Wednesday 26 April 2023

શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૦૫ શબ્દો)

મોહમ્મદ માંકડ (૧૩ ફેબ્રુઆરી ૧૯૨૮-પ નવેમ્બર ૨૦૨૨) આપણી ભાષાના વરિષ્ઠ અને નીવડેલા સાહિત્યકાર હતા. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક અને અનુવાદક હતા.

શબ્દસૃષ્ટિનો ફેબ્રુઆરી ૨૦૨૩ અંક “શ્રી મોહમ્મદ માંકડ વિશેષાંક” તરીકે પ્રગટ થયો છે. આ વિશેષાંકમાં લેખકના જીવન અને કાર્ય વિશેના સંખ્યાબંધ લેખોની સાથે સાથે એમની ત્રણ ટૂંકી વાર્તાઓ પણ પ્રગટ થઈ છે.  આ ત્રણે વાર્તાઓ સૌપ્રથમ ક્યા સામયિકમાં કયારે પ્રસિદ્ધ થઈ હતી તેમ જ/ અથવા ક્યા વાર્તાસંગ્રહમાં સંકલિત થઈ છે એ માહિતી પણ જણાવી હોત તો સારું થાત.

૧. ડાઈનિંગ ટેબલ

કેવળ સ્થૂળ ધનદૌલત કમાવામાં જીવન સાર્થક સમજતા એક માણસની કથા.

નરેન્દ્ર મહેતા શ્રીમંત માણસ છે. રાતદિવસ ધંધાની આંટીઘૂંટીમાં વ્યસ્ત રહે છે. પરિવાર માટે એ સમય ફાળવતો નથી. ઘરમાં કોણ શું કરે છે, છોકરાં શું ભણે છે એની કશાની પડી નથી. પત્નીની શું જરૂરરિયાત છે એ કંઈ જાણતો નથી. એના મનથી એમ છે કે ઘરમાં જરૂરિયાત જેટલાં કે વધારે પૈસા આપી દીધાં ત્યાં વાત પૂરી. ઘરનાં માણસો પણ સાવ એવા છે કે ખર્ચ કરવા પૈસા મળ્યા એટલે બસ. પૈસા ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે એની એમને સમજણ પણ નથી અને આવડત પણ નથી. એમને ફક્ત ખર્ચ કરતાં આવડે છે, વળી સહુને પૈસા ઓછા પડે છે. દિવસમાં કેવળ એક વખત, સાંજનું વાળું કરવા ડાઈનિંગ ટેબલ પર સહુ ભેગાં થાય છે. એ સમયે સહુ એકબીજાને જમવાનો આગ્રહ કરીને પોતપોતાની ફરજ પૂરી કરે છે.

મહાનગરમાં રૂપિઆની આસપાસ ફેરફુદરડી મારતાં ભદ્રવર્ગના નગરજનો પર એક વ્યંગ.

૨. ઈચ્છાઓ

ફેન્ટેસી વાર્તા. અભાવગ્રસ્ત જીવન જીવતાં એક માણસની તરંગલીલા.

એક ફેકટરીની ઓફિસમાં સામાન્ય ક્લાર્કની નોકરી કરતો વિષાદ ગુજરીમાંથી એક એવી મેના ખરીદી લાવે છે જે માણસની જેમ બોલી શકે છે. આખો દિવસ અને આખી સાંજ વિષાદ મેના સાથે વાતો કર્યા કરે છે. વિષાદને એમ હતું કે રાતે મેના ઊંઘી જશે પણ રાતે તો મેના નવી જ વાત માંડે છે. એ વિષાદને ‘સાહેબ’ કહીને સંબોધન કરે છે. વિષાદ ચોખવટ કરે છે કે પોતે સામાન્ય કારકુનની નોકરી કરે છે. મેના કહે છે કે આવતી કાલે તમે કારકુન નહીં રહો, ફેકટરીના માલિક બની જશો, રીતી જોડે તમારું લગ્ન થશે. રીતી એટલે વિષાદ જ્યાં કામ કરતો હતો એ ફેકટરીના માલિક રાહુલભાઈની દીકરી. વિષાદ મીઠા સ્વપ્નો જોતો ઊંઘી જાય છે. સવારે એ જાગે છે ને જુએ છે કે પાંજરું ઉઘાડું છે અને મેના તો ઊડી ગઈ છે. એ ફેકટરીની ઓફિસે પહોંચે છે જ્યાં એ મામૂલી કારકુન છે. રીતી બંગલામાંથી બહાર નીકળે છે પણ વિષાદ તરફ એક નજર પણ નાખતી નથી. વિષાદને ભ્રમણા થાય છે કે કોઈએ એને ‘સાહેબ’ કહીને બોલાવ્યો. પણ ત્યાં તો કોઈ જ ન હતું. વિષાદ વાસ્તવિકતાની ધરતી પર પાછો પટકાય છે.     

૩. તપ

અહીં વાર્તાના બંને મુખ્ય પાત્રો તપ કરે છે. નાયિકા તપ કરે છે સત્તર વર્ષના જેલવાસ પછી બહાર આવનારા પતિની રાહ જોવાનું અને નાયક તપ કરે છે  સત્તર વર્ષ સુધી સ્ત્રીસંગ કરવાની રાહ જોવાનું. કોનું તપ સફળ થાય છે?

તાજી જ પરણીને આવેલી કોડભરી લાખુ દાંપત્યજીવનનો આનંદ હજી માણે ના માણે એટલામાં એનો પતિ મોહન એક ધીંગાણામાં સપડાય છે અને આઠ-દસ જણામાંથી એ એકલો માનવહત્યાનો ગુનેગાર ઠરે છે ને એને જનમટીપની સજા થાય છે. લાખુ-મોહન એવા સમાજના હતાં જ્યાં આવા સંજોગોમાં લાખુ બીજું ઘર કરી ગઈ હોત તો સ્વાભાવિક ગણાયું હોત. પણ લાખુ વિકટ રસ્તો પકડે છે, એ મોહનની રાહ જુએ છે. ઘરમાં ઘરડી સાસુની એ સેવા કરે છે. સાસુ મૃત્યુ પામે એ પછી વૃદ્ધ પિતાને પોતાને ઘેર રાખીને એમની સેવા કરે છે. ભાઈની મદદથી ઘણે દૂરના સ્થળે જેલવાસ ભોગવતા મોહનને મળવા લાખુ સમયાંતરે જાય છે.

સત્તર વર્ષે મોહન બહાર આવે છે. ત્રણ-ચાર મહિના એ લાખુને કેવળ જોયા કરે છે, બીડી પીતાં પીતાં એનું નિરીક્ષણ કર્યા કરે છે. સત્તર વર્ષમાં લાખુની જુવાની ઓગળી ગઈ છે. મોહન લાખુને ફારગતી આપી દે છે અને અઢાર વર્ષની એક કુંવારી કન્યાને પરણી જાય છે.

પુરુષપ્રધાન સંસ્કૃતિનું આ એક વરવું લક્ષણ છે કે ગુનાહિત ઈતિહાસ ધરવાતા મોહનને જેલમાંથી બહાર આવ્યા બાદ બીજા લગ્ન કરવા માટે અઢાર વર્ષની જુવાન અને કુંવારી કન્યા મળી રહે છે, આ સ્થિતિમાં મૂકાયેલી સ્ત્રીને કોઈ પસંદગી જેવું રહે છે ખરું?

સત્તર વર્ષની તપસ્યા લાખુએ એકલીએ નથી કરી, રજૂઆતની કમાલ એ છે કે લાખુની આ વીસ વર્ષની તપસ્યામાં ભાવક પણ એની જોડે જોડાઈ જાય છે, સત્તર વર્ષના અંતે મોહન જે આઘાત આપે છે તેની અસર એકલી લાખુ પર નથી પડતી પણ ભાવક પર પણ પડે છે, ભાવકની પણ હાર થાય છે.

વાર્તા સંઘેડાઉતાર બની છે. મુખ્ય પાત્રો સિવાયના અન્ય ગૌણ પાત્રો પાસેથી પણ વાર્તાકારે સરસ કામ લીધું છે. ગામડાગામનું વાતાવરણ સરસ ઝીલાયું છે. લાખુની એકેએક હરકતનું પોસ્ટમોર્ટમ ગામના માણસો કર્યા કરતાં રહે છે. સહુને એમ છે કે લાખુ હારી જશે, પણ લાખુ સહુને હરાવી દે છે, છેવટે લોકોનો રસ લાખુમાંથી ઊડી જાય છે. એમની ચર્ચા બંધ પડી જાય છે. લાખુની સાસુને આશા નથી કે લાખુ વધુ દિવસ એનાં ઘેર રહેશે, પણ લાખુ એને ખોટી પાડે છે. લાખુના પિતા ઉંમરના કારણે કંઈ જ કરી શકતા નથી. લાખુના ભાઈને બહેનની સ્થિતિ જોઇને ઘણું ખરાબ લાગે છે. એ બહેનને બીજું ઘર કરવા સમજાવે છે પણ લાખુ એને દાદ આપતી નથી.  દરમિયાન ગામમાં નાનુ નામનો માણસ અકસ્માતમાં મૃત્યુ પામે છે. એની પત્ની છ મહિનામાં જ બે બાળકો સહિત બીજે ઘર કરીને જતી રહે છે, પણ લાખુ અવિચળ રહે છે.

સત્તર વર્ષ જે મોહનની લાખુએ રાહ જોઈ એ મોહન લાખુને ફારગતી આપે છે એનો આઘાત, વાર્તાનો આવો અંત ભાવકને હ્રદયવિદારક ચોટ આપે છે.

અંતમાં વાર્તાકાર વ્યંગ કરે છે, “મોહન જેલમાં સત્તર વર્ષનું તપ કરીને આવ્યો હતો, અઢાર વર્ષની તેજુ જોડે લગ્ન કરીને, પાકું ટાબોરા જેવું ફળ મળ્યું હોય એમ હરખાતો હતો.”

--કિશોર પટેલ, 27-04-23; 11:03            

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: