Wednesday 10 February 2021

નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે

 

નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે

(૭૫૧ શબ્દો)

આ અંકની ત્રણે વાર્તાઓમાં એક સમાનતા છે. એકે વાર્તામાં સ્થૂળ અર્થમાં ખાસ કંઈ બનતું નથી અને સૂક્ષ્મ રીતે બને છે પણ નહીંવત. પહેલી વાર્તામાં સ્નેહસંબંધથી જોડાયેલાં પાત્રોની વાત છે, બીજી વાર્તામાં એક વિશિષ્ટ પાત્રનું આલેખન છે જયારે ત્રીજી વાર્તામાં એક સ્થળવિશેષનું શબ્દચિત્ર છે.

ઉપપિતા (પ્રવીણસિંહ ચાવડા):  “ઉપ”:  કોઇ નામને આ ઉપસર્ગ લાગે એટલે વધારાનું એવો અર્થ થાય. કથક મિત્રની પુત્રીનો પિતા સમાન છે. મિત્ર બટુકના પરિવાર જોડે કથકનો નિકટનો સંબંધ છે. વાર્તા મૈત્રીસંબંધની છે. વાર્તામાં મિત્રની દીકરીના લગ્નપ્રસંગ નિમિત્તે મિત્રપરિવારના ત્રણે મુખ્ય સભ્યો જોડે કથકના મીઠા સંબંધોનું આલેખન થયું છે. આમ જુઓ તો વાર્તામાં વિશેષ કંઇ બનતું નથી. હા, વિચિત્ર લાગે એવા સ્વભાવના એક પાત્રનું આલેખન થયું છે. સમાજમાં બટુક જેવા માણસો આપણી આસપાસ હોય છે.          

કથક અને બટુક વચ્ચે મૈત્રી કેવી હતી? વાર્તામાંની જ એક અભિવ્યક્તિ દ્વારા આ બેઉનો સંબંધ સ્પષ્ટ થશે. બટુક કથકથી થોડાંક મહિના નાનો હતો, નિશાળમાં પણ એક વર્ષ પાછળ હતો. કથકને તોછડાઈથી એ  “તમે” કહેતો અને કથક એને વિનયપૂર્વક “તું” કહેતો. કોઇ પણ દીકરીના પિતાની જેમ બટુકને પણ પોતાની દીકરી અત્યંત વ્હાલી હતી. કથકને પરિવારમાં એક જ દીકરો હતો એટલે બટુક કાયમ કથકને મહેણું મારતો કે તમને શું ખબર પડે દીકરીના પિતા હોવું તે? બટુકની પત્ની એક સરેરાશ ગૃહિણી, પતિના તામસી સ્વભાવથી પીડિત પણ પતિ સ્નેહીજનોમાંથી ફક્ત એક કથકનો આદર કરે એટલે પ્રસંગોપાત એ કથક પાસે મદદ માટે ધા નાખતી. દીકરી સંસ્કારી, સમજુ અને વડીલોનું માન રાખે. બટુક માંડ માંડ દીકરી માટે આવેલાં માગાંનાં સ્થળો જોવા તૈયાર થાય છે. કેવી રીતે આખો પ્રસંગ ઉકેલાય છે તેનું રોચક આલેખન વાર્તામાં થયું છે.

વાર્તાની રજૂઆત લેખકની હંમેશની રમતિયાળ હળવી શૈલીમાં થઇ છે. અડધા અડધા ટૂંકા વાક્યો, ડગલે ને પગલે ભાષાનું સૌંદર્ય,  પાત્રોની ખાસયિત વર્ણવવા માટે ઉપમા અને રૂપક જેવા અલંકારો. બટુકના દીકરી પ્રત્યેના સ્નેહ માટે કથક કહે છે: “પૃથ્વીના ઇતિહાસમાં તેઓ અભૂતપૂર્વ પિતા છે. આજ સુધી કોઇ દીકરી બાપનું ઘર છોડીને ગઇ નથી.” જયારે બટુક દુઃખી થઇને કથકને પૂછે છે: “મારી દીકરીને કોઇ દિવસ જોઇ છે?” પિતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ જોઇ કથક નિરુત્તર થઇ જાય છે. બટુકની પત્ની દીકરીને કહે છે કે તારા કાકા પાસે કોઇ જવાબ નથી. આ સમયે દીકરી મહેશ્વરી પાસે લેખકે સરસ પ્રતિક્રિયા અપાવી છે: “...કોઇ કોઇ માણસો, વિશિષ્ટ સંજોગોમાં જાણીજોઇને હાર સ્વીકારી લેતાં હોય છે.”

બીજું કંઇ? (ધીરેન્દ્ર મહેતા): અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે: uncertain. આપણે ગુજરાતી ભાષામાં કહીશું: “અચોક્કસ”. વાર્તાનો નાયક પરિમલ કોઇ પણ બાબતે અચોક્કસ છે. ક્યાંય કોઇ વાતનો આગ્રહ નહીં, પોતાનો અભિપ્રાય નહીં, પસંદગી નહીં. ચલાવી લેવાનું, કોઇ પણ પરિસ્થિતિને અનુકૂળ થઇ જવાનું એના સ્વભાવમાં વણાઈ ગયું હતું. લગ્ન પછી પત્ની નોકરી કરશે એવો ખ્યાલ ન હતો, પત્ની નોકરી કરવા માંડી એ વાતનું એને આશ્ચર્ય થયું, પણ એણે સ્વીકારી લીધું. કોઇ વિરોધ નહીં, કોઇ દલીલ નહીં. દીકરીએ જાતે જીવનસાથી પસંદ કર્યો. ભાવિ જમાઈને એ જોવા કે મળવા પણ ગયો નહીં! બધું નક્કી છે પછી શું જોવું? પત્નીને નોકરીમાં બઢતી મળી, ટ્રેનિંગમાં ગઇ, પોતે એકલો પડી ગયો, બધી જ વાતો જોડે એ વિના ફરિયાદે અનુકૂળ થઇ ગયો. દીકરીએ ઘરકામ માટે એક બાઇ રાખીને વ્યવસ્થા કરી આપી, એમાં પણ એનો કોઇ અભિપ્રાય નહીં, કોઇ મત નહીં! આવા ઈચ્છામુક્ત અને દિશાહીન, માણસો આપણા સમાજમાં હોય છે. આપણી કુટુંબવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા એવી છે કે આવા માણસો નભી જાય છે. વાર્તાનું શીર્ષક અને અંત બંને સૂચક છે: “બીજું કંઈ?” જેવા પ્રશ્નનો પણ પરિમલ પાસે જવાબ નથી. એને એવો વિચાર જ આવ્યો નથી કે પોતાને ચોક્કસપણે શું જોઈએ છે!      

થાંભલો (દેવ કનુભાઈ પંડ્યા): શહેરના એક રસ્તા પર બસ સ્ટેન્ડના વિસ્તારનું શબ્દચિત્ર. એ વિસ્તારની કોઇ ઓફિસમાં કોઇ કામથી આવેલી નાયિકા સાંજે ઘેર પાછી ફરવા બસની રાહ જુએ છે.  એ દિવસે એ એક ચોક્કસ બસ ચૂકી ગઇ છે. સમયપત્રક પ્રમાણે દોઢ કલાક પછીની બસની રાહ જોતી એ ઊભી રહે છે. નજીક એક થાંભલો છે. સ્ટેન્ડ પર શ્રમજીવીઓ ઊભાં છે. એક તરફ કૂતરા અને કૂતરીને ગેલ-ગમ્મત કરતાં બતાવીને લેખક માનવ સહિત તમામ જીવસૃષ્ટિની આદિમવૃત્તિ તરફ ઈશારા કરે છે.

સાંજ પડ્યે દેહવ્યવસાય કરતી સ્ત્રીઓ ગ્રાહકની શોધમાં  એ બસ-સ્ટેન્ડ પર ટોળે વળીને ગ્રાહકોની રાહ જોતી ઊભી રહે છે. એમાંની એક ધંધાદારી સ્ત્રી નાયિકાને જોઇને પૂછે છે, “નઈ આઈ હૈ ક્યા?” નાયિકાના ઉત્તર પરથી સમજાય છે કે એ  પ્રશ્નનો મર્મ એ સમજી નથી.

જો નાયિકાને ખબર હોત કે એ ચોક્કસ બસ સ્ટેન્ડ પર અમુક સમયે રૂપજીવિનીઓ ગ્રાહકોની શોધમાં ઊભી રહે છે તો? કમ સે કમ બે મિનીટ પહેલાં ત્યાંથી પસાર થયેલાં એક યુગ્મમાંથી પુરુષે એની જોડેની સ્ત્રીને નાયિકા માટે પૂછ્યું હતું કે આ અહીં નવી આવી છે કે કેમ એ ક્ષણે પણ નાયિકાને ખ્યાલ આવ્યો હોત કે લોકો એને કઇ નજરે જોઇ રહ્યાં છે, તો? તો કદાચ નાયિકાનો મનોવ્યાપાર કંઇક જુદો હોત. તો કદાચ ચોક્કસપણે એક રસપ્રદ વાર્તા બની હોત. નાયિકાની જોડે જોડે કદાચ લેખક પણ બસ ચૂકી ગયા હોય એવું લાગે છે. ખેર.    

--કિશોર પટેલ; 10-02-21; 12:47.

###


No comments: