટોડાં માટે)

૧૪. શ્રેષ્ઠ દિગ્દર્શન માટે કાન્તિ મડિયા એવોર્ડઃ ડિન્કેશ કનાઢિયા (દ્રષ્ટિ માટે)

ખાસ નોંધઃ શ્રેષ્ઠ લેખન માટેનું પારિતોષિક અને લગભગ ત્રીસ જેટલાં પ્રોત્સાહન ઈનામો (મેરિટ સર્ટિફિકેટ)  પ્રાથમિક ચરણના નિર્ણાયકો દ્વારા જાહેર થયાં હતાં.

એક વધુ નોંધનીય વાતઃ

આ વર્ષે ત્રણ સ્ત્રીકલાકારો નાટ્યક્ષેત્રે લેખન-દિગ્દર્શનમાં ઝળકી છેઃ

૧. અરિગાતો થિયેટર્સના નેજા હેઠળ પૂજા ત્રિવેદી રાવલે સ્પર્ધામાં કુલ્લે ચાર એકાંકીઓ પોતાનાં લેખન-દિગ્દર્શનમાં રજૂ કર્યાં. ૨. દ્રષ્ટિ દોડિયાએ “લિટોડાં” નું લેખન-દિગ્દર્શન કર્યું. ૩. મધુરા ખાંડેકરે “આડુંઅવળું” એકાંકીનું લેખન-દિગ્દર્શન કર્યું. આ ત્રણે કલાકારોનું સ્વાગત!

--કિશોર પટેલ, 28-01-24 16:43

* * *

(સમાચારઃ આજનું રવિવાર તા ૨૮ જાન્યુઆરી ૨૦૨૪નું જન્મભૂમિ પ્રવાસી, પાનં ૬)

* * *

No comments: