Monday 24 April 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ એપ્રિલ ૨૦૨૩




 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ એપ્રિલ ૨૦૨૩

(૯૯૬ શબ્દો)

બાલભારતી, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ ખાતે શનિવાર તા.  ૨૨ એપ્રિલ ૨૦૨૩ ની સાંજ સમર્પિત થઈ હતી ગઈ સદીના જાણીતા બ્રિટીશ વાર્તાકારના નામે.

નોર્વેથી ઇંગ્લેન્ડ હિજરત કરી આવેલા એક ધનાઢ્ય કુટુંબમાં રોઆલ્ડ ડાહ્લનો જન્મ ૧૩ સપ્ટેમ્બર ૧૯૧૬ ના દિવસે થયો હતો. બાળપણમાં તેઓ ખૂબ તોફાની હતા અને સ્કુલમાં એમનાં શિક્ષકોનો ઘણો માર એમણે ખાધો હતો. એ સમયે બાળકો માટે શારીરિક શિક્ષા વિષે ખાસ નિયમો કે કાયદાઓ બન્યા ન હતાં, નિશાળમાં સિનીયર વિદ્યાર્થીઓને જુનિયર વિદ્યાર્થીઓને માર મારવાની છૂટ અપાતી હતી.

રોઆલ્ડ ડાહલે બીજા વિશ્વયુધ્ધમાં મિત્રદેશો તરફથી ફાઈટર પાયલોટ તરીકે કામગીરી બજાવી હતી. પછીથી તેમણે ઈન્ટેલીજન્સ ઓફિસર અને વિંગ કમાન્ડર તરીકે બઢતી પણ મેળવી હતી. ૧૯૪૦ ના દાયકામાં બાળવાર્તાઓના લેખક તરીકે અને પુખ્ત વયના વાચકો માટે ટૂંકી વાર્તાઓના લેખક તરીકે જાણીતા થયા હતા. વિશ્વમાં આજ સુધીમાં એમનાં પુસ્તકોની ૩૦૦ મિલિયન એટલે કે ૩૦ કરોડથી વધુ નકલો વેચાઈ છે. વિશ્વસાહિત્યના અભ્યાસીઓ એમની ગણના વીસમી સદીના મહાન વાર્તાકારોમાંના એક તરીકે કરે છે. એમનું અવસાન ૨૩ નવેમ્બર ૧૯૯૦ ના રોજ થયું હતું.

#

૧. સૌ પ્રથમ પઠન કર્યું ભાઈશ્રી વાર્તાવંતના મુખિયા ભાઈશ્રી હેમંત કારિયાએ રોઆલ્ડ ડાહ્લ લિખિત વાર્તા “પોઈઝન”નું. અનુવાદમાં આ વાર્તાનું શીર્ષક “પોઈઝન” એમણે યથાવત રાખ્યું હતું.

એક રાત્રે કથક પોતાને ઘેર પહોંચે છે ત્યારે પલંગમાં સૂતેલો એનો રૂમપાર્ટનર હેરી ઈશારાથી ચેતવણી આપે છે કે અવાજ કરતો નહીં, એક ઝેરી સાપ એના પેટ પર બેઠેલો છે. કથક જુએ છે કે હેરીએ ચાદર ઓઢેલી છે, હેરી કહે છે કે એ ચાર નીચે કાળોતરો છે અને જો એને છંછેડીશું તો એ મને કરડશે. માટે કંઈક ઉપાય કર. કથક ફોન કરીને એક ડોક્ટરને બોલાવે છે, દરમિયાન એક લાકડી, એક ચાકુ વગેરે સાધનોથી સજ્જ થઈને બેસે છે. ડોક્ટર આવે છે. વખતે સાપ કરડે તો સાવચેતી તરીકે હેરીને ઝેરની અસર ઓછી થાય એવું ઇન્જેક્શન પેલો ડોક્ટર હેરીને આપે છે.  કથક અને ડોક્ટર મળીને સાપનો બંદોબસ્ત કરવા ખૂબ પ્રયાસો કરે છે, જબરું ટેન્શન ઊભું થાય છે, ગમે ત્યારે કાળોતરો હેરીને ડંખ મારી શકે છે. અંતમાં શું થાય છે? શું એ સાપને પકડી પાડવામાં એ લોકો સફળ થાય છે ખરા? આશ્ચર્યજનક અંત સાથે વાર્તા પૂરી થાય છે.

૨. બીજી વાર્તાનું પઠન કર્યું આપના નમ્રસેવક એટલે કે આપણે પોતે ખુદ્દ નીચે સહી કરનાર કિશોર પટેલે.          

વાર્તાનું મૂળ શીર્ષક હતું: “સમવન લાઈક યુ” જેનો અનુવાદ મેં કર્યો: “કોઈક તમારા જેવું.”

યુદ્ધમાં ભાગ લીધો હોય એવા બે ફાઈટર પાયલોટ લાંબા સમય પછી મળે છે અને જૂનાં દિવસો યાદ કરે છે. આ બંને જણાના માનસ પર યુદ્ધની ગંભીર અસરો પડેલી દેખાય છે. આ લોકોએ ઉપરીના હુકમ પ્રમાણે ફાઈટર વિમાન ઉડાડીને નક્કી કરેલા પ્રદેશ પર બોમ્બવર્ષા કરવા જવાનું રહેતું હતું. એક કળ દબાવતાં નીચે સેંકડો લોકો માર્યા જતાં હતાં. નક્કી કરેલાં લક્ષ્યથી સહેજ હઠીને બોમ્બ ફેંકો તો જુદો જ માનવસમૂહ માર્યો જતો હતો. આમ લોકોની જિંદગી જોડે રમત કરીને કરીને ક્થકનો મિત્ર તો ગાંડા જેવી લવારી કરતો થઈ ગયેલો જણાય છે. કથક પોતે પણ વચ્ચે વચ્ચે અસંબદ્ધ વાતો કરતો રહે છે. ક્થકનો મિત્ર એક એવા પાયલોટની વાત કરે છે જે એના પાળેલા કૂતરાના ખોવાઈ જવાથી લગભગ ગાંડો થઈ ગયો હતો.  એક તરફ માણસોની જિંદગી જોડે રમત રમવી અને બીજી તરફ પ્રાણીઓ જોડે આપ્તજન જેવો વહેવાર કરવો! આમ આ વાર્તામાં યુદ્ધની ભયાનક અસરો વિશેની વાતો છે.

૩. કોફીબ્રેક પછી ત્રીજી વાર્તા “ધ મેન ફ્રોમ સાઉથ” નો અનુવાદ રજૂ કર્યો ભાઈશ્રી સતીશ વ્યાસે “શરત” શીર્ષકથી.

એક જાહેર સ્થળે બે અજાણ્યા માણસો વચ્ચે વાતવાતમાં શરત લાગે છે. એક જુવાનિયો છે જેને એની પાસે રહેલા લાઈટર વિષે અભિમાન છે કે એ કદી ફેઈલ થતું નથી. એક બટકો અને જાડિયો માણસ એને ચેલેન્જ કરે છે કે તું દસ વખત ઉપરાછાપરી તારું લાઈટર સળગાવીને બતાવ. જો તું એમ કરવામાં સફળ થાય તો મારી કેડીલેક કાર તારી. એ નજીકમાં જ પાર્ક કરેલી પોતાની વિન્ટેજ કાર પેલા જુવાનિયાને દેખાડે પણ છે. જો જુવાનિયો હારી જાય તો પેલો જાડિયો બટકો માણસ જુવાનિયાના ડાબા હાથની ટચલી આંગળી કાપી લેશે. જુવાનિયા જોડે રહેલી એની ગર્લફ્રેન્ડ એને આવી શરત લગાડવાની ના પાડે છે પણ એક વાર પેલી કાર જોયા પછી જુવાનિયો તૈયાર થઈ જાય છે. એનું કહેવું છે કે ડાબા હાથની ટચલી આંગળીનો એણે જીવનમાં ક્યારેય કોઈ ઉપયોગ કર્યો નથી. જાડિયો બટકો માણસ હોટલની એક રૂમમાં સહુને લઇ જાય છે જ્યાં એક ટેબલ પર જુવાનિયાના ડાબા હાથને બાંધવામાં આવે છે. આંગળી કાપવા માટે છરાની વ્યવસ્થા પણ થાય છે. જમણા હાથે એ જુવાનિયો લાઈટર સળગાવવા માંડે છે, એક, બે, ત્રણ...

આ વાર્તાનો અંત કંઈક જુદી જ રીતે આવે છે. તદ્દન અનપેક્ષિત અંત! મજાની વાર્તા.

૪. સૌથી છેલ્લે ચોથી વાર્તા lamb to the slaughter રજૂ કરી બાલભારતીના મુખિયા ભાઈશ્રી હેમાંગ તન્નાએ.

આ વાર્તામાં એક પ્રૌઢ દંપતીની વાત છે. ડીનરમાં શું બનાવવું જેવી વાતમાં પતિ કંઈ રસ લેતો નથી. એની પત્ની એને ખૂબ ભાવપૂર્વક પૂછે છે કે આ બનાવું કે પેલું? પણ પતિ એની વાતનો સરખો જવાબ આપતો નથી. વર્ષોથી પત્નીની ઉપેક્ષા કરતા આવેલા પતિની એવી નિસ્પૃહી વર્તણુંકથી પત્ની ખૂબ દુઃખી થયેલી છે. એક સાંજે એ ઘેટાનું માંસ રાંધવા ઈચ્છે છે, પતિને એ વિષે પૂછે છે પણ પતિ રાબેતા મુજબ એને જવાબ જ આપતો નથી. ક્રોધે ભરાયેલી એની પત્ની પતિને પેલા ઘેટાનો કાપી રાખેલો એક પગ છુટ્ટો મારે છે જેનો માર પતિના મર્મસ્થળે વાગતાં એનું તાત્કાલિક મૃત્યુ થઈ જાય છે.

સૌથી પહેલાં સ્ત્રી ઘેટાનો પગ રાંધવા માટે ચૂલા પર મૂકે છે અને પછી પોલીસને જાણ કરે છે કે એના પતિનું આકસ્મિક મૃત્યુ થયું છે. પોલીસ આવીને મૃતદેહનું નિરીક્ષણ કરે છે. દરમિયાન સ્ત્રી પોલીસને એમની તપાસમાં પૂર્ણ સહકાર આપે છે, એ પોલીસની આગતાસ્વાગતા કરે છે, એમને ચા-પાણી પણ કરાવે છે. મૃતદેહના માથા પાછળ પોલીસને એક જખમ દેખાય છે. એમને શંકા થાય છે કે એ માણસની હત્યા થઈ હોવી જોઈએ. તેઓ હથિયારની તપાસ કરે છે પણ હથિયાર મળતું નથી. સ્ત્રી એમને કહે છે કે તમે થાક્યા કંટાળ્યા હશો, મેં ઘેટાનું માંસ રાંધ્યું છે, તે તમે ખાશો તો મને આનંદ થશે. મારા પતિ જીવતા હોત તો એમણે ખૂબ આનંદથી આ માંસ ખાધું હોત. પોલીસ પાસે કરવા જેવું બીજું કોઈ કામ હતું નહીં એટલે તેઓ તે સ્ત્રીના ઘેર ડીનર કરે છે, ડીનરમાં તેઓ ખાય છે પેલા ઘેટાનું માંસ.          

#

દરેક વાર્તાની પહેલાં અને પછી કાર્યક્રમના યજમાન શ્રી હેમાંગભાઈ તન્નાસાહેબે રોઆલ્ડ ડાહ્લ વિષે અવનવી માહિતી પીરસી.  ટૂંકમાં સતીશભાઈ વ્યાસે કહ્યું એમ રોઆલ્ડ ડાહ્લ ઉપર લગભગ સેમીનાર થઈ ગયો.

--કિશોર પટેલ, 24-04-23; 13:52

(રોઆલ્ડ ડાહ્લની છબીસૌજન્ય: વીકીપીડીયા. રોઆલ્ડ ડાહ્લ વિશેની માહિતીસૌજન્ય: શ્રી હેમાંગ તન્ના અને વીકીપીડીયા.)   

###

   

 

No comments: