Friday 26 February 2021

પરબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે:

 


પરબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે:

(૪૪૩ શબ્દો)

રિવ્યુ બુક (દક્ષા પટેલ):

એક સ્ત્રીને માતૃત્વથી વંચિત રાખવી એટલે શું?

આ વાર્તાની રચનારીતિ નોંધનીય છે. પતિ જાણે છે કે પત્ની ઉદાસ રહે છે. પણ એની પીડાનું સાચું કારણ એ જાણતો નથી. અમોલ બિઝનેસમેન છે અને અમિતા વ્યવસાયી ચિત્રકાર છે. અમિતાના ચિત્રોના એક પ્રદર્શન પછી પાંચમાં દિવસે અમોલ પ્રદર્શનની રિવ્યુ બુક ઘેર લઇ જાય છે અને એમાંની ટીપ્પણીઓ વાંચે છે. પાંચે દિવસની ટીપ્પણીઓ વંચાઇ રહે તે દરમિયાન આખી વાર્તા ભાવક સમક્ષ ઉઘડે છે. અંતમાં અમોલને અમિતાની પીડાનું કારણ જાણવા મળે છે. કરુણતા એ છે કે એની પાસે કોઇ ઈલાજ નથી. આમ વાર્તાનો અંત ભાવકને ઘેરા અવસાદમાં ડૂબાડી દે છે.   

પ્રથમ પત્નીના મૃત્યુ પછી અમોલ ચિત્રકાર અમિતાના પરિચયમાં આવે છે. અમોલના શહેરમાં દરિયો છે અને અમોલના પ્રથમ લગ્નથી બે બાળકો છે. દરિયા પ્રતિ પ્રચંડ આકર્ષણ અને બાળકો પ્રતિ પ્રીતિના કારણે અમિતા અમોલ દ્વારા થયેલો લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લે છે. પણ લગ્ન પછી જયારે અમિતા પોતાના બાળકની ઈચ્છા જાહેર કરે છે ત્યારે અમોલ કહે છે કે એ શક્ય નથી. કદાચ પહેલાં લગ્નસંબંધમાં બે બાળકો પછી એણે વંધ્યીકરણની શસ્ત્રક્રિયા કરાવી લીધી હશે.          

અમિતા સત્યનો સ્વીકાર તો કરી લે છે પણ પછી બાળકથી વંચિત રહેવાની પીડા એના ચિત્રોમાં વ્યકત થવા માંડે છે.

વ્યવહારિકતા એમ કહે છે કે આવા સંબંધોમાં બંને પક્ષે અમુક સ્પષ્ટતાઓ અગાઉથી થઇ જવી જોઈએ. આ કિસ્સામાં અમોલ બીજવર છે જયારે અમિતાનું પ્રથમ લગ્ન છે. અમોલે અગાઉથી સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે બે બાળકો પછી પોતે વંધ્યીકરણની શસ્ત્રક્રિયા કરાવી લીધી છે. પણ આપણે જાણીએ છીએ કે જયારે મન મળી જાય ત્યારે વ્યવહારિક બાબતો ભૂલાઈ જતી હોય છે.

આમ આ વાર્તા એક સ્ત્રીની વેદનાને વાચા આપે છે અને સાથે સાથે એક સોશિયલ સ્ટેટમેન્ટ પણ કરે છે. (જાન્યુઆરી ૨૦૨૧)    

ઓરડી (પ્રભુદાસ પટેલ):

કોરોના મહામારીની દહેશત.

દીકરીને ઘેર શહેરમાં મળવા જઇને રામજીભાઇ ગામડે પાછા આવ્યા છે. દીકરીએ આપેલી સલાહ પ્રમાણે ઘરના સહુ સભ્યોથી તેઓ સલામત અંતર જાળવીને દૂર રહ્યા છે. મન પર પથ્થર મૂકીને નાનકડા પૌત્રને પણ એમણે વ્હાલ કર્યું નથી. સહુથી અલગ એક ઓરડીમાં એમણે રહેવાનું રાખ્યું છે. બે-ત્રણ દિવસ પછી અચાનક એમની પર શરદીનો હુમલો થાય છે અને મધરાતે એ છીંકાછીંક કરી મૂકે છે. બસ, આટલી વાતથી ઘરમાં દહેશત ફેલાઇ જાય છે. ઘરના લોકો માટે અચાનક હવે એ “બાપા” માંથી “ડોસો” બની જાય છે. ડોક્ટરને બોલાવાય છે, તપાસ થાય છે, શરદી-ખાંસીના સામાન્ય લક્ષણો છે પણ સાવચેતી ખાતર ડોક્ટર રામજીભાઈને  હોમ-કોરોન્ટાઈન કરે છે.     

કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં ઘરના સભ્યોનો પ્રતિભાવ સમજી શકાય એવો છે. પણ રામજીભાઈને ઘણું આકરું લાગ્યું છે. મૃત પત્ની જોડે કાલ્પનિક સંવાદોમાં એમની પીડા છતી થાય છે. આવા સમયે વ્યવહારુ બનવાને બદલે મોટી વયે માણસો લાગણીશીલ બનીને દુઃખી થતાં હોય છે એનું ઉત્તમ ઉદાહરણ લેખકે રામજીભાઈના પાત્ર વડે આપ્યું છે. નાયકનો મનોવ્યાપાર સરસ ઝીલાયો છે.

ઉત્તર ગુજરાતની ગ્રામ્યબોલીનો સારો પ્રયોગ. સારી વાર્તા. (ફેબ્રુઆરી ૨૦૨૧)

--કિશોર પટેલ; 14-02-21; 06:47

### 



No comments: