Sunday 16 April 2023

પરબ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

પરબ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૬૬ શબ્દો)

ડેથ ક્લીનિંગ (વર્ષા અડાલજા):

વરિષ્ઠ નાગરિકની વાત. નાયિકા એકલી પડી ગઈ છે. પતિનું અવસાન થઈ ચૂક્યું છે, દીકરો આજીવિકા માટે બીજા શહેરમાં ગયો, ત્યાંની જ કન્યા જોડે પરણીને ત્યાં જ સ્થિર થઈ ગયો, દીકરી પોતાની મરજીથી ક્યાંક જતી રહી છે.  આળસભરી દિનચર્યા દરમિયાન નાયિકા છાપાંમાં એક લેખ વાંચે છે: ડેથ ક્લીનિંગ. એમાં કોઈ વિશાખાની મુલાકાત આવી છે, એ વિશાખાનું કહેવું છે કે આપણે કેટલી બધી વસ્તુઓ સંઘરીને રાખીએ છીએ! જીવનસંધ્યાએ બિનજરૂરી ચીજવસ્તુઓનો મોહ ઓછો કરવો જોઈએ. નાયિકાના મગજમાં આ વાત ઉતરી જાય છે. એ ઘરમાંની ઘણીબધી વસ્તુઓનો નિકાલ કરવા માંડે છે. ઘર અડધું ખાલી થઈ ગયા પછી નાયિકા રાહત અનુભવે છે. ઘર બંધ કરીને હવા ખાવાના એક સ્થળે બે મહિના માટે એ જતી રહે છે. 

યોગશાસ્ત્રમાં દસ યમનિયમની વાત થઈ છે, એમાંનો એક યમ છે: અપરિગ્રહ. બસ, આ અપરિગ્રહની વાત અહીં અધોરેખિત થઈ છે. બાકી વાર્તામાં સમસ્યા કે સંઘર્ષ જેવું કંઈ છે નહીં. એક વિચાર અને એનું વિસ્તૃતિકરણ છે.

નેડો (કલ્પેશ પટેલ):

એક અલગ ફલેવરની પ્રેમકહાણી. સ્નેહનું નેહ અને પછી અપભ્રંશ થઈ ગયું “નેડો”.

શિક્ષકની નોકરીમાં નાનકડા ગામની નિશાળમાં શરદની બદલી થઈ ત્યારે નવી નિશાળમાં એનું મન લાગતું નથી. બીજે ક્યાંક બદલી કરાવવાના પ્રયાસોમાં એ લાગી જાય છે. દરમિયાન એક વિદ્યાર્થી જિગરના પિતા જોડે બોલાચાલી થઈ જાય છે, જિગરની માતા રમીલા પોતાના પતિ વતી માફી માંગવા આવે છે, રમીલા જોડેનો આ અલ્પ પરિચય ફોન/મેસેજ/મિસકોલ રૂપે વિકસવા પ્રયાસ કરે છે પણ શરદના શરમાળ સ્વભાવના કારણે એમાં પ્રગતિ થતી નથી. પણ સૂક્ષ્મરૂપે બંને પક્ષે એ સંબંધ ખાસો વિકસે છે. બનવાકાળ રમીલાનો પતિ મૃત્યુ પામે છે. રમીલાના પતિના મૃત્યુ પછી તરત જ રમીલા પાસે પ્રસ્તાવ મૂકવાની ઉતાવળ પણ એ કરી શકે એમ નથી. છેવટે સ્થિતિ એવી ઊભી થાય છે કે મંઝિલ વચ્ચે કોઈ અવરોધ પણ રહ્યો નથી, હવે શરદને બદલીની ઈચ્છા પણ રહી નથી ત્યારે જ એની બદલીનો હુકમ આવી જાય છે! આમ એક પ્રેમકહાણી અધૂરી રહી જાય છે.

આ પ્રેમકથામાં સ્પષ્ટ કશું કહ્યા વિના જ બંને પક્ષે પ્રેમનો એકરાર પણ થઈ જાય છે એમાં વાર્તાકારની કમાલ છે. વાચનક્ષમ અને સારી વાર્તા.  

--કિશોર પટેલ, 17-04-23; 11:28

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

No comments: