Tuesday 18 April 2023

અખંડ આનંદ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 અખંડ આનંદ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૫૪ શબ્દો)

દ્વિધા (મનહર જે વૈષ્ણવ):

આશ્રમમાં રોજ સવારની પ્રાર્થનામાં ઉપસ્થિત ભાવિકો સમક્ષ સ્વામી ધર્માનંદ પ્રવચન કરતા. એ સમયે એમના શિષ્યા પદ્માજી પણ વ્યાસપીઠ પર સ્વામીજી જોડે બિરાજતા.  સ્વામીજી જોડે પદ્માજીને જોઇને કેટલાંક ભાવિકો એ બંનેને સાંકળીને અણછાજતી ટીકાટિપ્પણી કરતાં. આ વાત ધ્યાનમાં આવતાં પદ્માજીએ સ્વામીજી સમક્ષ અન્યત્ર જતાં રહેવાની ઈચ્છા પ્રગટ કરી પણ સ્વામીજીએ એવું કરવાની એમને મનાઈ ફરમાવી દીધી. આશ્રમની મુલાકાતે આવેલા એક વરિષ્ઠ સંન્યાસીનું ધ્યાન ભાવકોની આવી ટિપ્પણીઓ પર ગયું. વિદાય લેતી વખતે એમણે સ્વામી ધર્માનંદને સલાહ આપી કે તમે પદ્માજી જોડે વિવાહ કરી લો. સંન્યાસીની આવી સલાહથી સ્વામી ધર્માનંદને ભારે આધાત લાગ્યો. તેઓ રાતોરાત આશ્રમ છોડી ગયા. વાર્તાકાર પ્રશ્ન પૂછે છે કે કોણ શ્રેષ્ઠ? સંસારી સાધુ કે સાધુત્વ સાથેનો સંસાર?

રજૂઆતમાં સુધારાને અવકાશ છે. અમુક વાક્યમાં કર્તા ગેરહાજર છે. અમુક વાક્યમાં બિનજરૂરી શબ્દોની ભરમાર છે. અમુક વાક્યમાં શબ્દોની પસંદગી ચર્ચાસ્પદ છે.        

શિંગડા (જેસંગ જાદવ):

બે બળુકી ભેંસ બાઝી અને એમનાં શિંગડા એકબીજામાં એવા ભેરવાયા કે એકના શિંગડા કાપ્યે જ છૂટકો થાય. બેઉ ભેંસના માલિકો રેવો અને પૂંજો અડી ગયા. બેમાંનું કોઈ પોતાની ભેંસના શિંગડા કપાવવા તૈયાર નથી. બંને ભેંસની સ્થિતિ અત્યંત ગંભીર છે. બેમાંથી નમતું કોણ આપે અને શા માટે?

પાળેલા પ્રાણીઓ જોડે ઊભી થતી વિષમ પરિસ્થિતિની શ્વાસ અધ્ધર કરી દે એવી રોમાંચક વાર્તા. વેગળો વિષય અને રહસ્યસભર સરસ રજૂઆત! ક્યા બાત!      

વાર્તાકારે તળપદી બોલીભાષાનાં વિશિષ્ટ શબ્દોના અર્થ આપવા જોઈતાં હતાં. ૧. “ભેંસે કંથેરમાં હાથ નાખ્યો હતો” ૨. “ભેંસને સોંઢારવા લઈ જવું” ૩. “ઝોંઝો”  ૪.  “એને કોઈ ન માંડે.” જેવા શબ્દપ્રયોગોનાં અર્થ સમજાતાં નથી.          

મંગળસૂત્ર (ભૂપેન્દ્ર ત્રિવેદી, ‘સ્વયંભૂ’):

ચોરીનું ખોટું આળ માથે આવતાં પેઢીનો એક કર્મચારી ઘરબાર છોડી પત્ની-પુત્રને રઝળતાં મૂકીને ભાગી ગયો. તેની પત્ની અનસુયાબેને પુત્રનો યથાયોગ્ય ઉછેર કર્યો. પતિની કોઈ ભાળ મળતી ન હતી છતાં પોતે સૌભાગ્યવતી છે એવું માનીને તેઓ સધવાનું જીવન જીવ્યા. ત્રીસ વર્ષે એમને સ્વપ્નું આવ્યું કે એમના પતિ હયાત છે અને હિમાલયમાં ક્યાંક છે એટલે એમણે જીવ છોડી દેવાનું નક્કી કર્યું! અન્નજળનો ત્યાગ કરીને એમણે એક મહિનામાં દેહ છોડી દીધો!   

પ્રસ્તુત રચના સંઘર્ષ વિનાની વાર્તા એટલે કે અવાર્તા છે. વળી વાર્તાકારે શું કહેવું છે તે પણ સ્પષ્ટ થતું નથી. કદાચ નાયિકાનું રેખાચિત્ર રજૂ કરવાનો હેતુ હોઈ શકે, પણ આ પ્રકારનું પાત્ર કોઈને શું પ્રેરણા આપી શકે?

પુનર્જાગરણ (યશવન્ત મહેતા):

સાયન્સ ફિક્શન. વૈજ્ઞાનિક કાલ્પનિક કથા. પચાસ વર્ષ પછીના વિશ્વની કલ્પના થઈ છે. અનેક નવી શોધખોળ થઈ ગઈ હશે. ઈ.સ.૨૦૫૦ માં એક પ્રયોગ હેઠળ ૨૩ વર્ષ જેટલાં લાંબા સમય માટે સુષુપ્તાવસ્થામાં રાખવામાં આવેલા ડો. રવિ આચાર્યને ઈ.સ.૨૦૭૩ માં જાગૃત કરવામાં આવે છે. સંશોધન માટે દૂરના ગ્રહો પર જતાં વૈજ્ઞાનિકોને મદદ મળે એવા હેતુથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. રોમાંચક વાર્તા.   

--કિશોર પટેલ, 19-04-23; 11:27

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

   

 

  

No comments: